<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

ભાડે સ્‍કોર્પિયો લઇ રેકી કરી ચોરી કરતાં: બે ઘરમાં હાથફેરો કરનાર પ્‍લમ્‍બર, ઇલેક્‍ટ્રીશીયન ઝડપાયા

૧૫૦ રીંગ રોડ પર રાવલનગરમાં થયેલી ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલ્‍યો : પીઆઇ એ. એસ. ચાવડા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવની રાહબરીમાં પીએસઆઇ ડી. પી. ઝાલાની ટીમની કામગીરીઃ સંજયભાઇ અલગોતર, અમિતભાઇ ટુંડીયા, કિશનભાઇ પાંભર અને મહાવીરસિંહ જાડેજાની બાતમી

રાજકોટ તા. ૧૩: શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ વણઉકેલાયેલી ચોરીઓ શોધી કાઢવા માટે અપાયેલી સુચના અંતર્ગત ક્રાઇમ બ્રાંચે રાવલનગરમાં બે મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી પ્‍લમ્‍બર અને ઇલેક્‍ટ્રીશીયનને પકડી ચોરાઉ મુદ્દામાલ, સ્‍કોર્પિયો સહિત ૧૧.૪૭ લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે. મોજશોખ પુરા કરવા આ બંને ભાડે કાર લઇ બંધ મકાનની રેકી કરી ચોરી કરતાં હતાં. અગાઉ પણ બંને આવા ગુનામાં સંડોવાઇ ચુક્‍યા હતાં.

જાણવા મળ્‍યા મુજબ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ ડી. પી. ઝાલાની ટીમ ચોરીના ગુનાઓ ઉકેલવા પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડ કોન્‍સ્‍ટેબલ સંજયભાઇ અલગોતર, અમિતભાઇ ટુંડીયા, કોન્‍સ્‍ટેબલ કિશનભાઇ પાંભર અને મહાવીરસિંહ જાડેજાને સંયુક્‍ત રીતે બાતમી મળી હતી કે  રાવલનગરમાં બંધ મકાનમાં થયેલી ચોરીમાં સામેલ શખ્‍સો  જામનગર રોડ પર બી.એ. ડાંગર કોલેજ પાછળ આવેલ ૨૫ વારીયા ક્‍વાર્ટરમાં રહે છે. તેના આધારે આ વિસ્‍તારમાંથી ઋત્‍વીક ભરતભાઇ ઉર્ફે શક્‍તિભાઇ દુધૈયા (ઉ.વ.૨૬-રહે. ૨૫ વારીયા શેરી નં. ૨ બ્‍લોક નં. ૪૯૮) તથા  રત્‍નદીપસિંહ ભરતસિંહ પરમાર (ઉ.વ. ૨૩, રહે. ૨૫ વારીયા,  શેરી નં. ૦૨, બ્‍લોક નં. ૫૯૨)ને પકડી લીધા હતાં.

આ બંને પાસેથી  સોના-ચાંદીના દાગીનાઃ માલાબાર કંપનીની સોનાની ૧૬ લગડી વજન ૨.૪૦૦ ગ્રામ, ૧૮ કેરેટની સોનાની બુટી વજન ૨.૧૭૦ ગ્રામ, ૨ જોડી ચાંદીના સાંકળા, ૨ નંગ ચાંદીની માછલી, જુના ચાંદીના સિક્કા અને એક ચાંદીની નોટ તેમજ રોકડ રૂા. ૫૦ હજાર રૂપિયા ૫૦૦ની નોટો, તેમજ  રૂ. ૧૦૦, ૨૦, ૧૦, ૫, ૨ અને ૧ના દરની ચલણી નોટો તેમજ ૫૦ પૈસા, ૨૫ પૈસા, ૨૦ પૈસા અને ૧૦ પૈસાના સેંકડો સિક્કાઓ કબ્‍જે કર્યા છે. તેમજ સેમસંગ કંપનીનું ૫૫ ઇંચનું સ્‍માર્ટ ટીવી રૂા. ૩૦ હજારનું અને ચોરીમાં ઉપયોગમાં લીધેલી સ્‍કોર્પિયો ૧૦ લાખની કબ્‍જે કરી છે.

પોલીસના કહેવા મુજબ ઋત્‍વીક અને રત્‍નદિપસિંહ બંને અગાઉ પણ ગાંધીગ્રામમાં ચોરીના ગુનામાં પકડાયા હતાં. ઋત્‍વીક પ્‍લમ્‍બર તરીકે અને રત્‍નદિપસિંહ ઇલેક્‍ટ્રીશીયન તરીકે છુટક મજૂરી કરે છે. મોજશોખ પુરા કરવા સેલ્‍ફમાં ભાડે કાર રાખી બંધ મકાનની રેકી કરી ચોરી કરવાની આદત ધરાવે છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય મંડલિક, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એ. એસ. ચાવડા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ, પીએસઆઇ ડી.પી. ઝાલા તથા એએસઆઇ યશવંતભાઇ ભગત, સમીરભાઇ શેખ, હેડ કોન્‍સ્‍ટેબલ કરણભાઇ કોઠીવાળ, સંજયભાઇ અલગોતર, અમિતભાઇ ટુંડીયા, હરસુખભાઇ સબાડ, કોન્‍સ્‍ટેબલ અરવિંદભાઇ ફતેપરા, મહાવીરસિંહ જાડેજા, કિશનભાઇ પાંભર, જીલુભાઇ ગરચર, પોપટભાઇ ગમારાએ આ કામગીરી કરી હતી. 

(4:02 PM IST)