News of Wednesday, 21st October 2026
પોલીસ સંભારણા (શહીદ) દિવસ નિમીતે પોલીસ હેડક્વાર્ટર ખાતે કાર્યક્રમઃ શહીદ જવાનોને પુષ્પચક્ર-શ્રધ્ધાંજલી અર્પણ
દેશ અને નાગરિકોની રક્ષા કાજે પોતાના અમૂલ્ય જીવ ન્યોછાવર કરી દીધા છે તેમનું ઋણ આખો સમાજ અને પોલીસ વિભાગ કયારેય ચુકવી શકશે નહિઃ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાઃ તમામ અધિકારીઓની ઉપસ્થિતિ : રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરની ઉપસ્થિતિમાં મવડી હેડક્વાર્ટર ખાતે પણ શહીદ સંભારણા દિવસ નિમીતે કાર્યક્રમ

શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ શહીદ દિવસ નિમીતે યોજાયેલા શ્રધ્ધાંજલી કાર્યક્રમની તસ્વીરી ઝલક (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટ. તા.૨૧: દેશની આંતરિક સુરક્ષા, શાંતિ અને કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે પોતાના પ્રાણની આહુતિ આપનારા વીર પોલીસ જવાનોની સ્મળતિમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પોલીસ સંભારણા દિવસની અત્યંત ભાવુક અને ગૌરવપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. શહેરના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે યોજાયેલા આ ખાસ સ્મરણાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ શહીદોને ફુલહાર કરી શ્રધ્ધાંજલી આપી હતી.
લદાખના હોટ સ્પિં્રગ વિસ્તારમાં ૧૯૫૯ની ૨૧મી ઓક્ટોબરે દેશની સુરક્ષા માટે ચીનની આધુનિક હથિયારોથી સજજ ટુકડીનો હિંમતભેર સામનો કરી સીઆરપીએફના ૧૦ જાબાંઝ સૈનિકો શહીદ થયા હતા. તે દિવસની દેશભરમાં ‘પોલીસ સંભારણા (શહીદ) દિવસ' તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ અંતર્ગત આજે સવારે રાજકોટ શહેર પોલીસ હેડ ક્વાર્ટરનાં શહીદ સ્મારક ખાતે દેશભરમાં શહીદ થયેલા પોલીસ જવાનો અને પેરામિલીટ્રી ફોર્સના જવાનોને શ્રધ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ શહીદ જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપી સંબોધનમાં જણાવ્યું હતું કે- જે જવાનોએ પોતાની ફરજને જ સર્વસ્વ માનીને દેશ અને નાગરિકોની રક્ષા કાજે પોતાના અમૂલ્ય જીવ ન્યોછાવર કરી દીધા છે તેમનું ઋણ આખો સમાજ અને પોલીસ વિભાગ કયારેય ચૂકવી શકશે નહીં. શહીદ જવાનોના પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે, પરંતુ તેઓ કયારેય પોતાને એકલા ન સમજે. આખો પોલીસ પરિવાર હંમેશા તેમની પડખે ઊભો છે અને તેમને વિભાગ તરફથી સતત માનભેર હૂંફ અને સહયોગ મળતો રહેશે.
પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આયોજિત આ શ્રધ્ધાંજલિ કાર્યક્રમમાં પોલીસ કમિશનરની સાથે એડી.પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, ડીસીપી રાકેશ દેસાઈ, ડીસીપી હેતલ પટેલ, ટ્રાફિક ડીસીપી હરપાલસિંહ જાડેજા સહિતના તમામ ઝોનના ડીસીપી, એસીપી, પીઆઈ, પીએસઆઇ અને મોટી સંખ્યામાં પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન શહીદોના સન્માનમાં હથિયાર નમાવીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને બે મિનિટનું મૌન પાળીને અમર શહીદોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. તમામ અધિકારીઓએ વારાફરતી શહીદ સ્મારક પર પુષ્પચક્ર અર્પણ કરીને વીર જવાનોની બહાદુરીને નમન કર્યા હતા.
આ ઉપરાંત મવડી પોલીસ હેડક્વાર્ટર ખાતે ‘પોલીસ સંભારણા દિવસ' નિમિત્તે એક ગરિમાપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશ અને રાજ્યની સુરક્ષા કાજે પોતાની ફરજ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપનારા અમર શહીદ પોલીસ જવાનોને આ અવસરે ભાવપૂર્વક યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે પોલીસ દળ માટે હંમેશા ‘ફરજ પ્રથમ'નો સંકલ્પ સર્વોપરી રહ્યો છે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ નાગરિકોની સુરક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનારા જવાનો દેશનું ગૌરવ છે. તેમનું બલિદાન કયારેય એળે નહીં જાય અને આવનારી પેઢીઓ માટે પ્રરણારૂપ રહેશે. કાર્યક્રમ દરમિયાન શહીદ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને હવામાં ફાયરિંગ કરી ગાર્ડ ઓફ ઓનર સાથે શહીદોને સલામી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં એએસપી સીમરન ભારદ્વાજ, ડો. નવીન ચક્રવર્તી સહિત પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને શહીદ પરિવારોના સભ્યો હાજર રહ્યા હતાં.
નોંધનીય છે કે ૨૦૨૫ના સપ્ટેમ્બર માસથી ૨૦૨૬ના ઓગસ્ટ માસ સુધી દેશભરમાં ૧૯૧ જવાનો શહીદ થયા હતા. આંધ્રપ્રદેશમાં ૧, અરૂણાચલ પ્રદેશમાં પણ ૧, આસામમાં ૬, બિહારમાં ૨૦, છત્તીસગઢમાં ૬, હરિયાણામાં ૪, ઝારખંડમાં ૩, કર્ણાટકમાં ૫, કેરલમમાં ૧, મધ્યપ્રદેશમાં ૯, મહારાષ્ટ્રમાં ૨, મણીપુરમાં ૧, પંજાબમાં ૨, રાજસ્થાનમાં ૫, તમિલનાડુમાં ૬, તેલંગાણામાં ૪, ઉત્તરપ્રદેશમાં ૬, ઉત્તરાખંડમાં ૧, પヘમિ બંગાળમાં ૫, દિલ્હીમાં ૩, જમ્મુ-કાશ્મીરમાં સૌથી વધુ ૬૭ જવાનોએ પોતાના પ્રાણની આહુતિ આપી હતી. જ્યારે ગુજરાતમાં એએસઆઈ અજીત નંદે અને કોન્સ્ટેબલ બીરેન્દ્રસિંહ રાઓલ શહીદ થયા હતા. ૧૯૧ શહીદ જવાનોમાં પોલીસ ઉપરાંત પેરામીલીટ્રી ફોર્સના જવાનોનો સમાવેશ થાય છે.
(2:40 PM IST)










