<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

રેગ્‍યુલર વિદ્યાર્થીઓ સેમ-૩માં,જ્‍યારે એક્‍સ્‍ટર્નલ વિદ્યાર્થીઓ હજુ B.A.-M.A.સેમ-૧ની પરીક્ષાની રાહમાં

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની વહીવટી અવ્‍યવસ્‍થાથી વિદ્યાર્થીઓનું ભવિષ્‍ય જોખમમાં: શિક્ષણમંત્રીને કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતની રજૂઆત

 

રાજકોટ, તા.૧૩: કોંગ્રેસના વિદ્યાર્થીનેતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સૌરાષ્‍ટ્ર ઝોનના પ્રવક્‍તા રોહિતસિંહ રાજપૂતે  શિક્ષણમંત્રી પ્રદ્યુમનભાઈ વાજાને  રજૂઆત કરી સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલી પરીક્ષા, પરિણામ અને મૂલ્‍યાંકન વ્‍યવસ્‍થાની ગંભીર વહીવટી અવ્‍યવસ્‍થા અંગે તાત્‍કાલિક હસ્‍તક્ષેપ કરવાની માંગ કરી છે.

રજુઆતમાં જણાવવામાં આવ્‍યું છે કે એક્‍સ્‍ટર્નલના સ્‍નાતક કોર્ષ બી.એ. (B.A.) તેમજ અનુતાાતક કોર્ષ એમ.એ. (M.A.) સેમેસ્‍ટર-૧ની પરીક્ષાઓ નોંધણી થયાના લગભગ એક વર્ષ બાદ પણ યોજાઈ નથી. સામાન્‍ય રીતે એક સેમેસ્‍ટરની પરીક્ષા પાંચથી છ મહિનામાં યોજાતી હોવા છતાં લગભગ આઠ મહિના બાદ પણ પરીક્ષા ન લેવાતા હજારો વિદ્યાર્થીઓનું એક શૈક્ષણિક વર્ષ બગડવાની સ્‍થિતિ સર્જાઈ છે.

આજે શૈક્ષણિક વર્ષ એવી સ્‍થિતિમાં પહોંચી ગયું છે કે રેગ્‍યુલર વિદ્યાર્થીઓ સેમેસ્‍ટર-૩ની પરીક્ષાઓ આપવા જઈ રહ્યા છે, જ્‍યારે એક્‍સ્‍ટર્નલના B.A., M.A. ના વિદ્યાર્થીઓએ હજુ સુધી સેમેસ્‍ટર-૧ની પરીક્ષાઓ પણ આપી નથી. આ સ્‍થિતિ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની ગંભીર વહીવટી નિષ્‍ફળતાનું જીવંત ઉદાહરણ છે, જેના કારણે હજારો વિદ્યાર્થીઓનું એક આખું શૈક્ષણિક વર્ષ જોખમમાં મુકાયું છે

રજુઆતમાં વધુમાં જણાવાયું છે કે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની રેગ્‍યુલર પરીક્ષાઓના અંદાજે ૭૦થી વધુ પરિણામો હજુ જાહેર કરવાના બાકી છે, જ્‍યારે રી-અસેસમેન્‍ટના મોટા ભાગના પરિણામો પણ જાહેર થયા નથી એટલે અંદાજે ૧૦૦ જેટલા પરિણામો લાંબા સમયથી પેન્‍ડિંગ છે.

પરિણામોમાં થતા લાંબા વિલંબના કારણે વિદ્યાર્થીઓને ઉચ્‍ચ અભ્‍યાસ, સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓ, ભરતી પ્રક્રિયાઓ અને અન્‍ય શૈક્ષણિક તકોમાં ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે.

(3:45 PM IST)