<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

​રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે વધુ ૪ દેશી પિસ્તોલ તમંચા સાથે બે શખ્સને પકડયા

ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસિયાની સૂચના અંતર્ગત પીઆઇ એ.એસ. ચાવડા, એમ.એલ. ડામોર, સી.એચ.જાદવની રાહબરીમાં પીએસઆઇ એ.એન. પરમાર અને ટીમની કામગીરી: અર્જુનભાઇ ડવ, ગોપાલભાઇ પાટીલ અને મયુરધ્વજસિંહ જાડેજાની બાતમી

રાજકોટ: શહેર વિસ્તારમાં અનધિકૃત અને ગેરકાયદેસર હથિયારોની હેરફેર તેમજ વપરાશ અટકાવવા અર્થે ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે. ગેરકાયદેસર દેશી બનાવટના ૪ હથિયારો જેમાં ૩ પિસ્તોલ અને ૧ તમંચો સાથે બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

​રાજકોટ પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ચ મંડલીક, નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) જગદીશ બાંગરવા તથા મદદનીશ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) ભરત બી. બસીયાની સૂચના મુજબ ગેરકાયદેસર હથિયાર ધરાવતા શખસોને શોધી કાઢવા સ્પેશિયલ ટીમો બનાવવામાં આવી હતી. ​આ દરમિયાન પોલીસ સબ ઇન્સપેક્ટર એ.એન. પરમાર તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ અર્જુનભાઇ ડી. ડવ, પોલીસ કોન્સ્ટેબલ ગોપાલભાઇ યુ. પાટીલ અને મયુરધ્વજસિંહ ડી. જાડેજાને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી. 

આ બાતમીના આધારે કુવાડવા ગામથી વાંકાનેર તરફ જતા રોડ પર દરોડો પાડી બે ઇસમોને ગેરકાયદેસર હથિયારો સાથે પકડી પાડવામાં આવ્યા હતા. ​ઝડપાયેલા આરોપીઓમાં વિજય મસરૂભાઇ બાવળીયા (ઉં.વ. ૩૧, ધંધો-ખેતીકામ, રહે. ઢીકવાળી, તા. સાયલા, જી. સુરેન્દ્રનગર) અને રીપલા ઉર્ફે વિપુલ કાગડીયાભાઇ રાઠવા (ઉં.વ. ૪૧, ધંધો-ખેતીકામ/મજુરી, રહે. ગામ ગાંઠીયા, તા. છોટાઉદેપુર, જી. છોટાઉદેપુર) છે.

​પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. ૬૦,૦૦૦ની કિંમતના હથિયારો કબજે કર્યા છે. જેમાં ​દેશી બનાવટની પિસ્તોલ નંગ ૩ અને ​દેશી બનાવટનો તમંચો નંગ ૧ સામેલ છે.

​આરોપી વિજય બાવળીયાનો ગુનાહિત ઇતિહાસ પણ છે.​સાબરકાંઠા/ગાંભોઇ, 

​સુરેન્દ્રનગર/સિટી એ ડીવીઝનમાં તેના વિરૂધ્ધ ગુના છે. આ કામગીરી  ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર એ.એસ. ચાવડા, એમ.એલ. ડામોર, સી.એચ. જાદવ, પી.એસ.આઇ. એ.એન. પરમાર, એ.એસ.આઇ. હિતેન્દ્રસિંહ પી. ઝાલા, પો. હેડ કોન્સ. અર્જુનભાઇ ડી. ડવ, કૃષ્ણદેવસિંહ જી. ઝાલા, હરસુખભાઇ એ. સવાડ, જયદેવસિંહ આર. પરમાર, મહિલા રાજેન્દ્રસિંહ એચ. ગોહિલ, પો. કોન્સ. ગોપાલભાઇ યુ. પાટીલ તેમજ મયુરધ્વજસિંહ ડી. જાડેજા વગેરે સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

(8:58 PM IST)