<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

દિવાળી પહેલાં રાજકોટના રિયલ એસ્‍ટેટ માર્કેટમાં સુસ્‍તી!

એક સમયે ધમધમતા રિયલ એસ્‍ટેટ માર્કેટમાં હાલ મકાનો અને ફલેટોના બુકિંગમાં ઘટાડો નોંધાયો : બાંધકામ ખર્ચ વધવાથી અને ગ્રાહકો પોતાના બજેટને ધ્‍યાનમાં રાખી ખરીદી કરતા હોવાથી માર્કેટમાં બુકિંગ ઘટી ગયા

રાજકોટ,તા.૨૮: સૌરાષ્ટ્રના રિયલ એસ્‍ટેટ હબ ગણાતા રાજકોટ શહેરમાં છેલ્‍લા એક વર્ષથી પ્રોપર્ટી માર્કેટની ગતિ થોડી ધીમી પડી છે. એક સમયે ધમધમતા આ માર્કેટમાં હાલ મકાનો અને ફલેટોના બુકિગમાં ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક યુદ્ધની પરિસ્‍થિતિને કારણે સિમેન્‍ટ અને સ્‍ટીલ જેવા રો-મટિરિયલના ભાવમાં ૨૫ થી ૩૦ ટકા સુધીનો મોટો વધારો થતાં બિલ્‍ડરોના બજેટ ખોરવાયા છે. જોકે, રાજકોટ બિલ્‍ડર્સ એસોસિએશનને દિવાળીના તહેવાર પછી માર્કેટમાં સુધારો આવવાની મોટી આશા છે.

રાજકોટમાં રહેણાક પ્રોજેક્‍ટ્‍સ અને ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર વધવા છતાં છેલ્‍લા કેટલાક સમયથી બુકિગની ગતિ મધ્‍યમ રહી છે. રાજકોટ બિલ્‍ડર્સ એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ ગજેરાના જણાવ્‍યા અનુસાર, યુદ્ધની સ્‍થિતિને કારણે સ્‍ટીલ અને સિમેન્‍ટ સહિત બાંધકામ ક્ષેત્રના કાચા માલ (રો-મટિરિયલ)ના ભાવમાં ૨૫% થી ૩૦% નો વધારો થયો છે. બાંધકામ ખર્ચ વધવાથી અને ગ્રાહકો પોતાના બજેટને ધ્‍યાનમાં રાખી ખરીદી કરતા હોવાથી માર્કેટમાં બુકિગ ઘટી ગયા છે.

સુસ્‍તી વચ્‍ચે પણ રાજકોટના કેટલાક ચોક્કસ વિસ્‍તારોમાં ગ્રાહકોની પસંદગી જળવાઈ રહી છે. કાલાવડ રોડ અને નવા રિગરોડ આસપાસના વિસ્‍તારોમાં પ્રવાસીઓ અને ગ્રાહકો વધુ બુકિગ કરાવી રહ્યા છે. આ સિવાય છેલ્‍લા ૬ થી ૮ મહિનામાં નાના મવા રોડ, મવડી અને રૈયા રોડ પર પણ અનેક નવા પ્રોજેક્‍ટ્‍સ લોન્‍ચ કરવામાં આવ્‍યા છે.

બિલ્‍ડર એસોસિએશનને આશા છે કે દિવાળી પછી અને યુદ્ધની સ્‍થિતિ શાંત પડતાં રો-મટિરિયલના ભાવ સ્‍થિર થશે, જેનાથી પ્રોપર્ટી માર્કેટમાં ફરી તેજી આવશે. આ સિવાય, આગામી વર્ષે રાજકોટમાં એક ભવ્‍ય ‘પ્રોપર્ટી એક્‍સપો' નું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે, જેથી ખરીદદારોને એક જ છત નીચે તમામ મોટા પ્રોજેક્‍ટ્‍સની માહિતી મળી રહે અને રિયલ એસ્‍ટેટ ક્ષેત્રને નવો વેગ મળે. તહેવારો પછી અને આગામી પ્રોપર્ટી એક્‍સપો બાદ રાજકોટના રિયલ એસ્‍ટેટ માર્કેટમાં ખરીદી ફરી ક્‍યારે સ્‍પીડ પકડે છે, તેના પર હવે સૌની નજર રહેશે.

(9:54 AM IST)