News of Tuesday, 8th September 2026
આજીડેમ ચોકડી પાસે રાહુલને મિત્રના મિત્રોએ ધોકાથી ધોકાવ્યો
જો પોલીસ ફરિયાદ કરીશ તો તારા બંને ટાંટીયા ભાંગી નાંખશુ કહી ધમકીઃ સોયલો અને યુવરાજ સામે ગુનો

રાજકોટ તા. ૮: ગંજીવાડા શેરી નં. ૩૧ બજરંગ ચોક પાસે રહેતાં રિક્ષાચાલક રાહુલ વાલજીભાઇ કાપડીયા (ઉ.વ.૩૦) નામના યુવાનને ભાવનગર રોડ પર ગુજરાત ટ્રાવેલ્સની ઓફિસ સામેની વડવાળા હોટલ પાસે મિત્ર દિનેશ સાથે રિક્ષામાં બેઠો હતો ત્યારે દિનેશના બે મિત્રો સોયલો અને યુવરાજે ઝઘડો કરી ગાળો દઇ ઢીકાપાટુ અને ધોકાથી માર મારી જો પોલીસ ફરિયાદ કરીશ તો તારા ટાંટીયા ભાંગી નાંખીશ તેવી ધમકી આપતાં આજીડેમ પોલીસમાં ગુનો દાખલ થયો છે.
રાહુલ રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. તે પરિવાર સાથે રહે છે. તેણે જણાવ્યું હતું કે એક વર્ષ પહેલા મને વાહન અકસ્માતમાં ઇજા થતાં પગમાં પ્લેટ નાંખવી પડી છે. ગત રાતે હું અને મિત્ર દિનેશ રિક્ષામાં બેઠા હતાં ત્યારે દિનેશના બે મિત્રો સોયલો અને યુવરાજ પણ ત્યાં હતાં. આ વખતે આ બંને કોઇ અજાણી વ્યક્તિ સાથે ગાળાગાળી કરતાં હોઇ મેં તેને આવુ કરવાની ના પાડતાં બંનેએ ઉશ્કેરાઇ જઇ મને ઢીકાપાટુ મારી બાદમાં ધોકાથી હુમલો કરી ડાબા પગે, પીઠના ભાગે ઘા ફટકાર્યા હતાં. હું ભાગીને આગળ ગયો હતો અને મારી બહેનને ફોન કરતાં બહેન આવી ગયા હતાં. આ વખતે યુવરાજ અને સોયલાએ આવી જો ફરિયાદ કરીશ તો તારા બંને પગ ભાંગી નાંખશુ તેમ કહી ભાગી ગયા હતાં. મને સારવાર માટે ખસેડયો હતો. હેડકોન્સ. ટી. જે. સરવૈયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
(3:55 PM IST)










