તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૨ ગુરૂવાર
News of Thursday, 17th September 2026
પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાની નિમણૂકમાં રાજકોટની સંપૂર્ણ બાદબાકી
રાજકોટના જૂથવાદે અનેક કાર્યકર્તાઓની કારકિર્દી ખતમ કરી : પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચામાં ૫ ટર્મ સુધી રાજકોટમાંથી રાજુ અઘેરાનો ઉપપ્રમુખ પદે દબદબો : શામજીભાઈ ચાવડા પણ પ્રદેશ અનુસૂચિત મોરચાની ટીમમાં સ્થાન પામી ચૂકયા છે : ભાનુબેન બાબરિયા રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ મોરચાની ટીમમાં મંત્રી તરીકે રહી ચૂકયા છે : રાજકોટમાં મોટા માથાઓની લડાઈમાં સૂકા પાછળ લીલું પણ બળ્યું હોવાનો કાર્યકર્તાઓમાં ગણગણાટ

રાજકોટ : પ્રદેશ ભાજપ દ્વારા સંગઠન પર્વ અંતર્ગત પ્રદેશ ભાજપ સંગઠનની રચના બાદ વિવિધ મોરચાઓની પણ રચના થઈ રહી છે ત્યારે એક સમયે સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતા રાજકોટમાંથી અનેક કાર્યકર્તાઓને પ્રદેશના અનેક હોદ્દાઓમાં સ્થાન મળતું હતું અને પ્રદેશ કક્ષાએ બનતી સંગઠનની યાદીઓમાં રાજકોટનો દબદબો જોવા મળી રહ્યો હતો. પરંતુ હાલમાં લગભગ નેતા વિહિન બનેલ રાજકોટમાં જૂથવાદના ભોરિંગે અનેક કાર્યકર્તાઓની કારકિર્દી ખતમ કરી નાખી હોવાનું કાર્યકર્તાઓમાં અનુભવાઇ રહ્યું છે.
દરમિયાન તાજેતરમાં જ જાહેર થયેલ પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના સંગઠનમાં રાજકોટની સંપૂર્ણ બાદબાકી થઇ ગઇ છે. ભૂતકાળની વાત કરીએ તો રાજકોટમાંથી રાજુ અઘેરાએ ૧૫ વર્ષ એટલે કે ૫ ટર્મ સુધી ઉપપ્રમુખની જવાબદારી સંભાળી હતી, તેમજ ભાજપના પીઢ આગેવાન શામજીભાઇ ચાવડા પણ પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચામાં ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી ચૂકયા છે. એટલું જ નહિં પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ભાનુબેન બાબરિયા રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ મોરચાના મંત્રી તરીકે જવાબદારી સંભાળતા હતા. પરંતુ પ્રદેશ ભાજપ દ્વારા આ મોરચાની જાહેરાતમાં રાજકોટમાંથી અનુસૂચિત જાતિના એકપણ કાર્યકર્તાનો સમાવેશ ન થતા આヘર્ય સાથે કચવાટ જોવા મળી રહ્યો છે. સૂકા પાછળ લીલું પણ બળી રહેલ હોવાનો ગણગણાટ કાર્યકર્તામાં સ્વાભાવિકપણે જોવા મળી રહ્યો છે.
(2:51 PM IST)










