<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

નાગરિકોની સુરક્ષા સામે ગંભીર સવાલો: રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઇટ અને સિટી બસ વ્યવસ્થાનું સ્વતંત્ર સુરક્ષા ઓડિટ કરાવવા ડો. નીદત્ત બારોટની માંગ

જીવલેણ અકસ્માતો અંગે મહાનગરપાલિકા શ્વેતપત્ર જાહેર કરે : જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને મૃતકોના પરિવારોને યોગ્ય વળતર આપવા કોંગ્રેસના અગ્રણીની માગણી

રાજકોટ તા. ૨૪ : રાજકોટ શહેરમાં નાગરિકોની સુરક્ષા અંગે એક પછી એક ગંભીર ઘટનાઓ સામે આવી રહી છે. કરોડો રૂપિયાના વિકાસકાર્યો વચ્ચે રસ્તાઓ, ગટર વ્યવસ્થા, પીવાનું પાણી, સ્ટ્રીટ લાઇટ અને જાહેર પરિવહનની સુરક્ષા અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના વિચાર વિભાગના અધ્યક્ષ ડો. નીદત્ત બારોટે ( મો. ૯૮૯૮૫ ૩૦૦૦૭ ) આ અંગે ચિંતા વ્યક્ત કરી મહાનગરપાલિકાના તંત્ર અને ચૂંટાયેલા ધારાસભ્યો સમક્ષ અનેક સવાલો ઉઠાવ્યા છે.

ડો. બારોટે જણાવ્યું છે કે ઘંટેશ્વર વિસ્તારમાં ગટરની ચાર ફૂટ ઊંચી કુંડી સાથે બાઇક અથડાતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલાં ૨૯ વર્ષીય મિતાલીબેન કેસરિયાનું અવસાન થયું છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર સ્ટ્રીટ લાઇટ અને ગટરની કુંડી પાસે સુરક્ષાત્મક વ્યવસ્થાનો અભાવ અકસ્માત માટે જવાબદાર હતો. આ દુઃખદ ઘટનામાં નવ મહિનાના બાળકે માતાની છત્રછાયા ગુમાવી છે.

 

મહાનગરપાલિકાના અધિકારીએ ગટરની કુંડી રસ્તાની બાજુમાં હોવાનું જણાવ્યું છે. જોકે, આવી ઊંચી કુંડીની આસપાસ સુરક્ષાત્મક આડશ, ચેતવણી દર્શાવતાં બોર્ડ અને પૂરતી પ્રકાશ વ્યવસ્થા કરવાની જવાબદારી કોની છે તેવો સવાલ ડો. બારોટે ઉઠાવ્યો છે.

 

તેમણે અગાઉના અકસ્માતોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે નવેમ્બર ૨૦૨૫માં સોલવન્ટ રેલવે ક્રોસિંગ નજીક સિટી બસની અડફેટે આવેલા ૬૫ વર્ષીય ભરતભાઈ અંબાસણાનું સારવાર દરમિયાન અવસાન થયું હતું. ફેબ્રુઆરી ૨૦૨૬માં રાજકોટની બી.આર.ટી.એસ. બસનો ચાલક નશાની હાલતમાં બસ ચલાવતો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. સદનસીબે આ અકસ્માતમાં જાનહાનિ થઈ નહોતી.

 

આ ઉપરાંત ૧૬ એપ્રિલ, ૨૦૨૫ના રોજ ઇન્દિરા સર્કલ ખાતે સિટી બસના અકસ્માતમાં ચાર નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા. ડો. બારોટના જણાવ્યા અનુસાર તપાસમાં બસચાલકના ડ્રાઇવિંગ લાઇસન્સની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવાનું બહાર આવ્યું હતું.

 

આ તમામ ઘટનાઓ બાદ મહાનગરપાલિકાએ જાહેર સુરક્ષા માટે કયાં સુધારાત્મક પગલાં લીધાં છે અને જવાબદાર અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરો સામે શું કાર્યવાહી કરી છે તેની વિગતો જાણવાનો નાગરિકોને અધિકાર હોવાનું ડો. બારોટે જણાવ્યું છે.

 

છેલ્લા એક વર્ષમાં મહાનગરપાલિકા હસ્તકની સેવાઓ અને જાહેર માળખાકીય સુવિધાઓ સાથે સંકળાયેલા અકસ્માતોમાં કેટલા નાગરિકોએ જીવ ગુમાવ્યા છે? કેટલા અધિકારીઓ, ઇજનેરો અને કોન્ટ્રાક્ટરો સામે ફોજદારી ફરિયાદ કે ખાતાકીય કાર્યવાહી કરવામાં આવી છે? રસ્તાના ખોદકામ, ખુલ્લી ગટરો, ઊંચી કુંડીઓ અને અધૂરાં બાંધકામો પાસે સુરક્ષાત્મક વ્યવસ્થાનું નિરીક્ષણ કોણ કરે છે? તે અંગે પણ તેમણે જવાબ માંગ્યો છે.

 

સિટી બસ અને બી.આર.ટી.એસ. બસના ચાલકોનાં ડ્રાઇવિંગ લાઇસન્સ, આરોગ્ય અને નશા અંગે નિયમિત તપાસ થાય છે કે કેમ તથા શહેરના તમામ પુલ, અંડરબ્રિજ અને ઓવરબ્રિજનું સ્ટ્રક્ચરલ અને સેફ્ટી ઓડિટ છેલ્લે ક્યારે કરવામાં આવ્યું હતું તેની વિગતો જાહેર કરવા પણ તેમણે માંગ કરી છે.

 

રાજકોટના ધારાસભ્યોએ નાગરિકોની સુરક્ષા અને અકસ્માતો અંગે રાજ્ય સરકાર સમક્ષ કેટલી રજૂઆતો કરી છે? મહાનગરપાલિકાના કમિશનર અને પોલીસ કમિશનર સાથે આવી ઘટનાઓ અંગે ક્યારે બેઠક યોજી છે? અકસ્માતનો ભોગ બનેલા પરિવારોને વળતર આપવા મહાનગરપાલિકાની કોઈ કાયમી નીતિ છે કે કેમ? તેવા સવાલો પણ ડો. બારોટે ઉઠાવ્યા છે.

 

રાજકોટ મહાનગરપાલિકા છેલ્લા એક વર્ષમાં બનેલા આવા તમામ જીવલેણ અકસ્માતો અંગે શ્વેતપત્ર જાહેર કરે, રસ્તાઓ, પુલ, ગટર વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટ અને જાહેર પરિવહનનું સ્વતંત્ર સુરક્ષા ઓડિટ કરાવે તથા જે કિસ્સામાં અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરોની બેદરકારી પુરવાર થાય તેમની સામે કાયદેસરની ફોજદારી અને ખાતાકીય કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે.

 

મૃતકોના પરિવારોને યોગ્ય આર્થિક વળતર આપવા એકસમાન નીતિ ઘડવામાં આવે તેમજ ચૂંટાયેલા ધારાસભ્યો અને મહાનગરપાલિકાના પદાધિકારીઓ જાહેર સુરક્ષા અંગે કરેલી કામગીરીનો હિસાબ નાગરિકો સમક્ષ રજૂ કરે તેવી પણ માંગ કરવામાં આવી છે.

 

વિકાસનું મૂલ્યાંકન માત્ર કરોડો રૂપિયાના ખર્ચ, નવા રસ્તાઓ અને પુલોના લોકાર્પણથી થવું જોઈએ નહીં. શહેરના નાગરિકો પોતાના ઘરેથી નીકળીને સુરક્ષિત રીતે ઘરે પરત ફરી શકે તે પણ વિકાસનું મૂળભૂત માપદંડ છે. નાગરિકોના જીવની સુરક્ષા મહાનગરપાલિકાની પ્રાથમિક જવાબદારી છે અને દરેક જીવલેણ અકસ્માતની નિષ્પક્ષ તપાસ સાથે જવાબદારીનું નિર્ધારણ થવું જોઈએ તેમ અંતમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના વિચાર વિભાગના પ્રેસિડેન્ટ ડો. નીદત્ત બારોટે જણાવ્યું છે.

(1:55 PM IST)