<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

રાજકોટ-કાલાવડ રોડ પર ગમખ્વાર અકસ્માત : ટ્રકે બાઈકને અડફેટે લેતા પતિ-પત્નીનું ઘટનાસ્થળે મોત, 5 વર્ષની માસૂમ દીકરી ઘાયલ : જુઓ વિડીયો

વડ વાજડી ગામ પાસે અકસ્માત, મૃતક મહિલા 4 માસની ગર્ભવતી હોવાની માહિતી, ખીરસરા રણમલજીના વાધેલા પરિવાર રાજકોટ જઈ રહ્યો હતો ત્યારે કાળ ભેટ્યો

( ભીખુપરી ગોસાઈ દ્વારા) ખીરસરા :  રાજકોટ-કાલાવડ રોડ પર વડ વાજડી ગામ પાસે આજે સાંજે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, ટ્રક અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં પતિ-પત્ની બંનેના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે તેમની 5 વર્ષની માસૂમ દીકરી ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, આ અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

 

મળતી માહિતી મુજબ મૃતક બાઈક ચાલક મિતેષભાઈ ગોવિંદભાઈ વાધેલા ઉ.વ. 33 અને તેમના પત્ની કવિતાબેન મિતેષભાઈ વાધેલા ઉ.વ. 25 છે, મૂળ કળછ (ધેડ) ગામના વતની અને હાલ ખીરસરા રણમલજી નવા પ્લોટ વિસ્તારમાં રહેતા મિતેષભાઈ ફેક્ટરીમાં કામ કરતા હતા, તેઓ આજે સાંજે લગભગ 7 વાગ્યા આસપાસ તેમના પત્ની અને દીકરી જીનલ ઉ.વ. 5 સાથે એક્સેસ સ્કૂટર નંબર GJ 25 AF 6235 પર રાજકોટ જઈ રહ્યા હતા, ત્યારે વડ વાજડી ગામ પાસે સામેથી આવતા ટ્રક નંબર GJ 03 BY 4866 સાથે અકસ્માત સર્જાયો હતો, અકસ્માત એટલો ગંભીર હતો કે મિતેષભાઈ અને કવિતાબેનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે દીકરી જીનલને ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, વધુમાં ઘટનાસ્થળે મૃત્યુ પામેલા કવિતાબેનને 4 માસની પ્રેગ્નન્સી હોવાની માહિતી પણ મળી રહી છે, જેનાથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે, આ અકસ્માત અંગે વધુ તપાસ મેટોડા GIDC પોલીસ ચલાવી રહી છે.

(9:37 PM IST)