<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

રોડ-રસ્‍તા-પાણીની પાઇપલાઇનના પ્રશ્નો ગાજશે

કાલે મનપાનું જનરલ બોર્ડઃ નગરસેવકો સવાલોની છડી વરસાવશે : આ બોર્ડમાં ભાજપના ૭ તથા કોંગ્રેસના ૩ નગરસેવકોના કુલ ૨૩ પ્રશ્‍નો રજુઃ ભાજપના વોર્ડ નં.૧૧ના કોર્પોરેટર રક્ષીત કલોલાના પ્રશ્‍નથી થશે ચર્ચાનો થશે પ્રારંભ

રાજકોટ તા.૯: મ્‍યુનિ.કોર્પોરેશનનું જનરલ બોર્ડ કાલે તા.૧૭ના શનિવારે સવારે ૧૧ વાગ્‍યે  યોજાશે આ બોર્ડમાં દરખાસ્‍તો પર નિર્ણય કરાશે તેમજ ભાજપ-કોંગ્રેસના સભ્‍યોના રસ્‍તા, મેદાન સહિતના પ્રશ્નો બાબતે ચર્ચા થશે.

મ્‍યુનિ.કોર્પોરેશનની સામાન્‍ય સભાની  તા.૧૭ના શનિવારે સવારે ૧૧ કલાકે સેન્‍ટ્રલ ઝોન કચેરીના બીજા માળે આવેલ રમેશભાઇ છાયા સભાગૃહમાં મેયર ડો.નેહલ શુકલના અધ્‍યક્ષ સ્‍થાને યોજાશે. આ બોર્ડમાં ભાજપના ૭ તથા કોંગ્રેસના ૩ સહિત કુલ પાંચ સભ્‍યો દ્વારા ૨૩ પ્રશ્નો રજુ કરવામાં આવેલ છે.

આગામી બોર્ડમાં વોર્ડ નં.૧૧ના ભાજપના નગરસેવક રક્ષિત કલોલાના પ્રથમ પ્રશ્નથી ચર્ચાનો થશે પ્રારંભ સભ્‍યો દ્વારા કયા પ્રશ્ન રજુ કરવામાં આવ્‍યા છે. તેની વિગત આ મુજબ છે.

‘રક્ષિત કલોલા'

રાજકોટ શહેરની હદમાં થતા રોડ-રસ્‍તા માટેના કુલ કેટલા માન્‍ય કોન્‍ટ્રાટર છે? એમાંથી કેટલા લોકોનો કોન્‍ટ્રાકટનો સમય પૂર્ણ થયો છે અથવા તો રિન્‍યુ નથી કરવામાં આવ્‍યો? એમાંથી કેટલા લોકોને એના કાર્યકાળ દરમ્‍યાન કોઇ નોટિસ આપવામાં આવેલ છે અથવા તો એમના પર કોઇ કાર્યવાહી કરવામાં આવી છે તથા રાજકોટ શહેરની હદમાં થતા પાણીની પાઇપલાઇન માટેના કુલ કેટલા માન્‍ય કોન્‍ટ્રાકટર છે? એમાંથી કેટલા લોકોનો કોન્‍ટ્રાકટને સમય પૂર્ણ થયો છે અથવા તો રિન્‍યુ નથી કરવામાં આવ્‍યો? એમાંથી કેટલા લોકોને એના કાર્યકાળ દરમ્‍યાન કોઇ નોટિસ આપવામાં આવેલ છે અથવા તો એમના પર કોઇ કાર્યવાહી કરવામાં આવી છે.

‘રાજુ અઘેરા'

શહેરના જેટલા પ્રવેશદ્વારો છે તેને વિકસાવવાનું કોઈ આયોજન છે કે કેમ અને આ પ્રવેશદારની આજની તારીખમાં રસ્‍તાની શું હાલત છે તેની કોઈ દીવસ સાઇટ વિઝીટ કોઈ અધિકારી શ્રી એ કરેલ છે કે કેમ ? રાજકોટ શહેરમાં મહાનગરપાલિકાની હદમાં આવાસ યોજના કેટલી બનેલ છે કેટલી હાલમાં બની રહી છે અને બની ગયેલી હોય અને પડતર હોય અને ફાળવણી ન કરવી હોય તેવી કેટલી આવશ યોજના છે તેનો જવાબ આપશો તથા રાજકોટ મહાનગરપાલિકાના માલિકીના કોઈ કોમર્શિયલ બિલ્‍ડીંગ છે કે કેમ અને આજની એની સ્‍થિતિ શું છે અને ભાડાની આવક શું આવે છે તેની વિગત આપશો.

‘સુધાબા વાઘેલા'

રાજકોટ મહાનગરપાલીકાના સાંસ્‍કૃતિક વિકાસ વિભાગ દ્વારા છેલ્લા બે વર્ષમાં કેટલો ખર્ચ થયો કયા હેતુસર કેટલી રકમનો ખર્ચ થયો? તેમાં સ્‍ટેન્‍ડિંગ કમીટીમાં મંજુર લેવા પાત્ર ખર્ચ કેટલો? અને સામાન્‍ય સભામાં મંજુરી લેવા પાત્ર ખર્ચ કેટલો? ખર્ચની મંજુરી લેવામાં આવી છે કેમ? દરેક ખર્ચની મંજુરીની તારી સ્‍થળની વિગતો આપો.

‘કોૈશિકભાઇ ટાંક'

નવરાત્રી દરમ્‍યાન રાજકોટ મ્‍યુ. કોપોં. હસ્‍તકના કેટલા પ્‍લોટ (મેદાન) ભાડે આપ્‍યા ભાડા નકકી કરવાની સતા કોની ? તમામ નિયમોનું ચુસ્‍ત પાલન થાય છે કે નહી તે જોવાની જવાબદારી કોની ? (એસ.ઓ.પી. નું પાલન, પાર્કીંગ, સલામતી વિગેરે) ફુડ વિભાગ દ્વારા સમયાંતરે આંગણવાડીમા આપવામાં આવતું ભોજન તપાસવામાં આવે છે કે નહી, ? ડેરી પ્રોડકટ અને મેન્‍યુફેકચર ની એકસપાયરી તારીખ લખવી ફરજીયાત હોય તો ખુલ્લામા રાખવામાં આવતી મિઠાઈ કે ફરસાણમાં આવો ઉલ્લેખ થાય છે કે નહી ? સાંસદ કે ધારાસભ્‍યોને મળતી ગ્રાન્‍ટ (રકમ) કેટલી હોય છે ? આ ગ્રાન્‍ટ (રકમ) સીધી જ સાંસદ કે ધારાસભ્‍યો જે તે સ્‍થાને વાપરી શકે કે મ્‍યુ. કોર્પો સાથે સંકલન કરીને ગ્રાન્‍ટ ફાળવે  છે ?

‘મહેશ પિપરીયા'

મહાનગરપાલિકાના રોશની વિભાગને પ્રશ્ન છે કે શહેરના વિવિધ વિસ્‍તારોમાં જ્‍યાં સ્‍ટ્રીટ લાઈટના નવા પોલ ઊભા કરવાની જરૂરિયાત છે, ત્‍યાં કોર્પોરેટરની ગ્રાન્‍ટ સિવાય મહાનગરપાલિકાના બજેટમાં અન્‍ય કઈ જોગવાઈ કરવામાં આવેલ છે ? મહાનગરપાલિકા વિસ્‍તારમાં વિવિધ વિસ્‍તારોમાં ભૂગર્ભમાંથી નીકળતું પાણી ખુલ્લા હોકળા /વોકળામાં છોડવામાં આવતું હોવાના કારણે પાણી ભરાવા, ગંદકી, મચ્‍છરજન્‍ય રોગચાળો તથા સ્‍થાનિક નાગરિકોને થતી અગવડ જેવી સમસ્‍યાઓ સર્જાય છે. આ સમસ્‍યાના કાયમી ઉકેલ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોઈ સુનિયોજિત કામગીરી અથવા પ્રોજેકટનું આયોજન કરવામાં આવ્‍યું છે કે કેમ ?

જો હા, તો તેની વિગત, અંદાજિત ખર્ચ તથા કામગીરી પૂર્ણ કરવાની સમય મર્યાદા શું છે ? રાજકોટ મહાનગર પાલિકાની હદમાં નવા ભળેલા વિસ્‍તારોમાં નાગરિકોને રોડ, પીવાનું પાણી, ગટર, સ્‍ટ્રીટ લાઈટ, ડ્રેનેજ તથા અન્‍ય પાયાની સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોઈ નિર્ધારિત સમયમર્યાદા (Time Limit) નક્કી કરવામાં આવેલ છે કે કેમ? જો હા, તો દરેક સુવિધા માટેની અલગ-અલગ સમયમર્યાદા તથા તેના અમલીકરણ અંગેની વિગતવાર માહિતી તંત્ર દ્વારા આપવામાં આવે.

તેમજ નવા ભળેલા વિસ્‍તારોમાં છેલ્લા કેટલા વર્ષમાં કેટલા વિસ્‍તારમાં રોડ, પાણી અને સ્‍ટ્રીટ લાઈટની સુવિધા આપવામાં આવી છે અને હાલમાં કેટલા વિસ્‍તારોમાં આ સુવિધાઓ બાકી છે તેની વિસ્‍તારવાર યાદી તંત્ર દ્વારા જનરલ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવે. સહિતના પ્રશ્નો રજુ કરવામાં આવ્‍યા છે.

‘ ડો. રીંકલ મેઘાણી'

આ વર્ષે રાજકોટમાં કુલ કેટલા ટકા વરસાદ પડેલ છે? રાજકોટના લોકોની સુખાકારી માટે પીવાલાયક પાણી માટે કયા કયા ડેમોનો ઉપયોગ કરવામા઼ આવે છે? હાલ તે ડેમમાં કેટલા દિવસનો  જથ્‍થો બાકી રહેલ છે?

હાલ રાજકોટમાં પાણીની સમસ્‍યા દિવસેને દિવસે વધતી જાય છે ત્‍યારે રાજકોટમાં છેલ્લા ૩૦ વર્ષથી આજી, નર્મદા અન ભાદર ડેમ ઉપર જ આધારિત છે. ભૂતકાળમાં જે વસ્‍તી ૩૦ વર્ષ પહેલા હતી તેના કરતા હાલ ૧૦ ગણી થઇ ગઇ છે તો નવા ડેમ અથવા પાણીની નવી વ્‍યવસ્‍થા માટે શું આયોજન કરવામાં આવેલ છે?

વરસાદી વોટર હાવેસ્‍ટિંગ કામગીરી કેટલી સરકારી જગ્‍યામાં આવેલ છે? અને ભવિષ્‍ય માટે તેનું શું આયોજન કરવામાં આવેલ છે?

‘દિપ્‍તીબેન સોલંકી'

રાજકોટમાં પાણી વિતરણનું આયોજન શું છે? રાજકોટમાં આજી  ન્‍યારી ભાદરમાં કેટલા દિવસનું પાણી નર્મદાનીર ન મળે ઓછુ મળે છે અનિયમિત  મળે તો વૈકલ્‍પીક આયોજન શું? કન્‍ટી જન્‍સી પ્‍લાન તૈયાર કર્યો હોય તો નકલ આપશો.

રાજકોટમાં ગત પાંચ વર્ષ ૨૦૨૦થી ૨૧થી ૨૦૨૫-૨૬માં અને ૨૬-૨૭માં સપ્‍ટેમ્‍બરના અંતમાં રસ્‍તાના ડામર રિકોર્પેટ ના તથા રીપેરીંગ નો તમામ દંડ હેઠળ નો કુલ ખર્ચ વર્ષવાર જણાવશો. આટલા ખર્ચ પછી હાલ તમામ માર્ગો ઉબડ-ખાબડ છે.

‘દર્શન પેંગ્‍યાતર'

રાજકોટ મહાનગરમા઼ કુલ કેટલા કતલખાના આવેલ છે? કોરપોરેશન સંચાલીત  કેટલા ૯ અને પ્રાઇવેટ કેટલા છે? આને જો પ્રાઇવેટ કતલખાના હોય તો તેમાં કાયદેસર અને ગેરકાયદેસર કતલખાના  હોય તો તેના પર શું કાર્યવાહી કરવામાં આવે છે? મટન નો જાહેરમાં લટકાવીને વેચાણ શું માન્‍ય છે? જો નથી તો જાહેરમા લટકાવીને વેચાણ કરનાર સામે શું કાર્યવાહી કરવામાં આવે? અને છેલ્લા ૩ મહિનામાં કેટલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી તેની વીગત આપવી?

‘ ઇબ્રાહીમ ભાઇ સોરા'

રાજકોટ મહાનગર પાલિકા પાસે રહેલા જેટીંગ મશીનની સંખ્‍યા તથા તેના વપરાતુ પાણી તે કયા સ્‍થળથી લેવામાં આવે છે. ભારત કે ગુજરાતમાં આવેલી મહાનગરપાકિલાના દુકાન/મકાન અન્‍ય મિલ્‍કતનો વેરો જો ૧ કરોડથી વધુ ચડત હોય તો તેનું પાણીનું કનેકશન કાપી શકાય કે નહી તેની વિગત આપવી.

‘સંજય સાગઠિયા'

મહાનગરપાલિકાના વોર્ડ નં. ૧૮માં જનતાની સુવિધા અને જાહેર સ્‍વચ્‍છતાને ધ્‍યાને લઇ કુલ કેટલા વિસ્‍તારોમાં દરરોજ નિયમિત સફાઇ કરવામાં આવે છ અને કેટલા વિસ્‍તારોમાં સફાઇ થતી નથી? સફાઇ ન થતા વિસ્‍તારોની વિસ્‍તારવાર યાદી તથા તે વિસ્‍તારોને ‘પડતર વિસ્‍તાર' ગણવાના સત્તાવાર કારણો જણાવવામાં આવે વોર્ડના તમામ વિસ્‍તારોમાં નાગરિકોને નિયમિત સફાઇની સુવિધા ઉપલબ્‍ધ થાય તે માટે શું વ્‍યવસ્‍થા કરવામં આવી છે અને સફાઇથી વંચિત વિસ્‍તારોને નિયમિત વ્‍યવસ્‍થામાં કઇ સમયમર્યાદામાં આવરી લેવામાં આવશે? સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્‍યા છે. 

કયા કયા કોર્પોરેટરોના

કેટલા પ્રશ્નો

ક્રમ     સભ્‍યનું નામ    પ્રશ્ન સંખ્‍યા

૧ રક્ષીત કલોલા     ર

ર  રાજુભાઇ અઘેરા        ૩

૩  સુધાબા વાઘેલા    ૧

૪  કૌશીકભાઇ ટાંક    ૩

પ મહેશભાઇ પીપરીયા            ૩

૬  ડો.રીંકલભાઇ મેઘાણી    ૩

૭  દિપ્તીબેન સોલંકી      ૩

૮  દર્શનભાઇ પેંગ્‍યાતર     ૨

૯  ઇબ્રાહીમભાઇ સોરા      ૨

૧૦               સંજયભાઇ સાગઠીયા    ૧

કુલ             ર૩

 

કયા પક્ષના કેટલા પ્રશ્ન

     ભાજપ   કોંગ્રેસ    કુલ

કોર્પોરેટર    ૭     ૩   ૧૦

પ્રશ્નો    ૧૭     ૬      ર૩

(3:36 PM IST)