News of Friday, 31st July 2026
વેરા બાકીદારોને રાહત : પાણી- મિલકત વેરા વ્યાજમાં ૫-૫ હજાર સુધીની માફી
મિલ્કત વેરાના વ્યાજમાં પ હજાર તથા પાણીવેરામાં પ હજારનું ડિસ્કાઉન્ટ મળશેઃ ૧ ઓગસ્ટથી ૩૦ સપ્ટેમ્બર સુધી વિશેષ રાહત યોજના અમલમાં: મેયર ડો. નેહલ શુકલ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળિયા સહિતના પદાધિકારીઓએ કરી જાહેરાત : આશરે ૫૬ હજારથી વધુ કરદાતાઓને મળશે લાભ, રૂ.૫૨૦ કરોડના વેરાઃ વસુલાતના લક્ષ્યાંકને સિદ્ધ કરવામાં મળશે વેગ

રાજકોટ તા.૩૧: મહાનગરપાલિકા દ્વારા પાણી વેરા અને મિલકત વેરાના બાકીદારોને રાહત આપવા માટે વિશેષ વ્યાજ માફી યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના હેઠળ બાકી પાત્ર વેરાદારોને પાણી અને મિલ્કત વેરાના વ્યાજમાં ૫ હજાર- પ હજાર સુધીની માફી આપવામાં આવશે. યોજનાનો લાભ ૧ ઓગસ્ટથી ૩૦ સપ્ટેમ્બર સુધી ઉપલબ્ધ રહેશે. શહેરના વધુમાં વધુ વેરાદારો આ તકનો લાભ લઈ બાકી વેરાની રકમ ભરપાઈ કરે તે માટે મનપા દ્વારા અપીલ કરવામાં આવી છે. યોજનાની જાહેરાત મેયર ડો. નેહલ શુકલ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળિયા તથા મ્યુનિ.કમિશનર તુષાર સુમેરા સહિતના કરી હતી.
આ વ્યાજ માફી યોજનાની માહિતી આપવા માટે રાજકોટ મહાનગરપાલિકાના મેયરશ્રી ડૉ.નેહલ શુકલની અધ્યક્ષતામાં ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, સાક્ષક પક્ષ દંડકશ્રી સંજયસિંહ રાણાની ઉપસ્થિતિમાં આજના રોજ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ હતું કે, ગત વર્ષની વ્યાજ માફી યોજનાને મળેલા ઉત્સાહજનક પ્રતિસાદને ધ્યાનમાં રાખી અંદાજિત રીતે ચાલુ વર્ષે આશરે ૫૬,૦૦૦ કરદાતાઓ આ યોજનાનો લાભ લેશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જે ગત વર્ષે યોજનાનો લાભ લેનાર ૪૬,૫૮૭ કરદાતાઓની સરખામણીએ અંદાજે ૨૦ ટકા વધુ છે.
ગત વર્ષે વ્યાજ માફી યોજના અંતર્ગત કુલ રૂ. ૭૯.૦૬ કરોડની વેરા ભરપાઈ સામે રૂ. ૧૨.૭૬ કરોડનું વ્યાજ માફ કરવામાં આવ્યું હતું. તે આધારે ચાલુ વર્ષે અંદાજિત રીતે રૂ. ૧૫ કરોડ જેટલી વ્યાજ માફી આપવામાં આવશે તેવી શકયતા છે.
રાજકોટ મહાનગરપાલિકાએ ચાલુ નાણાકીય વર્ષ માટે રૂ. ૫૨૦ કરોડના વેરા વસુલાતનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. વ્યાજ માફી યોજના આ લક્ષ્યાંકને હાંસલ કરવામાં મહત્વપૂર્ણ સહાયક બનશે તેમજ વધુમાં વધુ બાકીદાર કરદાતાઓને વેરાની ભરપાઈ કરવા પ્રોત્સાહિત કરશે.
હાલ શહેરમાં કુલ આશરે ૬.૧૦ લાખ કરદાતાઓ નોંધાયેલા છે. વ્યાજ માફી યોજનાના અમલીકરણથી નિયમિત વેરો ભરતા કરદાતાઓની સંખ્યા આશરે ૫.૨૦ લાખ સુધી પહોંચવાની સંભાવના છે. પરિણામે કુલ નોંધાયેલા કરદાતાઓમાંથી આશરે ૮૫ ટકા કરદાતાઓ નિયમિત કરદાતા બનશે, જે ગત વર્ષના ૭૫ ટકાની સરખામણીએ અંદાજે ૧૦ ટકાનો વધારો દર્શાવે છે.
ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન તા. ૦૧-૦૪-૨૦૨૬ થી તા. ૩૧-૦૭-૨૦૨૬ સુધીમાં કુલ ૬૩,૧૪૬ કરદાતાઓએ વ્યાજ સાથે વેરાની ભરપાઈ કરી છે. જેમાં રેસીડન્સ કેટેગરીના ૪૩,૯૦૫, નોન-રેસીડન્સ કેટેગરીના ૧૫,૩૦૫ તેમજ અનલીંક વોટર કનેકશન કેટેગરીના ૩,૯૩૬ કરદાતાઓનો સમાવેશ થાય છે.
આ કરદાતાઓ દ્વારા આ સમયગાળા દરમિયાન કુલ રૂ. ૧૩.૬૨ કરોડનું વ્યાજ ભરવામાં આવ્યું છે. વ્યાજ માફી યોજના અમલમાં આવતા પાત્ર કરદાતાઓને અંદાજે રૂ. ૮.૭૪ કરોડની રકમ ક્રેડિટ સ્વરૂપે આપવામાં આવશે. જેમાં રેસીડન્સ કેટેગરીને રૂ. ૫.૮૮ કરોડ, નોન-રેસીડન્સ કેટેગરીને રૂ. ૨.૪૪ કરોડ તથા અનલીંક વોટર કનેકશન કેટેગરીને રૂ. ૦.૪૨ કરોડની રકમનો લાભ મળશે.
ગત વર્ષે વ્યાજ માફી યોજનાનો ૪૬,૫૮૭ કરદાતાઓએ
લાભ લીધો
ગત નાણાકીય વર્ષ માટે મહાનગરપાલિકાનો રૂ. ૪૫૫.૭૦ કરોડનો મૂળ અંદાજ રાખવામાં આવ્યો હતો, જેની સામે રૂ. ૪૪૬.૬૭ કરોડની આવક પ્રાપ્ત થઈ હતી. આ દરમિયાન શહેરના કુલ ૪,૬૩,૩૯૮ કરદાતાઓએ મિલકત વેરો અને પાણી વેરાની ભરપાઈ કરી હતી, જે નાગરિકોની કરચુકવણી પ્રત્યેની જાગળતિ અને જવાબદારી દર્શાવે છે.
કરદાતાઓને રાહત આપવા માટે મહાનગરપાલિકા દ્વારા અમલમાં મુકાયેલી વ્યાજ માફી યોજનાને પણ નાગરિકો તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો હતો. આ યોજના હેઠળ કુલ ૪૬,૫૮૭ કરદાતાઓએ લાભ લીધો હતો. જેમાં રેસીડન્સ કેટેગરીના ૩૩,૨૫૭, નોન-રેસીડન્સ કેટેગરીના ૧૨,૬૩૬ તેમજ અનલીંક વોટર કનેકશન ધરાવતા ૬૯૪ કરદાતાઓનો સમાવેશ થાય છે.
વ્યાજ માફી યોજના દરમિયાન મહાનગરપાલિકાને કુલ રૂ. ૭૯.૦૬ કરોડની આવક પ્રાપ્ત થઈ હતી. જેમાં રેસીડન્સ કેટેગરીમાંથી રૂ. ૪૨.૭૬ કરોડ, નોન-રેસીડન્સ કેટેગરીમાંથી રૂ. ૩૪.૬૦ કરોડ તથા અનલીંક વોટર કનેકશનમાંથી રૂ. ૧.૭૦ કરોડની વસુલાત નોંધાઈ હતી.
આ યોજના અંતર્ગત કરદાતાઓને કુલ રૂ. ૧૨.૭૬ કરોડના વ્યાજની માફી આપવામાં આવી હતી. જેમાં રેસીડન્સ કેટેગરીમાં રૂ. ૯.૪૪ કરોડ, નોન-રેસીડન્સ કેટેગરીમાં રૂ. ૩.૦૯ કરોડ તથા અનલીંક વોટર કનેકશન માટે રૂ. ૦.૨૩ કરોડના વ્યાજની માફીનો સમાવેશ થાય છે.
અત્યાર સુધીમાં રૂ. ૨૫૫.૭૮ કરોડની આવક - ૩.૬૪ લાખથી વધુ કરદાતાઓએ વેરો ભર્યો
મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન મિલકત વેરા અને પાણી વેરાની વસૂલાતની કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ચાલુ નાણાકીય વર્ષ માટે મહાનગરપાલિકાએ કુલ રૂ. ૫૨૦ કરોડની આવકનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે.
રાજકોટ શહેરમાં હાલ કુલ અંદાજે ૬,૧૦,૦૦૦ કરદાતાઓ નોંધાયેલા છે. આજદિન સુધીમાં ૩,૬૪,૦૦૦ કરદાતાઓએ તેમના મિલકત વેરા અને પાણી વેરાની ભરપાઈ કરી છે.
ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં મહાનગરપાલિકાને કુલ રૂ. ૨૫૫.૭૮ કરોડની આવક પ્રાપ્ત થઈ છે. જેમાં રહેણાંક મિલકતોમાંથી રૂ. ૧૪૪.૨૫ કરોડ, બિન રહેણાંક (કોમર્શિયલ/અન્ય) મિલકતોમાંથી રૂ. ૯૪.૧૩ કરોડ તેમજ અનલિંક વોટર કનેક્શનમાંથી રૂ. ૧૭.૪૦ કરોડની આવકનો સમાવેશ થાય છે.
હાલમાં રીકવરેબલ બાકીદારોની કુલ સંખ્યા ૨,૪૬,૭૦૪ છે. જેમાં રહેણાંક શ્રેણીના ૧,૯૫,૯૧૮ અને બિન રહેણાંક શ્રેણીના ૫૦,૭૮૬ બાકીદારોનો સમાવેશ થાય છે. રીકવરેબલ બાકી માંગણીની વિગતો મુજબ રહેણાંક મિલકતોમાં રૂ. ૨૬૭.૮૨ કરોડ અને બિન રહેણાંક મિલકતોમાં રૂ. ૧૦૯.૧૧ કરોડ મળીને કુલ રૂ. ૩૭૬.૯૩ કરોડની માંગણી બાકી છે.
રાજકોટ મહાનગરપાલિકાની નોંધ મુજબ ચડત માંગણું ધરાવતા અનલિંક વોટર કનેક્શનની કુલ સંખ્યા ૪૭,૨૪૯ છે. જેમાં સંપૂર્ણ કનેક્શન ધરાવતા ૧,૫૬૮ તથા અડધા (૧/૨) કનેક્શન ધરાવતા ૪૫,૮૧૪નો સમાવેશ થાય છે. આ અનલિંક વોટર કનેક્શનો સામે કુલ રૂ. ૨૮૯ કરોડની માંગણી બાકી છે. જેમાં સંપૂર્ણ કનેક્શન સામે રૂ. ૭૮ કરોડ તથા અડધા (૧/૨) કનેક્શન સામે રૂ. ૨૧૧ કરોડની બાકી માંગણી નોંધાયેલી છે.
રાજકોટ શહેરમાં હાલ કુલ ૩,૬૧,૨૬૮ વોટર કનેક્શન નોંધાયેલા છે. જેમાં ૧૭,૭૧૪ સંપૂર્ણ કનેક્શન તથા ૩,૪૩,૫૫૪ અન્ય પ્રકારના કનેક્શનનો સમાવેશ થાય છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બાકી વેરાની વસૂલાત માટે ઝુંબેશરૂપ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે કરદાતાઓએ હજુ સુધી મિલકત વેરો તથા પાણી વેરાની ભરપાઈ કરી નથી તેઓને વિલંબ કર્યા વિના વેરાની ચૂકવણી કરવા અનુરોધ કરવામાં આવે છે. સમયસર વેરાની ભરપાઈથી વ્યાજ અને દંડ જેવી વધારાની જવાબદારીથી બચી શકાય છે તેમજ શહેરના વિકાસકાર્યોને વધુ ગતિ મળે છે.
(3:09 PM IST)










