News of Thursday, 5th November 2026
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં ડિરેકટર ધનંજયકુમાર સિંહને માત્ર 24 દિવસમાં જ હટાવાયા :CNS ના વડા સંજય અગ્રવાલને ચાર્જ અપાયો
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પક્ષી ભગાડવા ફોડેલા ફટાકડાથી આગ ભભૂકતા 100 થી વધુ મુસાફરો સાથેની ફ્લાઈટનું વડોદરા સુરક્ષિત લેન્ડિંગ કરવું પડ્યું હતું

રાજકોટના એરપોર્ટ ડીરેકટર દિગંત બોરાહની ગત તા.22-9-2026ના રોજ બઢતી સાથે દિલ્હી બાદ ભુવનેશ્ર્વર બાદ ગોવા ખાતે બદલી થતાં તેમના સ્થાને જામનગર એરપોર્ટ (ડીજીએમ કોમર્શીયલ) ધનંજયકુમાર સિંઘને રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ડિરેકટર તરીકે પ્રમોશન સાથે નિમણુક થતા ધનંજયકુમાર સિંઘે ગત તા.12-10-2026ના રોજ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટના ડીરેકટર તરીકે ચાર્જ સંભાળ્યો હતો.ચાર્જ સંભાળ્યાને થોડા દિવસે જ ડિરેકટર ધનંજયકુમાર સિંઘને રાજકોટ એરપોર્ટ પર કોમર્શિયલ વિભાગના હેડ તરીકે મૂકી દેવામાં આવ્યા છે એટલે કે તેમનું ડીગ્રેડેશન કરાયું છે. તેમની ખાલી પડેલ જગ્યા પર સીએનએસ (કોમ્યુનિકેશન, નેવિગેશન અને સર્વેલન્સ)વિભાગના સંજય અગ્રવાલને ચાર્જ સોંપાયો છે. જોકે સંજય અગ્રવાલ આગામી તા.12મી નવેમ્બર સુધી રજા ઉપર હોવાથી તેમની રજા સમાપ્તી સુધી ATC વિભાગના અધિકારી ભાસ્કર સૌદાગરને કાર્યકારી ડિરેકટર તરીકેનો ચાર્જ સોંપાયો છે.
નોંધનીય છે કે, ગત તા.28 ઓક્ટોબરના દિલ્હીથી રાજકોટ આવતી એર ઇન્ડિયાની સવારની ફ્લાઇટને લેન્ડિંગ ક્લિયરન્સ ન મળતાં તેને તત્કાલિક અસરથી વડોદરા એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. હીરાસરમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પક્ષી ભગાડવા ફોડેલા ફટાકડાથી આગ ભભૂકતા 100 થી વધુ મુસાફરોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. જોકે વડોદરામાં આ ફ્લાઈટનું સુરક્ષિત લેન્ડિંગ થયું હતું. જે બાદ ફ્લાઈટ 12.20 વાગ્યે રાજકોટ એરપોર્ટ પર પહોંચી હતી અને તે પછી રાજકોટથી દિલ્હીની ફ્લાઈટ 1.11 વાગ્યે રવાના થઈ હતી.
રાજકોટ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફ્લાઇટના આગમન પૂર્વ સુરક્ષા માટે અને પક્ષીઓની અવરજવરને નિયંત્રિત કરવા ફટાકડા ફોડવામાં આવ્યા હતા. આ દરમિયાન ફટાકડાના તણખા રનવે નજીકના સૂકા ઘાસ પર પડતાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગના કારણે રનવે પર ધુમાડાના ગોટેગોટા ફેલાઈ જતાં વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હતી.દિલ્હીથી આવેલી ફ્લાઇટ તેના નિર્ધારિત સમય 10.25 વાગ્યે એરપોર્ટના આકાશમાં આવી પહોંચી હતી પરંતુ લેન્ડિંગ મંજૂરી ન મળતા પાયલોટે એર ટ્રાફિક કંટ્રોલની સૂચના મુજબ આકાશમાં 4 ચક્કર લગાવ્યા હતા. બીજી બાજુ ફાયર ટીમે તાત્કાલિક ધોરણે આગ પર કાબૂ મેળવ્યો હતો. વિઝિબિલિટી સુધરતી ન હોવાથી લાંબી પ્રતિક્ષા બાદ ફ્લાઇટને વડોદરા ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવાયો હતો. જેના કારણે 100 થી વધુ મુસાફરોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો પરંતુ હેમખેમ ઉતરાણ થતાં રાહત અનુભવી હતી. આ ઘટનાએ એરપોર્ટ પ્રશાસનની સુરક્ષા પદ્ધતિ સામે ગંભીર સવાલો ઊભા કર્યા હતા.
(6:32 PM IST)










