<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th July 2026

રાજકોટ એલસીબી ઝોન-૨ની કાર્યવાહી: ગુરૂજીનગર આવાસમાંથી પિસ્તોલ અને કારતૂસ સાથે ૧૩ ગુનાનો ઇતિહાસ ધરાવતી રૂકસાના સુમરા ઝડપાઈ

ડીસીપી રાકેશ દેસાઈની સૂચનાથી પીએસઆઇ એસ.વી. ચુડાસમા, એએસઆઈ જયંતીભાઈ ગોહિલ, હરપાલસિંહ જાડેજા, રાજેશભાઈ મિયાત્રા અને ટીમની કામગીરી

​રાજકોટ: શહેરમાં દારૂ, જુગાર તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા અને કડક કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય મંડલીક તથા ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઈ દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી. આ આદેશ અન્વયે રાજકોટ શહેર એલ.સી.બી. ઝોન-૨ની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ પેટ્રોલિંગ દરમિયાન એલ.સી.બી. ઝોન-૨ ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.વી. ચુડાસમાને ચોક્કસ ખાનગી રાહે બાતમી મળી હતી કે, સાધુવાસવાણી રોડ પર આવેલા ગુરૂજીનગર આવાસ યોજના વાડીવાળા ક્વાર્ટર નં. ૬૨૯ ખાતે રહેતી રૂકશાનાબેન એજાઝભાઈ હબીબભાઈ સુમરા નામની ૩૪ વર્ષીય મહિલા પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર હથિયાર સાથે હાજર છે.

​આ ચોક્કસ હકીકતના આધારે મહિલા પોલીસ અને પંચોને સાથે રાખી એલ.સી.બી. ઝોન-૨ની ટીમે ગુરૂજીનગર આવાસના ક્વાર્ટરમાં રેડ કરી હતી. તપાસ દરમિયાન ત્યાં ઘરકામ કરતી આ મહિલાના રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તલ નંગ-૧ કિંમત રૂ. ૨૦,૦૦૦ તથા જીવતા કારતૂસ નંગ-૨ કિંમત રૂ. ૨૦૦ મળી કુલ રૂ. ૨૦,૨૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે હથિયાર કાયદા હેઠળ ગુનો નોંધી કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ આરોપી મહિલા રૂકશાનાબેન સુમરા અગાઉ ગાંધીગ્રામ-૨ (યુનિ.) પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલી છે અને તેણીની સામે અગાઉ પ્રોહિબિશન (દારૂ) તથા આઈ.પી.સી. અને જી.પી. એક્ટ હેઠળ કુલ ૧૩ જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.

​આ કામગીરી એલ.સી.બી. ઝોન-૨  પીએસઆઇ એસ.વી. ચુડાસમા, એએસઆઈ જયંતીભાઈ ગોહિલ, એએસઆઈ હરપાલસિંહ જાડેજા, એએસઆઈ રાજેશભાઈ મિયાત્રા તેમજ પો.હેડ કોન્સ. ધર્મરાજસિંહ ઝાલા, હેમેન્દ્રભાઈ વાધિયા, શક્તિસિંહ ગોહિલ, સત્યજીતસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા અને અનુજભાઈ ડાંગર જોડાયા હતા. આ ઉપરાંત પો.કોન્સ. કુલદીપસિંહ રાણા, શિવભદ્રસિંહ ગોહિલ, મૈસુરભાઈ કુંભારવાડિયા તથા ગાંધીગ્રામ-૨ (યુનિ.) પોલીસ સ્ટેશનના મહિલા પો.કોન્સ. મનીષાબેન રામ દ્વારા કરવામાં આવી હતી.

(6:20 PM IST)