તા. ૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૭, શુક્રવાર
News of Saturday, 20th June 2026
રાજકોટ બનશે વિશ્વનું પ્રથમ ‘યોગ સિટી’: હવે દરેક નાગરિકના ઘરથી માત્ર 15 મિનિટના અંતરે મળશે નિઃશુલ્ક યોગ તાલીમ, 426 કેન્દ્રો દ્વારા સ્વાસ્થ્યની નવી ક્રાંતિ
રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત યોગ બોર્ડ વચ્ચે ઐતિહાસિક MoU; વિશ્વ યોગ દિવસની ઉજવણી હવે બની રહેશે વર્ષભરનો ઉત્સવ

રાજકોટ : સ્વાસ્થ્ય અને તંદુરસ્તીના ક્ષેત્રમાં રાજકોટ શહેર સમગ્ર વિશ્વ માટે એક નવી રાહ ચીંધવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'યોગ'ના સંદેશને માત્ર એક દિવસીય ઉજવણી સુધી મર્યાદિત ન રાખતા, રાજકોટ મહાનગરપાલિકાએ '15 મિનિટ યોગા સિટી'નો એક અત્યંત પ્રેરણાદાયી અને નવતર પ્રોજેક્ટ હાથ ધર્યો છે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ હવે રાજકોટના કોઈપણ ખૂણે રહેતા નાગરિકને તેમના ઘરથી માત્ર 15 મિનિટના અંતરે યોગ અને પ્રાણાયામની સુવિધા મળી રહેશે.
રાજકોટના મેયર ડો. નેહલ શુક્લ, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા અને અન્ય પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ યોજનાના ભાગરૂપે રાજકોટના જાહેર બગીચાઓ, કોમ્યુનિટી હોલ્સ અને વોર્ડ કક્ષાના સ્થળો મળીને કુલ 426 કેન્દ્રો પર કાયમી ધોરણે યોગ તાલીમ શરૂ કરવામાં આવશે. આવતીકાલે, વિશ્વ યોગ દિવસના પાવન અવસરે રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત યોગ બોર્ડ વચ્ચે આ માટેના સમજૂતી કરાર (MoU) કરવામાં આવશે.
આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે તે '15 મિનિટ સિટી'ના વૈશ્વિક મોડેલથી પ્રેરિત છે. સામાન્ય રીતે લોકો સમયના અભાવે કે દૂર જવું પડે તે આળસના કારણે યોગ કરવાનું ટાળતા હોય છે, પરંતુ હવે આ તમામ અવરોધો દૂર થશે. ગુજરાત યોગ બોર્ડ દ્વારા પ્રમાણિત નિષ્ણાત યોગ શિક્ષકો આ 426 કેન્દ્રો પર તૈનાત રહેશે, જે નાગરિકોને સંપૂર્ણપણે નિઃશુલ્ક તાલીમ આપશે.
મનપાના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે, આ સુવિધા માત્ર અમુક દિવસો માટે નથી, પરંતુ વર્ષના 365 દિવસ નાગરિકોના શારીરિક અને માનસિક આરોગ્યની જાળવણી માટે છે. આ પહેલ દ્વારા રાજકોટ માત્ર ગુજરાત કે ભારતનું જ નહીં, પરંતુ વિશ્વનું પ્રથમ એવું શહેર બની જશે જ્યાં નાગરિકોને તેમની જીવનશૈલીમાં યોગને વણી લેવા માટે આટલી સરળ અને સુલભ વ્યવસ્થા મળે. રાજકોટની આ પહેલ આવનારા સમયમાં અન્ય શહેરો માટે ચોક્કસપણે એક મોડેલ સાબિત થશે, જેમાં યોગ દ્વારા એક સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.
(7:15 PM IST)










