<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા લાંબી રજા પર: કલેક્ટર ઓમ પ્રકાશને વધારાનો ચાર્જ

20મીએ મળનારી જનરલ બોર્ડની બેઠક સહિત મનપાના વહીવટી નિર્ણયો હવે કલેક્ટરના માર્ગદર્શન હેઠળ લેવાશે : જંગલેશ્વર ડિમોલિશન બિલ અને અધિકારીઓની વધુ બદલીઓ અંગે ચર્ચા તેજ

રાજકોટ, તા. 16 : રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા લાંબી રજા પર ઉતરતા તેમના સ્થાને રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશને વધારાનો ચાર્જ સોંપવાનો હુકમ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. સુમેરા આજથી અંદાજે 15 દિવસની રજા પર ગયા હોવાનું વહીવટી સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. તેમના સ્થાને હવે મહાનગરપાલિકાના વહીવટની જવાબદારી કલેક્ટર ઓમ પ્રકાશ સંભાળશે.

 

મ્યુનિસિપલ કમિશનરની ગેરહાજરી વચ્ચે આગામી તા. 20ના રોજ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક મળવાની છે. ત્યારે આ બેઠકમાં રજૂ થનારા વિવિધ પ્રશ્નો અને એજન્ડા પર હવે કલેક્ટરના માર્ગદર્શન હેઠળ મનપાના અધિકારીઓ દ્વારા જવાબ આપવામાં આવશે. કમિશનરની ગેરહાજરીમાં વહીવટી કામગીરી કેવી રીતે આગળ વધશે તે અંગે પણ ચર્ચા શરૂ થઈ છે.

 

બીજી તરફ, તાજેતરમાં મનપામાં થયેલી અધિકારીઓની બદલીઓ બાદ હજુ વધુ બદલીઓ થશે કે કેમ તેવો પ્રશ્ન પણ ચર્ચાઈ રહ્યો છે. ખાસ કરીને વોર્ડ ઓફિસરો સહિતના અધિકારીઓની બદલીઓમાં હજુ કોઈ ફેરફાર થશે કે નવી બદલીના હુકમો કરવામાં આવશે તે અંગે અટકળો ચાલી રહી છે.

 

આ ઉપરાંત જંગલેશ્વર ડિમોલિશન કામગીરીના બિલ અને ખર્ચને લઈને ઊભા થયેલા પ્રશ્નો પણ હાલ ચર્ચાના કેન્દ્રમાં છે. આ મુદ્દે આગામી દિવસોમાં કોઈ નિર્ણય લેવાશે કે કમિશનર તુષાર સુમેરા રજા પરથી પરત ફર્યા બાદ જ સમગ્ર મામલે આગળની કાર્યવાહી થશે તે અંગે પણ અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.

 

હાલમાં રાજકોટ મહાનગરપાલિકાના વહીવટની કમાન કલેક્ટર ઓમ પ્રકાશના હાથમાં આવતાં મનપાના અનેક મહત્વના પ્રશ્નો અને વહીવટી નિર્ણયો પર સૌની નજર મંડાઈ છે. ખાસ કરીને આગામી જનરલ બોર્ડની બેઠક અને જંગલેશ્વર સહિતના વિવાદાસ્પદ મુદ્દાઓમાં તંત્રનું વલણ શું રહેશે તે જોવું મહત્ત્વનું બની રહેશે.

(6:40 PM IST)