News of Saturday, 21st November 2026
રફીકની ‘રફતાર' પર ખાખીની ‘બ્રેક': ર૧૦ ત્રિનેત્રથી ‘હિટ એન્ડ રન'નો ભેદ અંતે ઉકેલાયો
દસેક દિવસ પહેલા આસ્થા ચોક રોડ ઉપર ટુ વ્હીલર ચાલક હોમગાર્ડના પિતાને અજાણી કારનો ચાલક હડફેટે લઇ ભાગી ગયો હતો માલવીયાનગર પીઆઇ જે.એમ.કૈલા, પીએસઆઇ કે.ડી.મારૂ અને ટીમે કુવાડવાના આરોપીને પકડયો

રાજકોટ, તા., ૨૧ : ૧પ૦ ફુટ રીંગ રોડ પર આસ્થા ચોક રોડ ઉપર ટુ વ્હીલરને હડફેટે લઇ હોમગાર્ડના પિતાનું મોત નિપજાવી કાર લઇને ભાગી જવાની હિટ એન્ડ રનની ઘટનાનો ભેદ માલવીયાનગર પોલીસે ઉકેલી શહેરના ર૧૦ થી વધુ સીસીટીવી કેમેરા તપાસી કાર ચાલકને ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.
જાણવા મળ્યા મુજબ ૧પ૦ ફુટ રીંગ રોડ પર આસ્થા ચોક નજીક આંબેડકરનગરમાં રહેતા અને સિકયુરીટીમાં નોકરી કરતા મુળજીભાઇ પ્રેમજીભાઇ દાફડા (ઉ.વ.૭૪) ગઇ તા.૧૦ના સ્કુટર લઇને જઇ રહયા હતા ત્યારે આસ્થા ચોક રોડ ઉપર પુરપાટ વેગે ધસી આવેલી અજાણી કારનો ચાલક તેને હડફેટે લઇ ભાગી જતા ગંભીર રીતે ઘવાયેલા મુળજીભાઇને હોસ્પીટલે ખસેડયા હતા જયા તેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું હતું. આ ઘટનામાં માલવીયાનગર પોલીસે મૃતકના પુત્ર અને તાલુકા પોલીસ મથકમાં હોમગાર્ડમાં ફરજ બજાવતા ધર્મેશભાઇ દાફડા (ઉ.વ.ર૮)ની ફરીયાદ પરથી ગુનો દાખલ કરી અજાણી કારના ચાલકની શોધખોળ શરૂ કરી હતી.
દરમિયાન પીઆઇ જે.એમ.કૈલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.ડી.મારૂ સહીતની ટીમે શહેરના અલગ-અલગ સ્થળના કુલ ર૧૦ થી વધુ સીસીટીવી કેમેરાઓ તપાસીને કાર શોધી કાઢી હેડ કોન્સ. અનીલભાઇ જીલરીયા અને કોન્સ. કરમણભાઇ જાદવ સહિતની ટીમે કાર ચાલક રફીક ગફારભાઇ સાલાણી (ઉ.વ.૪૮) રહે. લુહારચાલી, કુવાડવા ગામ ભાડેથી) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.
આ કામગીરી પો.ઇન્સ. જે.એમ.કૈલા તથા પો.સબ ઇન્સ. કે.ડી.મારૂ તથા એએસઆઇ કેતનકુમાર શેખલીયા, કેતનકુમાર નીકોલા તથા પો.હેડ કોન્સ. કૃણાલસિંહ ઝાલા, સારંગભાઇ ઓગાણીયા, અનીલભાઇ જીલરીયા તથા પો.કોન્સ. અમરદીપસિંહ જાડેજા, વિશ્વરાજસિંહ જાડેજા, કરમણભાઇ જાદવે કરી હતી.
(3:07 PM IST)










