<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

રેલનગરના રિક્ષાવાળા જગદીશભાઇ અને પત્‍નિ રાજલબેને ફિનાઇલ પીધું

શિતલ પાર્ક ઉગતા પોરના મેલડી માતાના મંદિર પાસે પગલુ ભર્યુ : રિક્ષામાં મુસાફર તરીકે આવતાં સત્‍સંગી મહિલાના પતિએ શંકા કરી માથાકુટ કરી ખોટા આક્ષેપો કરતાં પગલુ ભર્યાનું દંપતિનું કથનઃ ગાંધીગ્રામ પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૨૩: શહેરના રેલનગરમાં રહેતાં રિક્ષાચાલક યુવાન અને તેના પત્‍નિએ સાંજે ગાંધીગ્રામ શીતલપાર્ક નજીક આવેલા ઉગતા પોરના મેલડી માતાજીના મંદિર પાસે ફિનાઇલ પી લેતાં સારવાર માટે દાખલ કરાયા છે. યુવાને આક્ષેપો સાથે જણાવ્‍યું હતું કે પોતે રિક્ષાના ભાડા કરતો હોઇ એક મહિલા અવાર-નવાર તેના સત્‍સંગ મંડળના મહિલાઓ સાથે રિક્ષામાં આવ-જા કરતાં હોઇ આ મહિલાના પતિએ ખોટી શંકા કરી પોતાને લીમડા ચોકમાં બોલાવી માથાકુટ કર્યા બાદ શીતલ પાર્ક પાસે બોલાવી ફરીથી ડખ્‍ખો કરી તેમજ મારા પત્‍નિને સોનાની બુટી લઇ ગઇ છે તેવી વાત સ્‍વીકારી લેવાનું દબાણ કરતાં આ પગલુ ભર્યુ હતું.

જાણવા મળ્‍યા મુજબ રેલનગર લાલબહાદુર શાષાી ટાઉનશીપમાં રહેતાં જગદીશભાઇ જીવરાજભાઇ નારોલા (ઉ.વ.૩૫) અને તેના પત્‍નિ રાજલબેન જગદીશભાઇ નારોલા (ઉ.વ.૩૪)એ સાંજે શિતલ પાર્ક નજીક ઉગતા પોરના મેલડી માતાજીના મંદિર પાસે ફિનાઇલ પી લેતાં બંનેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.

જગદીશભાઇ ચાર બહેન અને બે ભાઇમાં નાના છે. તેણે જણાવ્‍યું હતું કે તેના લગ્ન ચાર વર્ષ પહેલા થયા છે. હું અગાઉ નાગેશ્વર વિસ્‍તારમાં રિક્ષા રાખી ફેરા કરતો હોઉ એક મહિલા તથા બીજા સત્‍સંગના મહિલાઓની ભજન મંડળી મારી રિક્ષામાં આવ-જા કરતી હોઇ જેથી એક મહિલા સાથે પરિચય થયો હતો. બાદમાં મારા પત્‍નિને નોકરી કામ અપાવવા પણ મેં તેઓને ભલામણ કરી હતી. દરમિયાન આ મહિલાના પતિને મારા પર ખોટી શંકા ઉપજતાં તેણે મને ગઇકાલે ફોન કરી શાષાીમેદાન લીમડા ચોક નજીક બોલાવ્‍યો હતો અને ઝઘડો કરી રિક્ષા સ્‍ટેન્‍ડ બદલી નાંખવા કહ્યું હતું.

આ પછી સાંજે ફરીથી મને શિતલ પાર્ક પાસે બોલાવતાં હું મારા પત્‍નિ રાજલબેનને લઇને ગયો હતો. ત્‍યાં ફરીથી એ મહિલાના પતિ સહિતનાએ આવી માથાકુટ કરી હતી અને મારા પત્‍નિને સોનાની બુટી લઇ ગઇ છે તે સ્‍વીકારી લેવા વિડીયોમાં બોલવા માટે કહ્યું હતું. આ રીતે ખોટી રીતે હેરાન કરાવમાં  આવતાં અમે ફિનાઇલ સાથે લઇ ગયા હોઇ મારા પત્‍નિએ બે ઢાંકણા અને મેં અડધી બોટલ જેટલુ પી લીધું હતું. આ પછી ૧૦૮ પણ બોલાવવા દેતાં નહોતાં. અંતે મારા પત્‍નિએ ગાડી બોલાવતાં અમને હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. તેમ વધુમાં જગદીશભાઇએ જણાવતાં પોલીસે ખરેખર શું બન્‍યું? તેની તપાસ હાથ ધરી છે. 

(2:45 PM IST)