<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th September 2026

૫ સપ્ટેમ્બર: શિક્ષક દિન વિશેષ ​ભારતીય સંસ્કૃતિના વાહક અને મહાન વિચારક ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન

નાતજાતના ભેદભાવ ભૂલાવી સમાજ સુધારનાર શિક્ષાવિદ ​જ્ઞાતિવાર રસોડા બંધ કરાવી ‘સામાન્ય રસોડા’ શરૂ કરનાર દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને દ્વિતીય રાષ્ટ્રપતિના જીવન-દર્શન પર એક નજર

 


​

દર વર્ષે ૫ સપ્ટેમ્બરે દેશભરમાં જેમના જન્મદિનને ‘શિક્ષક દિન’ તરીકે ઉજવવામાં આવે છે, તેવા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન માત્ર એક મહાન રાજનીતિજ્ઞ જ નહીં પરંતુ ભારતીય દર્શનશાસ્ત્ર અને સંસ્કૃતિના અનન્ય સંવાહક હતા. ૫ સપ્ટેમ્બર ૧૮૮૮ના રોજ તમિલનાડુના તિરૂત્તની ખાતે જન્મેલા ડૉ. રાધાકૃષ્ણન ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને દ્વિતીય રાષ્ટ્રપતિ તરીકે દેશને નેતૃત્વ પૂરું પાડ્યું હતું.
​ઓક્સફોર્ડમાં પ્રાધ્યાપકથી લઈને આંધ્ર યુનિવર્સિટીના કુલપતિ સુધીની સફર
વિશ્વપ્રસિદ્ધ ઓક્સફોર્ડ વિશ્વવિદ્યાલયમાં દર્શનશાસ્ત્રના પ્રાધ્યાપક રહી ચૂકેલા ડૉ. રાધાકૃષ્ણન પ્રખ્યાત શિક્ષાવિદ અને આસ્થાવાન હિંદુ વિચારક હતા. તેઓશ્રીએ સ્વામી વિવેકાનંદજીના જીવન અને વિચારોનું ખૂબ ઊંડું અધ્યયન કર્યું હતું. વર્ષ ૧૯૩૧માં જ્યારે તેઓ આંધ્ર યુનિવર્સિટીના કુલપતિ બન્યા, ત્યારે તેમણે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી સુધારા કર્યા હતા. વિદ્યાર્થીઓ માટે છાત્રાવાસોનું નિર્માણ કરાવવા સાથે તે જમાનામાં ચાલતા જ્ઞાતિવાર રસોડાની પ્રથા બંધ કરાવીને ‘સૌ માટે સામાન્ય રસોડા’ શરૂ કરાવ્યા હતા. સમાજમાંથી નાતજાતના ભેદભાવ ભૂંસવાની આ તેમની અનોખી પહલ હતી.
​હિંદુત્વ અંગેનો વૈજ્ઞાનિક અને આધુનિક દ્રષ્ટિકોણ
ભારત રત્નથી સન્માનિત ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને હિંદુત્વ અને ભારતીય સંસ્કૃતિને વૈજ્ઞાનિક સંદર્ભમાં રજૂ કરતા કહ્યું હતું કે:
​"હિંદુત્વ એક પ્રવાહ છે, કોઈ સ્થિર સ્થિતિ નથી. આ એક સતત ચાલતી પ્રક્રિયા છે, અંતિમ પરિણામ નથી. આ એક જીવંત પરંપરા છે, કોઈ સ્થિર પ્રગટીકરણ નથી."
​તેમના આ જ ઉચ્ચ વિચારો, શિક્ષણ ક્ષેત્રે આપેલું અપ્રતિમ યોગદાન અને રાષ્ટ્ર પ્રત્યેની સમર્પણ ભક્તિને કારણે જ તેમના જન્મદિવસને સમગ્ર દેશ આદરપૂર્વક ‘શિક્ષક દિન’ તરીકે ઉજવે છે.

(11:54 AM IST)