News of Saturday, 28th November 2026
અવકાશ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં રાજકોટનું નામ ફરી એકવાર ગુંજ્યું
રાજકોટનો યુવક ૪૦૦ કિમી ઊંચે ફરતા સ્પેસ સ્ટેશનનો કરશે સીધો રેડિયો સંપર્કઃ રશિયન ઉપગ્રહની તસવીરો પણ કેપ્ચર કરશે

રાજકોટ,તા.૨૮: અવકાશ વિજ્ઞાન અને ટેક્રોલોજીના ક્ષેત્રમાં રાજકોટનું નામ ફરી એકવાર ગુંજ્યું છે. રાજકોટના હેમ રેડિયો અને સેટેલાઇટ કમ્યુનિકેશન નિષ્ણાત રાજેશ વાગડિયાને કર્ણાટકના મેંગલુરુ ખાતે યોજાયેલા દેશના પ્રતિષ્ઠિત હેમફેસ્ટ ઇન્ડિયા-૨૦૨૬માં અવકાશી સંચારના લાઈવ ડેમોન્સ્ટ્રેશન માટે વિશેષ જવાબદારી સોંપવામાં આવી હતી.
આ કાર્યક્રમ અંતર્ગત તેઓ પૃથ્વીથી આશરે ૪૦૦ કિલોમીટરની ઊંચાઈએ પ્રતિ કલાક ૨૮,૦૦૦ કિલોમીટરની ઝડપે ભ્રમણ કરતા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન) સાથે સીધો રેડિયો સંપર્ક સ્થાપિત કરશે. આ ઉપરાંત, તેઓ રશિયન ઉપગ્રહ યુએમકેએ-૧ દ્વારા લેવામાં આવેલી અવકાશી તસવીરો પણ લાઈવ મેળવીને દેશભરના હેમ રેડિયો ઓપરેટરો, અવકાશપ્રેમીઓ અને ટેક્રોલોજી નિષ્ણાતો સમક્ષ રજૂ કરશે.
અવકાશમાં અતિ ઝડપે ગતિ કરતા ઉપગ્રહો અને સ્પેસ સ્ટેશન સાથે સંપર્ક સાધવો એ અત્યંત જાટિલ પ્રક્રિયા છે. રશિયન ઉપગ્રહ પૃથ્વીથી આશરે ૪૯૧ થી ૫૦૬ કિમીની ઊંચાઈએ પ્રતિ સેકન્ડ ૭.૬૧ કિમીની ઝડપે દોડતો રહી દર ૮૪.૬ મિનિટે પૃથ્વીનું એક ચક્કર પૂર્ણ કરે છે. આટલી ઝડપે ફરતા મથક અને ઉપગ્રહ સાથે જોડાવા માટે એન્ટેનાની દિશા અને રેડિયો ફ્રિક્વન્સીનું અત્યંત સચોટ નિયંત્રણ જરૂરી બને છે. આ પ્રયોગ માટે રાજકોટથી હેન્ડહેલ્ડ રેડિયો, ટ્રાન્સસીવર, વિશેષ એન્ટેના અને સેટેલાઇટ ટ્રેકિગ વ્યવસ્થા ધરાવતું સંપૂર્ણ પોર્ટેબલ સેટેલાઇટ સ્ટેશન મેંગલુરુ લઈ જવામાં આવ્યું છે.
આ લાઈવ સેટેલાઇટ ડેમોન્સ્ટ્રેશન દરમિયાન તેઓ પોતાના કોલસાઈનથી સંપર્ક માટે સિગ્નલ મોકલશે, જેનો દુનિયાભરના ઓપરેટરો જવાબ આપશે. સંપર્કની સફળ પુષ્ટિ કરનારા ઓપરેટરોને વિશેષ 'ક્યુએસએલ' કાર્ડ પણ એનાયત કરવામાં આવશે.
(3:45 PM IST)










