News of Saturday, 16th May 2026
રિક્ષાગેંગ ફરી ઝળકીઃ ઉલ્ટીનું નાટક કરી ભંડારીયાના વૃધ્ધના ૬૦ હજાર સેરવ્યા
૬૨ વર્ષના બટુકભાઇ આજીડેમ ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડીએ જવા બેઠા હતાં: સાથે બેઠેલાએ ઉબકાનું નાટક કરતાં ચાલકે કહ્યું-તમે ઉતરી જાઓ નહિતર તમારી માથે ઉલ્ટી કરશેઃ આજીડેમ પોલીસે ત્રિપુટીની શોધખોળ હાથ ધરી

રાજકોટ તા. ૧૬: શહેરમાં પેસેન્જર રિક્ષામાં બેસાડીને ચોરી કરતી ગેંગ ફરી એકવાર સક્રિય થઈ હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોરબી રોડ પર સેટેલાઇટ ચોક ખાતે રહેતા દિકરાને રૂપિયા આપવા જઈ રહેલા જસદણના ભંડારીયાના વળદ્ધને રિક્ષામાં બેસાડી ઉલટી કરવાનું નાટક કરી નજર ચૂકવી રૂા. ૬૦,૦૦૦ની રોકડ રકમની ચોરી કરી હોવાની ફરિયાદ આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
જાણવા મળ્યા મુજબ જસદણ તાલુકાના ભંડારીયા ગામના વતની બટુકભાઈ ગોકળભાઈ સગપરીયા (ઉં.વ. ૬૨) ગઈકાલે સવારે આશરે આશરે વાગ્યે પોતાના ઘરેથી નીકળ્યા હતા. તેમના દીકરાઓને પૈસાની જરૂર હોવાથી તેઓ ૬૦,૦૦૦ રોકડા એક રૂમાલમાં વીંટાળીને પોતાના પેન્ટના જમણી બાજુના આગળના ખિસ્સામાં રાખીને નીકળ્યા હતા.
દૂધની ગાડીમાં બેસીને તેઓ સવારે સવા નવેક વાગ્યે આજીડેમ ચોકડી પાસે ટ્રાફિક ભવન નજીક ઉતર્યા હતા. ત્યાંથી ગ્રીનલેન્ડ ચોકડી જવા માટે તેઓ એક લીલા અને પીળા રંગની સીએનજી રિક્ષામાં બેઠા હતા. રક્ષામાં અગાઉથી જ બે પુરૂષો પાછળની સીટમાં બેઠેલા હતા અને એક શખ્સ રિક્ષા ચલાવી રહ્યો હતો. બટુકભાઈ પાછળની સીટમાં જમણી બાજુ બેઠા હતા. રિક્ષા ઉપડ્યા બાદ આશરે ૧૫ મિનિટ પછી, માજોઠી નગરના ખૂણા પાસે સર્વિસ રોડ પર પહોંચતા જ તેમની બાજુમાં બેસેલા શખ્સે અચાનક ઉલટી થતી હોય તેવા ઉબકા ખાવાનું શરૂ કર્યું હતું.
આ જોઈને રિક્ષાચાલકે તુરંત જ રિક્ષા ઉભી રાખી દીધી હતી અને બટુકભાઈને કહ્યું કે-તમે અહીં ઉતરી જાઓ, નહિતર આ ભાઈ તમારા પર ઉલટી કરશે.ગભરામણમાં બટુકભાઈ રિક્ષામાંથી નીચે ઉતરી ગયા હતા અને રિક્ષાચાલક તુરંત જ રિક્ષા લઈને ત્યાંથી ભાગી છૂટયો હતો.
રિક્ષા ગયા બાદ બટુકભાઈને શંકા જતાં તેમણે પોતાના પેન્ટના ખિસ્સામાં તપાસ કરી હતી. પણ ખિસ્સામાં રાખેલા રૂા. ૬૦,૦૦૦ રોકડા ગાયબ હતા. તેમણે આસપાસમાં રિક્ષાની શોધખોળ કરી હતી પરંતુ કોઈ પત્તો ન મળતાં આખરે તેમણે પોતાના મોટા દીકરા શૈલેષભાઈ સાથે આજીડેમ પોલીસ સ્ટેશને પહોંચીને ત્રણ અજાણ્યા આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં હેડકોન્સ. ટી. જે. સરવૈયાએ ગુનો નોંધ્યો હતો.
(3:41 PM IST)










