News of Wednesday, 23rd September 2026
રામપર બેટીમાં જુના મનદુઃખમાં ધોકા-પાઇપ ઉડયાઃ રૂપસંગ અને સામા પક્ષે દેવરાજ તથા રમેશને ઇજા
સમાધાન ભાટે ગ્રામ પંચાયત પાછળના મેદાનમાં ભેગા થયા અને જામી પડી છએક વર્ષ પહેલા છોકરી બાબતે માથાકુટ થઇ હોઇ તેના કારણે ડખ્ખોઃ બંને પક્ષો ટોળકી રચી એકબીજા પર તૂટી પડયા

રાજકોટ તા. ૨૩: કુવાડવા નજીકના રામપર બેટી ગામે જુના મનદુઃખને લીધે બે અલગ અલગ પરિવારના લોકો વચ્ચે ધોકા-પાઇપ-છરીથી મારામારી થતાં બંને પક્ષના મળી ત્રણને ઇજાઓ થતાં સારવાર માટે દાખલ કરાયા છે. જુના પ્રેમપ્રકરણને કારણે આ ડખ્ખો થયો હતો. બંને પક્ષો સમાધાન માટે બેટી ગ્રામ પંચાયત ઓફિસ પાછળ ખુલ્લી જગ્યામાં ભેગા થયા બાદ જામી પડી હતી.
જાણવા મળ્યા મુજબ બેટી રામપર ગામમાં રહેતાં રૂપસંગભાઇ ચોથાભાઇ મકવાણા-કોળી (ઉ.વ.૩૨) ઉપર ગામમાં હતો ત્યારે ગામના જ વનરાજ, દિપક, વચ્છરાજ, રમેશ, હરેશ સહિતે મંડળી રચી ધોકા-પાઇપથી હુમલો કરી બેફામ માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરયો છે.
રૂપસંગભાઇના કહેવા મુજબ તે ટ્રોલી બેગની કંપનીમાં નોકરી કરે છે અને બે ભાઇ તથા બે બહેનમાં નાનો છે અને સંતાનમાં બે પુત્રી છે. તેણે જણાવ્યું હતું કે છએક વર્ષ પહેલા તેના કુટુંબની એક છોકરી સાથે સામેવાળાને પ્રેમપ્રકરણ હતું. જે તે વખતે માથાકુટ થયા બાદ સમાધાન થઇ ગયું હતું. હાલમાં ફરી મનદુઃખ સર્જાયુ હોઇ જેનો ખાર રાખી હુમલો કરાયો હતો. આ બનાવમાં રૂપસંગભાઇની ફરિયાદથી પરથી દેવરાજ ગેમાભાઇ, વચ્છરાજ અમરશીભાઇ, રમેશ છગનભાઇ, ભુપત ગેમાભાઇ અને વિપુલ ભીખાભાઇ ભલગામડીયા સામે ગુનો દાખલ કરાયો છે.
સામા પક્ષે બેટી રામપરમાં રહેતાં દેવરાજભાઇ ગેમાભાઇ ભલગામડીયા (ઉ.વ.૩૬) અને તેના મોટા બાપુના દિકરા રમેશભાઇ છગનભાઇ ભલગામડીયા (ઉ.વ.૪૨) પણ પોતાના પર હુમલો થયાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં. દેવરાજભાઇએ જણાવ્યા મુજબ પોતાના પર જયદિપ, રૂપસંગ, મોીહત, દિલીપ, જીવરાજ, રમેશ, રાહુલ, ધનજીભાઇ, બાબુભાઇએ ધોકા-પાઇપથી હુમલો કરતાં પોતાને અને ભાઇને ગંભીર ઇજા થઇ હતી. અગાઉ દેવરાજભાઇને સામેવાળા પક્ષની છોકરી સાથે પ્રેમ હતો. છએક વર્ષ પહેલા આ વાતે માથાકુટ થઇ હોઇ ત્યારથી મનદુઃખ હોઇ ખાર રાખી હુમલો કરાયો હતો. આ બનાવમાં પોલીસે જયદિપ જગદીશભાઇ મકવાણા, સંજય જગદીશભાઇ, મોહિત ધનીભાઇ, દિલીપ ધનજીભાઇ, ધનજી ઉકાભાઇ, જેસીંગ ધુસાભાઇ, રૂપસંગ ચોથા, જીવરાજ સામંતભાઇ, રાહુલ બાબુભાઇ રમેશ બાબુભાઇ વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો છે.
દેવરાજભાઇ બે ભાઇ અને એક બહેનમાં વચેટ છે અને સંતાનમાં એક દિકરો તથા એક દિકરી છે. જ્યારે રમેશભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટા છે. બંને ભાઇઓ પાન-ફાકીની દુકાન ચલાવે છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે બંને પક્ષની એન્ટ્રી એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા તપાસ શરૂ કરવામાં આવી છે.
(2:28 PM IST)










