News of Thursday, 17th September 2026
લક્ષ્મીવાડીમાં થયેલી ચીલઝડપ નામીચા લખને વિશાલ સાથે મળીને કરી'તીઃ ભક્તિનગર પોલીસે દબોચ્યા
ભક્તિનગર પીઆઇ જે. ડી. પરમારની રાહબરીમાં પીએસઆઇ એસ. એચ. ગોહિલ અને ટીમે ચોરાઉ ચેઇન ખરીદનાર વેપારી રમેશ પાટડીયાની પણ ધરપકડ કરીઃ મયુરભાઇ, રવિભાઇ, યોગીરાજસિંહ, પ્રકાશભાઇની બાતમીથી કાર્યવાહી

રાજકોટ તા. ૧૭: લક્ષ્મીવાડી મેઇન રોડ પર મહિલાના ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપ કરવામાં આવી હતી. આ ગુનાનો ભેદ ભક્તિનગર પોલીસે ઉકેલી ત્રણ શખ્સોને પકડી લઇ રૂા. ૭૪૮૦૦નો સોનાનો ઢાળીયો, ૫૦ હજારનું ટુવ્હીલર કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
લક્ષ્મીવાડીમાં રહેતાં મહિલા ગત તા. ૭/૯ના રોજ ત્રણ વર્ષના દિકરા સાથે રાતે સાડા દસેક વાગ્યે ચાલીને ઘર નજીક જતાં હતાં ત્યારે ડબલસવારીમાં આવેલા બે શખ્સ ચેઇન ખેંચી ભાગી ગયા હતાં. આ ગુનો હેડકોન્સ. મયુરદાન બાટી, કોન્સ. રવીભાઇ રત્નુ, યોગીરાજસિંહ જાડેજા અને પ્રકાશભાઇ મકવાણાની બાતમી પરથી ઉકેલાયો છે. પોલીસે લખન બચુભાઇ માલાણી (ઉ.વ.૩૩-રહે. ચુનરાવાડ-૧/૧૪), વિશાલ કીશનભાઇ સોલંકી (ઉ.વ.૩૦-રહે. ચુનારાવાડ-૧)ને પકડી લઇ તેની પાસેથી ચોરાઉ ચેઇન સસ્તામાં ખરીદનારા વેપારી રમેશ વીરચંદભાઇ પાટડીયા (ઉ.વ.૬૫-રહે. પલંગ ચોક)ને પણ પકડી લઇ કુલ રૂા. ૧,૨૪,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ગુનો ડીટેક્ટ કરવા ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે જીલ્લા ગાર્ડન બગીચા અંદર વોંકળાની દિવાલ પાસે બે શંકાસ્પદ શખ્સ ઉભા છે. જેમાંથી એક ચુનારાવાડનો અગાઉ ચોરીઓમાં પકડાયેલો લખન છે.
આ બંનેએ ચીલઝડપ કરી છે. તેના આધારે બંનેને પકડી લીધા હતાં. ડીસીપી હેતલ પટેલ, એસીપી બી. વી. જાધવની સુચના અંતર્ગત પીઆઇ જે. ડી. પરમારની રાહબરીમાં પીએસઆઇ એસ. એચ. ગોહિલ, એએઅસાઇ કુલદીપસિંહ ચુડાસમા, હેડકોન્સ. મયુરદાન બાટી, હરવિજયસિંહ ગોહિલ, કેતનભાઇ બોરીચા, રમેશભાઇ માલકીયા, કોન્સ. પ્રભાતભાઇ મૈયડ, પ્રકાશભાઇ મકવાણા, રવિભાઇ રત્નુ, યુવરાજસિંહ જાદવ, યોગીરાજસિંહ જાડેજા, નરસંગભાઇ ગઢવીએ આ કામગીરી કરી હતી. પોલીસના કહેવા મુજબ સુત્રધાર લખન અગાઉ અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હતો. તેની પાસેથી સોની વેપારીએ ચીલઝડપ કરેલો ચેઇન ખરીદી ઓગાળી નાંખ્યો હોઇ પોલીસે ઢાળીયો કબ્જે કર્યો હતો.
(3:48 PM IST)










