News of Tuesday, 14th July 2026
રૈયાધારના મહિપાલસિંહ ગોહિલ પર ભાલકા તિર્થમાં અજાણ્યાનો હુમલો
રાજકોટ એરપોર્ટથી આંધ્રપ્રદેશના પરિવારનું ભાડુ બાંધી સોમનાથ દર્શને લઇ ગયો ત્યારે બનાવ : ટુવ્હીલર સામે આવવા દઇ માથે જતાં ઝઘડો કર્યાનું કથન

રાજકોટ તા. ૧૪: રૈયાધાર સ્લમ ક્વાર્ટરમાં રહેતાં મહિપાલસિંહ ચતુરસિંહ ગોહિલ (ઉ.વ.૩૨) નામના યુવાન પર વેરાવળ સોમનાથમાં ભાલકા તિર્થ પાસે અજાણ્યા ટુવ્હીલર ચાલકે ચાવીથી હુમલો કરી માથામાં ઘા મારી લેતાં લોહીલુહાણ થઇ જતાં વેરાવળ સારવાર લઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે વેરાવળ પોલીસને જાણ કરી હતી.
મહિપાલસિંહે જણાવ્યું હતું કે રાજકોટ એરપોર્ટ ખાતેથી આંધ્રપ્રદેશના એક પરિવારના ત્રણ સદસ્યોનું ભાડુ બાંધી કારમાં તેમને સોમનાથ દર્શનાર્થે લઇ ગયો હતો. જ્યાં બાણગંગાથી ભાલકા તરફ જતી વખતે એક ટુવ્હીલરનો ચાલક અચાનક સામે આવતાં મેં કાવો મારી અકસ્માત થતો ટાળ્યો હતો. આમ છતાં તે પાછળ આવ્યો હતો અને મારી કાર આંતરી બોલાચાલી કરી હતી. એ પછી મુસાફરો મંદિરમાં દર્શન કરવા ગયા ત્યારે આ શખ્સે તું કેમ સરખી ચલાવતો નથી કહી ગાળો દઇ ઢીકાપાટુ મારી માથામાં ચાવીના ઘા મારી લીધા હતાં અને ભાગી ગયો હતો. પોતે લોહીલુહાણ થઇ જતાં મુસાફરોને બીજી ગાડીની વ્યવસ્થા કરાવી આપી સારવાર માટે દાખલ થયો હતો.
(11:32 AM IST)










