News of Saturday, 18th April 2026
બોમ્બે હાઉસીંગ સોસાયટીમાં વિશ્વરાજસિંહ રાણાના બંધ મકાનમાંથી ૮.૩૨ લાખની ચોરી
અમદાવાદમાં પરિવાર સાથે રહી ગાંધીનગર ગિફટ સીટીમાં નોકરી કરતાં યુવાન પખવાડીએ રાજકોટના ઘરે આટો મારે છેઃ પરમ દિવસે આવ્યા ત્યારે તાળા તૂટેલા મળ્યાઃ તસ્કરો ૭.૧૨ લાખના ચાંદીના દાગીના, રોકડા ૬૦ હજાર, ચશ્મા, કેમેરો, ઘડીયાળો ચોરી ગયાઃ યુનિવર્સિટી પોલીસ, એલસીબી ઝોન-૨ ટીમોની ભેદ ઉકેલવા મહેનત

રાજકોટ તા. ૧૮: શહેરમાં વધુ એક બંધ મકાનને તસ્કરો નિશાન બનાવી લાખોની માલમત્તા ઉસેડી ગયા છે. મુળ રાજકોટના અને હાલ અમદાવાદ રહી ગાંધીનગર ગીફટ સીટીમાં નોકરી કરતાં યુવાનનું રાજકોટ યુનિવર્સિટી રોડ બોમ્બે હાઉસીંગ સોસાયટીનું મકાન બંધ રહેતું હોઇ તેના તાળા તોડી તસ્કરો ૭ લાખથી વધુના ચાંદીના દાગીના, સોનાના દાગીના, રોકડા તેમજ ચશ્મા, ઘડીયાળો સહિત મળી ૮.૩૨ લાખની માલમત્તા ચોરી ગયા છે. આ બારામાં યુનિવર્સિટી પોલીસે આ બનાવમાં બોમ્બે હાઉસીંગ સોસાયટી નવદુર્ગા હોલની પાસે જી. કે. ધોળકીયા સ્કૂલની સામે શેરી નં. ૧/૫૫ના ખુણે રહેતાં મુળ અમદાવાદ આરાધના સોસાયટી બોપલના વિશ્વરાજસિંહ યોગેન્દ્રસિંહ રાણા (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વિશ્વરાજસિંહ રાણા પવિરાર સાથે રહે છે. રાજકોટ ખાતે તેમનું જુનુ મકાન હોઇ ત્યાં પંદરેક દિવસે અમદાવાદથી આટો મારવા આવે છે. હાલ તેઓ ગાંધીનગરમાં ગીફટ સીટી ખાતે ટાવર-૧માં જોબ કરે છે. પત્નિ, માતા તેમની સાથે રહે છે. પિતા હયાત નથી. વિશ્વરાજસિંહે જણાવ્યું હતું કે તા. ૨૧/૩/૨૬ના રોજ હું રાજકોટ ખાતેના ઘરે મારા માતા જ્યોત્સનાબા સાથે અમદાવાદથી આવ્યો હતો. ૨૨મીએ નોકરી ચાલુ હોઇ હું ફરીથી ગાંધીનગર જવા નીકળ્યો હતો. મારા માતા પણ મારી સાથે હતાં. અમે ત્યારે ઘરના દરવાજાઓને તાળા લગાવ્યા હતાં. એ દિવસે સાંજે ચારેક વાગ્યે અમે રાજકોટથી નીકળ્યા હતાં. ત્યારથી મારુ આ ઘર બંધ હતું.
દરમિયાન ૧૬મીએ ગુરૂવારે ફરીથી હું રાજકોટ મારા ઘરે આવ્યો ત્યારે રાતે નવેક વાગ્યા હતાં. ડેલીએ તાળુ લગાવેલુ હતું તે મેં ચાવીથી ખોલ્યું હતું અને અંદર જતાં મેઇન દરવાજા પાસે બે ડોર હોઇ તેમાંથી પ્રથમ સેફટી ડોરનો પરદો હટાવતાં તેનું તાળુ જોવા મળ્યું નહોતું અને નકુચો તૂટેલી હાલતમાં હતો. સેફટી દરવાજો બહારની તરફ ખુલતો હોઇ જે ખોલીને બીજો મેઇન દરવાજો જોતાં તેનો આંકડીયો પણ તૂટેલો દેખાયો હતો અને લોક પણ તૂટેલુ હતું. એ પછી ઘરમાં જઇ તપાસ કરતાં કબાટના ખાનાઓ ખુલ્લા અને બધો સામાન વેરવિખેર જોવા મળ્યો હતો.
વધુ તપાસ કરતાં એક કબાટમાં રાખેલી ચાંદીની ટ્રે જે એક કિલો વજનની હતી તે ગાયબ હતી. બીજા માળે જોતાં મંદિર અને પૂજારૂમનો કબાટ ખુલ્લો જોવા મળ્યો હતો. તેમાં પણ બધુ વેરવિખેર હતું. એક રૂમનું તાળુ મારેલુ હતુ તે પણ તોડી નખાયુ હતું. માતાના લોખંડના કબાટને પણ તોડી નખાયો હતો. તેના બે લોકર પણ તૂટેલા હતાં. જેમાં ચેક કરતાં ચાંદીનો ગરબો દોઢ કીલો વજનનો, ચાંદીનો કળશ આઠસો ગ્રામ વજનનો, ચાંદીની મુઠ અને ચાંદીની મ્યાન ધરાવતી તલવાર આશરે બે કિલો વજનની અને ચાંદીનું મ્યાન ચાંદીની મુઠ ધરાવતી એક કટાર આશરે ૮૦૦ ગ્રામની ગાયબ હતાં.
આ ઉપરાંત તસ્કરો ચાંદીના ૩૦૦ ગ્રામ વજનના ૬ ગ્લાસ, રાણી છાપ ચાંદીના ૨૦ નંગ સિક્કાક આશરે ૧૦૦ ગ્રામના, ચાંદીના દિવા ૪ નંગ આશરે ૨૦૦ ગ્રામના, ચાંદીની સોપારી ૪ નંગ આશરે ૨૦૦ ગ્રામ, ચાંદીની નોટ ૪ નંગ આશરે ૧૦ ગ્રામની, ચાંદીની કંકાવટી ૧૫૦ ગ્રામની, ચાંદીની રાધાકૃષ્ણની મુર્તિ આશરે ૫૦ ગ્રામ વજનની તેમજ ચાંદીનો સિક્કો, સોનાની બુટી બે નંગ આશરે પાંચ ગ્રામની, એક સોની કંપનીનો કેમેરો ૮ હજારનો, બે કાંડા ઘડીયાળ રૂા. ૧૦ હજારની, રેબેનના ચશ્મા ૪ નંગ રૂા. ૧૦ હજારના, તાંબાની ગોળી રૂા. ૨ હજારની, રોકડા રૂા. ૬૦ હજાર ગાયબ હતાં. તસ્કરો રૂા. ૭,૧૨,૦૦૦ના ૭૧૨૦ ગ્રામ ચાંદીના દાગીના, સોનાના ૩૦ હજારના દાગીના, ઘડીયાળ, ચશ્મા, તાંબાની ગોળી મળી કુલ રૂા. ૮,૩૨,૦૦૦ની માલમત્તા ચોરી ગયા હતાં. તેમ વધુમાં વિશ્વરાજસિંહે જણાવતાં પીઆઇ સી. એન. દવેની રાહબરીમાં એએસઆઇ મુકેશભાઇ ચરમટાએ ગુનો નોંધતા ડી. સ્ટાફની ટીમે તપાસ શરૂ કરી છે. ડીસીપી રાકેશ દેસાઇની સુચના અંતર્ગત એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમે પણ ભેદ ઉકેલવા મહેનત શરૂ કરી છે.
(2:41 PM IST)










