News of Friday, 8th May 2026
૪૪ ડિગ્રી ગરમી વચ્ચે રાજકોટ મનપા એલર્ટઃ બસ સ્ટોપ, ચોક અને બાંધકામ સાઇટે પાણી-છાશ-ઓઆરએસની વ્યવસ્થા

રાજકોટ,તા.૮: શહેરમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે તાપમાનનો પારો ૪૪ ડિગ્રી સુધી પહોંચી જતા મહાપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. આગામી એક અઠવાડિયા સુધી યેલો એલર્ટ જાહેર થતાં હિટ એકશન પ્લાન હેઠળ શહેરમાં વિવિધ રાહત વ્યવસ્થાઓ શરૂ કરવામાં આવી છે.
ત્રિકોણબાગ ચોક ખાતે ગ્રીન નેટથી છાંયો અને સ્પ્રીંકલર સિસ્ટમનો ટ્રાયલ શરૂ કરવામાં આવ્યો છે. સાથે જ શહેરના વ્યસ્ત ટ્રાફિક સિગ્નલ, બસ સ્ટોપ, મોટા ચોક અને બાંધકામ સાઇટ પર મજૂર વર્ગ તેમજ મુસાફરો માટે પીવાના પાણી, છાસ અને ઓઆરએસની વ્યવસ્થા કરવામાં આવી છે.
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, મે મહિનામાં વધુ ગરમી પડવાની શકયતા હોવાથી તમામ સંબંધિત શાખાઓને હિટ એકશન પ્લાન અમલમાં મૂકવા સૂચના આપવામાં આવી છે.
શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલા ૧૯ બસ સ્ટોપ પર પાણી અને ઓઆરએસ ભરેલા જગ મુકવામાં આવ્યા છે તેમજ ડિસ્પોઝેબલ ગ્લાસની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. ઉપરાંત દોડતી સીએનજી સીટી બસોમાં પણ પાણીના જગ મુકાયા હોવાનું સિટી ઇજનેર પરેશ અઢીયાએ જણાવ્યું હતું.
આ ઉપરાંત બપોરે ૧ થી ૫ દરમિયાન ભારે તડકાને ધ્યાનમાં રાખી શહેરના ટ્રાફિક સિગ્નલ બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. બાંધકામ સાઇટ પર કામ કરતા મજૂરોને ઓઆરએસ મિશ્રિત પાણી મળી રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ખાસ ટીમો તહેનાત કરવામાં આવી છે.
આરોગ્ય અધિકારી ડો. વકાણીએ જણાવ્યું હતું કે, શહેરના મોટા ચોક અને ટ્રાફિકવાળા વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.
(3:50 PM IST)










