News of Monday, 22nd June 2026
દિકરી સાથે દુધ લેવા નીકળેલા શીતલબેનનું મવડી ચોકડીએ હૃદય બેસી જવાથી મૃત્યુ
શ્રોફ રોડના ફલેટમાં વિનોદરાયા જાગાણી અને જંકશન પ્લોટમાં તુલસીદાસ આઇલાણીના પણ હાર્ટએટેકથી મૃત્યુઃ પરિવારોમાં શોક

રાજકોટ તા. ૨૨: હૃદય રોગના હુમલાને કારણે મૃત્યુના ત્રણ બનાવો બન્યા છે. મવડી ચોકડી પાસે રહેતાં ૪૦ વર્ષના મહિલા દિકરી સાથે દુધ લેવા નીકળ્યા ત્યારે મવડી ચોકડીએ જ હૃદય બેસી જતાં મોત થયું હતું. જ્યારે શ્રોફ રોડ પર સુરજ એપાર્ટમેન્ટમાં રહેતાં વૃધ્ધનું ઘરે હૃદય બેસી જતાં મૃત્યુ થયું હતું. ત્રીજા બનાવમાં જંકશન પ્લોટના વૃધ્ધનું પણ આવા કારણોસર મૃત્યુ થયું હતું.
જાણવા મળ્યા મુજબ મવડી ચોકડી પાસે જીથરીયા હનુમાનજીના મંદિર નજીક મુકેશભાઇ આહિરના મકાનમાં ભાડેથી રહેતાં શીતલબેન હરિઓમ શર્મા (ઉ.વ.૪૦) સાંજે સાડા આઠેક વાગ્યે ઘરેથી ૧૬ વર્ષની દિકરીને સાથે લઇ મવડી ચોકડીએ દુધ લેવા ગયા ત્યારે અચાનક બેભાન થઇ ઢળી પડતાં ટ્રાફિક પોલીસનો સ્ટાફ હાજર હોઇ તુરત જ તેણીને સિવિલ હોસ્પિટલે ખસેડવા તજવીજ કરી હતી.
બનાવની જાણ થતાં મકાન માલિક મુકેશભાઇ પણ હોસ્પિટલે પહોંચ્યા હતાં. જો કે સારવાર દરમિયાન શીતલબેને મોડી રાતે દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં માલવીયાનગર પીએસઆઇ ડી. બી. ગાધેએ કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનારના પતિ હયાત નથી. પોતે છુટક કામ કરી દિકરીનું અને પોતાનું ગુજરાન ચલાવતાં હતાં. હાર્ટએટેક આવી ગયાનું ખુલ્યું હતું. મૃતકના યુપી રહેતાં સગાને પોલીસે જાણ કરી હતી.
બીજા બનાવમાં શ્રોફ રોડ પર સુરજ એપાર્ટમેન્ટ-૧માં ફલેટ નં. ૬૧માં રહેતાં વિનોદરાય ગોપાલદાસ જાગાણી (ઉ.વ.૭૧) ગઇકાલે સવારે ઘરે બેભાન થઇ પડી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર વિનોદરાય ત્રણ બહેનના એકના એક મોટા ભાઇ હતાં અને નિવૃત જીવન જીવતાં હતાં. એક દિકરાનું અગાઉ અવસાન થયું હોઇ પોતે એકલા રહેતાં હતાં. હાર્ટએટેક આવી ગયાનું સગાએ જણાવ્યું હતું.
ત્રીજા બનાવમાં જંકશન પ્લોટ-૧૫ વિનય પાર્કમાં રહેતાં તુલસીદાસ રેવાચંદ આઇલાણી (ઉ.વ.૬૨) ઘરે હતાં ત્યારે શ્વાસ લેવામાં તકલીફ થતાં અને એકાએક બેભાન થઇ જતાં ૧૦૮ બોલાવાઇ હતી. પરંતુ તબિબે તેમને નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્યુ પામનાર ભુતખાના ચોકમાં મશીનરી પાર્ટસનો વેપાર કરતાં હતાં. છ ભાઇ અને બે બહેનમાં ચોથા હતાં. સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. પ્ર.નગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
ચોથા બનાવમાં આજીડેમ ચોકડી માંડા ડુંગર નજીક માધવ વાટીકા-૫માં રહેતાં રામશ્રય હરિનાથ રામ (ઉ.વ.૫૨) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર કારખાનામાં મજુરી કરતાં હતાં. તેમને સંતાનમાં ત્રણ દિકરા છે. કેન્સરની બિમારી હોવાનું સગાએ જણાવ્યું હતું.
(2:45 PM IST)










