<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

અષાઢીબીજે સંતશ્રી વેલનાથ જયંતિ : ભવ્‍ય શોભાયાત્રા

પ્રમુખ પદે પ્રથમ વખત મહિલાને બનાવાયા, અરૂણાબેન મગવાનીયાની વરણી : વેલનાથ દાદા, સંતો મહંતોના ફલોટ સાથે પર્યાવરણ, વ્‍યસનમુકિતનો સંદેશો પ્રસરાવાશે : બહુમાળી ભવન ચોક ખાતેથી શોભા યાત્રાનો પ્રારંભ થશે, સંતશ્રી વેલનાથ કોમ્‍યુનીટી હોલ ખાતે સમાપન : મહાપ્રસાદનું પણ આયોજન

રાજકોટ : શ્રી ચુંવાળીયા કોળી જ્ઞાતિ મંડળ ટ્રસ્‍ટ પ્રેરિત સંતશ્રી વેલનાથ જયંતિ ઉત્‍સવ સમિતિ દ્વારા આયોજીત આગામી તા. ૧૬ ગુરૂવારે બહુમાળી ભવન ચોકથી સવારે ૯ કલાકે સંતશ્રી વેલનાથ બાપુની ર૮મી ભવ્‍ય શોભાયાત્રાનું પ્રસ્‍થાન થશે. વિવિધ ધર્મસ્‍થાનના સંતો, મહંતો હસ્‍તે શોભાયાત્રાનું પ્રસ્‍થાન કરવામાં આવશે.

શોભાયાત્રામાં સૌરાષ્‍ટ્ર-ગુજરાતના ઠાકોર અને કોળી સમાજના ચૂંટાયેલા સંસદ સભ્‍ય, ધારાસભ્‍યો, ગુજરાત સરકારના મંત્રીઓ તેમજ વિવિધ રાજકીય મહાનુભાવો, સામાજીક આગેવાનો  સહિતના આગેવાનો જોડાશે. આ શોભાયાત્રાને સફળ બનાવવા ચુંવાળીયા કોળી વિદ્યાર્થી બોર્ડીંગ, જય વેલનાથ સમૂહલગ્ન સમિતિ, જય વેલનાથ મહિલા મંડળ, જય વેલનાથ યુવક મંડળ, સમાજના સરપંચ, તાલુકા-જીલ્લા પંચાયતના સભ્‍ય તથા સમસ્‍ત કોળી સમાજના તમામ શહેર/જીલ્લાના મંડળો જોડાશે. શોભાયાત્રાના રૂટ ઉપર ઠેર ઠેર સ્‍વાગત, સરબત, છાશ, તેમજ પ્રસાદીનું વિતરણ સેવાભાવી સંસ્‍થાઓ દ્વારા કરવામાં આવશે. શોભાયાત્રાને સફળ બનાવવા ઉત્‍સવ સમિતિના પ્રમુખ અરૂણાબેન મગવાનીયા, મહામંત્રી ચેતનભાઇ મારસુણીયા, ખજાનચી કુંવરજીભાઇ ભખોડીયા તેમજ સંત વેલનાથ જયંતિ રાજકોટના પૂર્વ પ્રમુખશ્રીઓ, મુખ્‍ય આયોજક ભરતભાઇ ડાભી, દેવભાઇ કોરડીયા, દેવાંગભાઇ કુકાવા, દિપકભાઇ  બાબરીયા તેમજ ઉપપ્રમુખો, સંગઠનના મંત્રી, સહમંત્રી, સહ ખજાનચી, કારોબારી સભ્‍યો સહિત તમામ આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.

શોભાયાત્રાનો રૂટ આ મુજબ છે. બહુમાળી ભવન ચોક, હોસ્‍પિટલ ચોક, પારેવડી ચોક, ડીલક્ષ ચોક, કુવાડવા રોડ, ચામુંડા સોસાયટી ચોક, ક્રાંતિ માનવ સેવા માર્ગ, જુનો મોરબી રોડ, સંતશ્રી વેલનાથ કોમ્‍યુનીટી હોલ ખાતે પ્રસાદ લઇ સમાપન કરવામાં આવશે. તમામ ધર્મપ્રેમી જનતા અને કોળી સમાજને જોડાવા સંતશ્રી વેલનાથ જયંતિ ઉત્‍સવ સમિતિની અખબાર યાદીમાં જણાવે છે.

તસ્‍વીરમાં અકિલાના એકઝીકયુટીવ એડીટર અને અકિલાના વેબ એડીશનના એડીટર શ્રી નિમીષભાઇ ગણાત્રાને વેલનાથ જયંતિ નિમીતે આયોજીત શોભાયાત્રાનું આમંત્રણ આપતા સંતશ્રી વેલનાથ જયંતિ ઉત્‍સવ સમિતિના પ્રમુખ : અરૂણાબેન મગવાનીયા, મહામંત્રી ચેતનભાઇ મારસુણીયા, ખજાનચી કુંવરજીભાઇ ભખોડીયા, દેવાંગભાઇ કુંકાવા, કમલેશભાઇ સાધરિયા, કાળુભાઇ વાવેચા, સતીષભાઇ અઘોલા, નેમીશભાઇ મગવાનીયા નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(2:39 PM IST)