News of Monday, 1st June 2026
રાજકોટ રેલ્વે સ્ટેશનનું ૫૦ કરોડના ખર્ચે થઇ રહેલુ નવિનીકરણઃ થોડા સમયમાં રૂખડીયા કોલોની અંડરપાસ તૈયાર કરી રેલ્વે સ્ટેશનની બીજી એન્ટ્રી બનાવાશે
પશ્ચિમ રેલ્વેના ચીફ પબ્લીક રીલેશન ઓફિસર વિનીત અભિષેક ‘અકિલા'ના મોભી કિરીટભાઇ ગણાત્રાની શુભેચ્છા મુલાકાતે : કરોડોના ખર્ચે આધુનિક મોડેલ રેલ્વે સ્ટેશન ભકિતનગરની કામગીરી પૂર્ણઃ વેરાવળ-સોમનાથ તરફના મુસાફરો હવે ભકિતનગર સ્ટેશનથી સરળતાથી આવ-જા કરી શકશેઃ રાજકોટ રેલ્વે જંકશનની સેકન્ડ એન્ટ્રી શરૂ થયા બાદ મુખ્ય પ્રવેશદ્વાર પરનું પ્રવાસી ભારણ ડાઇવર્ટ થશે : રાજકોટથી હરિદ્વાર માટે વધુ ટ્રેનો ફાળવવાની જરૂરીયાતઃ રેલ્વે બોર્ડ સમક્ષ લોકોની માંગણી પહોંચાડવા કિરીટભાઇનું વિનીત અભિષેકને સજેશનઃ કોરોના કાળમાં બંધ થયેલુ પત્રકારોનું કન્સેશન ફરી શરૂ કરવા પણ સુચન : ગાંધીનગર અને ધોલેરા સ્પેશ્યલ ઇકોનોમી ઝોનને જોડતો ફાસ્ટેસ્ટ રેલ ટ્રેક પ્રોજેકટ ગતિમાં: કલાકના ૨૨૦ કિ.મી.ની ઝડપે દોડશે ટ્રેન

રાજકોટઃ વેસ્ટર્ન રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી વિનીત અભિષેક આજે ‘અકિલા'ની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. તેમણે ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે રાજકોટ સહિત પશ્ચિમ રેલ્વેના વિકાસ થકી મુસાફરોની સુવિધામાં સતત થઇ રહેલા વધારા અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી. આ મુલાકાત સમયે રાજકોટ રેલ્વેના પી.આર.ઓ. વિવેક તિવારી અને અકિલાના સિનિયર પત્રકાર જયદેવસિંહ જાડેજા પણ હાજર રહયા હતા. (ફોટોઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા.૧: પશ્ચિમ રેલ્વેના ચીફ પબ્લીક રીલેશન ઓફિસર શ્રી વિનીત અભિષેક આજે અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમ્યાન તેમણે સમગ્ર પશ્ચિમ રેલ્વેના વિકાસકાર્યોની ચર્ચા કરી હતી. તેમણે રાજકોટનું મોડેલ સ્ટેશન ભકિતનગર નવા રંગરૂપ સાથે મુસાફરોની સેવા માટે તૈયાર હોવાનું અને ૫૦ કરોડથી વધુના ખર્ચે રાજકોટ રેલ્વે જંકશનનું વિકાસકાર્ય ગતિમાન હોવાનું જણાવ્યુ હતું.
વાતચીત દરમ્યાન વિનીત અભિષેકે ગેજ કન્વર્ઝેશન, ઇલેકટ્રીફીકેશન, ડબલ લાઇન પ્રોજેકટ અને ગુજરાતમાં બનીને તૈયાર થઇ ગયેલા નવા મોડેલ સ્ટેશનો થકી મુસાફરોની સુવિધામાં થઇ રહેલા વધારા અંગે ચર્ચા કરી હતી. તેઓએ જણાવેલ કે ભકિતનગર મોડેલ સ્ટેશનનું નિર્માણકાર્ય કરોડોના ખર્ચે પૂર્ણ થયુ છે. વેરાવળ- સોમનાથ તરફના મુસાફરો હવે આ રેલ્વે સ્ટેશનનો ઉપયોગ સરળતાથી કરી શકે તે રીતે રેલ્વે સ્ટેશન પરના સ્ટોપેજનો સમય પણ વધારવા ચર્ચાઓ થઇ રહી છે. આમ આવતા દિવસોમાં આ દિશામાં મુસાફરી કરતા મુસાફરોને રાજકોટ જંકશન પર ન આવવુ પડે તે મુખ્ય ઉદેશ્ય છે.
મુખ્ય રેલ્વે સ્ટેશન ઉપર નવા બે પ્લેટફોર્મ તૈયાર કરવાનું કાર્ય ગતિમાં છે. ફુટ ઓવરબ્રિજ, એસ્કેલેટરથી સાતે-સાત પ્લેટફોર્મને જોડવાનું કામ પણ ચાલી રહયુ છે. ૫૦ કરોડથી વધુના ખર્ચે આ કાર્યો ગતિમાં છે. થોડા મહિનામાં રૂખડીયા કોલોની ફાટક નીચે અન્ડરપાસ તૈયાર કરવામાં આવશે. જેને લઇને રાજકોટ રેલ્વે સ્ટેશન પરનું મુસાફરોનું ભારણ સ્ટેશનની નવી થઇ રહેલી એન્ટ્રી તરફ ડાઇવર્ટ થઇ જશે.
દેશભરમાં મુસાફરો સલામતી અને સુવિધાના મુદે રેલ્વે ઉપર વધુને વધુ વિશ્વાસ કરી રહયાનું તેમણે જણાવ્યુ હતું. આ સાથે નુર અને ભાડાની આવકમાં સતત વધારો થવાથી રેલ્વેની આવકમાં પણ તોતીંગ વધારો થઇ રહયો છે. જેને લઇને આવતા સમયમાં હજારો કરોડના ખર્ચે ભારતીય રેલ્વેનું આધુનિકરણ થવા જઇ રહયાનું તેમણે જણાવ્યુ હતું.
ગાંધીનગર અને ધોલેરા સ્પેશ્યલ ઇકોનોમી ઝોનને જોડતો ફાસ્ટેસ્ટ રેલ ટ્રેકના ગતિમાન પ્રોજેકટ વિશે પણ તેમણે શ્રી કિરીટભાઇ ગણાત્રાને માહિતી આપી હતી. આ ટ્રેક ઉપર કલાકના ૨૨૦ કિ.મી.ની ઝડપે ટ્રેન દોડશે.
મુલાકાત દરમ્યાન શ્રી વિનીત અભિષેકે અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ રાજકોટની પ્રજાના રેલ્વેને લગતા પ્રશ્નો વિશે સજેશન માંગ્યા હતા. જે સંદર્ભે શ્રી કિરીટભાઇએ રાજકોટથી હરિદ્વાર સહિતના યાત્રાળુ સ્થળોએ ટ્રેનોની સંખ્યા વધારવા વારંવાર મુસાફરોની આવી રહેલ માંગણીઓ રેલ્વે બોર્ડ સુધી પહોંચાડી આ દિશામાં હકારાત્મક પરિણામ આવે તેવુ સુચન રજુ કર્યુ હતું. સાથોસાથ પત્રકારોને મળતુ કન્સેશન જે કોરોનાકાળમાં બંધ થયુ હતુ તે ફરીથી શરૂ કરવા પણ સુચન કર્યુહતું.
(3:16 PM IST)










