તા. ૨૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૪ શનિવાર
News of Friday, 17th April 2026
રાજકોટ ભાજપનો નવો ચૂંટણી ઢંઢેરો ઝાંઝવાના જળ સમાન : ‘સ્માર્ટ સિટી'ના અધૂરા સપનાં વચ્ચે હવે ‘મેટ્રો સિટી'ની ગુલાબી વાતો!
ગત ટર્મનો હિસાબ આપવામાં નેતાઓ ગલ્લાંતલ્લાં : જૂથ બદલાતાં ચૂંટણીના મુદ્દાઓ પણ બદલાઈ ગયા હોવાની શહેરમાં ચર્ચા : પાયાની સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષાના નામે પોકળ દાવા : વાસ્તવિકતામાં હજુ છેવાડાના વિસ્તારો વિકાસથી વંચિત.

સમરી (રીડિગ) : રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી ટાણે ભાજપે નવો ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા વિપક્ષ અને સ્થાનિકોએ રમૂજ ઉડાવી છે. ૧૫ પાનાનો ઉતારો કરી દેવાયો હોય તેવો આ એજન્ડા જૂના વચનો ભૂલીને નવા સ્વપ્નો દેખાડે છે. પ્રજા હવે વાસ્તવિક હિસાબ માંગી રહી છે.
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી આવતા જ શાસક પક્ષે ફરી એકવાર વચનોની પોટલી ખોલી છે. પરંતુ, આ ચૂંટણી ઢંઢેરો રાજકોટની જનતા માટે ઝાંઝવાના જળ સમાન સાબિત થઈ રહ્યો છે. ૨૦૨૧માં રાજકોટને સ્માર્ટ સિટી બનાવવાના દસ સંકલ્પો હજુ કાગળ પર છે, ત્યારે વર્ષોથી પારદર્શક શાસનનો દાવો કરતા નેતાઓને અચાનક નવા ઢંઢેરાની જરૂર કેમ પડી ગઈ તે મોટો પ્રશ્ન છે. જે નેતાઓ વોર્ડમાં ક્યારેય દેખાયા નથી, તેઓ સ્માર્ટ સિટીની વાતો કરી રહ્યા છે. લોકોમાં એવી પણ મજાક ઉડી રહી છે કે ચૂંટણી લડતા ૭૨માંથી ૫૦% ઉમેદવારોને તો કદાચ સ્માર્ટ સિટીની સાચી વ્યાખ્યા પણ ખબર નહીં હોય!
વિકાસની મોટી વાતો વચ્ચે વાસ્તવિકતા એ છે કે શહેર ગંદકી, ટ્રાફિક અને રખડતા ઢોરની સમસ્યાઓથી હજુ મુક્ત થઈ શક્યું નથી. ગંદકી હટાવવાની વાત તો દૂર, કચરો ઉપાડતી ટીપર વાન પોતે જ ગંદકીથી ભરેલી હોય છે અને સેનિટેશન શાખામાં કથિત ગેરરીતિઓના પત્રો વાયરલ થતા હોય છે. પર્યાવરણના નામે કાગળ પર લાખો વૃક્ષો વવાય છે, પણ કોર્પોરેશન સામેના ડિવાઇડરમાં જ્યાં નાળિયેરી વાવી હોય ત્યાં આવતા વર્ષે ફૂલઝાડ ઉગી નીકળવાના ‘ચમત્કારો' પણ શહેરે જોયા છે! શાસકોએ વર્ષમાં કેટલા વૃક્ષો કપાયા અને કેટલા વવાયા તેનો સાચો હિસાબ આપવાની જરૂર છે.
દરરોજ પાણી આપવાની વાતો કરતા નેતાઓને કદાચ ખ્યાલ નહીં હોય કે શીતળા ધાર જેવા છેવાડાના વિસ્તારોમાં આજે પણ ટેન્કર દોડે છે. ગરીબોને ઘર આપવાની વાતો થાય છે, પરંતુ ૫૦ વારથી નીચેના મકાનોના ટેક્સ માફ કરવાની કે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ અને શાપર, મુંજકા, નવાગામના શ્રમિકોને સિટી બસમાં મફત પાસ આપવાની વાત આ એજન્ડામાંથી ગાયબ છે. શિક્ષણ અને રમતગમતની વાતો કરનારા શાસકોના સમયમાં જ સરકારી શાળાઓ અને પ્લોટો ખાનગી માલિકીમાં ફેરવાઈ ગયા હોવાની ચર્ચાઓ પણ જોર પકડી રહી છે.
આરોગ્ય અને સુરક્ષાના મોરચે પણ સ્થિતિ ચિતાજનક છે. આરોગ્ય કેન્દ્રોમાં પૂરતા સ્ટાફના ફાંફા છે અને મિની હોસ્પિટલના સપના દેખાડાય છે. ૨૦ લાખની વસ્તી ધરાવતા આ શહેરમાં મહિલાઓ માટે માત્ર એક જ પોલીસ સ્ટેશન છે! મેટ્રો સિટી બનાવવાની વાતો વચ્ચે શહેરમાં કથળતી કાયદો અને વ્યવસ્થા, નશાખોરીના વધતા કિસ્સા અને તાજેતરની દુર્ઘટનાઓ પછી લોકો શાસકો પાસે માફીની અપેક્ષા રાખતા હતા, પરંતુ એજન્ડા કોઈ કમ્પ્યુટરમાંથી સીધો કોપી-પેસ્ટ કર્યો હોય તેમ વાસ્તવિકતાથી જોજનો દૂર લાગે છે. (૩૭.૮)
આજી રિવરફ્રન્ટ ક્યાં ખોવાયો?
દર ચૂંટણીમાં રાજકોટના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાતો થાય છે, પરંતુ વર્ષોથી ભાજપના એજન્ડામાં છવાયેલો રહેતો આજી નદી શુદ્ધિકરણ અને રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ આ વખતના મેટ્રો સિટીના નવા સપનામાં ક્યાંક વિસરાઈ ગયો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
રોજગારી અને ગ્રોથ એન્જિનનો હિસાબ ક્યાં?
રાજકોટ કઈ બાબતમાં ગુજરાતનું ગ્રોથ એન્જિન બન્યું છે અને રોજગારી આપવાના દાવાઓ વચ્ચે અત્યાર સુધીમાં કેટલા યુવાનોને વાસ્તવિક નોકરીઓ મળી છે, તેની કોઈ જ યાદી આ ચૂંટણી ઢંઢેરામાં આપવામાં આવી નથી.
ચૂંટણી ટાણે યાદ આવ્યા
સ્વ. વિજયભાઈ !
ૂ આધુનિક રાજકોટના ઘડવૈયા કહીને સ્વ. વિજયભાઈ રૂપાણીના નામે મતો માંગવા નીકળેલા શાસકો ભૂલી ગયા છે કે તેમના નિધન પછી સ્મશાન યાત્રાનો ખર્ચ પણ પરિવારે ભોગવ્યો હતો. તેમની યાદમાં કોઈ ચોક કે બગીચાનું નામકરણ કરવાનું યાદ ન આવ્યું, અને હવે ચૂંટણીમાં લાગણીશીલ કાર્ડ રમાઈ રહ્યું છે!
(3:32 PM IST)










