News of Tuesday, 6th October 2026
સરકારી હોસ્પિટલમાં દર્દીઓ સાજા થવાના બદલે વધુ બિમાર પડે તેવી સ્થિતીઃ કોંગ્રેસે તંત્રનો કાન આમળ્યો
દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓના આરોગ્ય અને સલામતિને અસરકર્તા મુદે ગંભીર ક્ષતીઓ તાત્કાલીક નિવારોઃ ડો.હેમાંગ વસાવડા, ગાયત્રીબા વાઘેલા, અતુલ રાજાણી

સરકારી હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓના મુદે પ્રવર્તતી ગંભીર ક્ષતીઓ તાત્કાલીક નિવારવા કોંગ્રેસ દ્વારા મુદાસરની રજુઆત કરવામાં આવી હતી. (ફોટોઃ સંદિપ બગથરીયા)(૨.૧૨)
રાજકોટ તા.૬: રાજકોટની પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ આવે છે. પરંતુ હોસ્પિટલમાં દર્દીઓની જીવન જરૂરિયાત સાથે સંકળાયેલી કેટલીક મૂળભૂત સુવિધાઓમાં ગંભીર બેદરકારી જોવા મળી રહી હોવાના કારણે દર્દીઓ તથા તેમના પરિવારજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સક્ષમ વિપક્ષ તરીકે શહેર કોંગ્રેસના સિનિયર આગેવાન ડો.હેમાંગભાઇ વસાવડા, શ્રીમતિ ગાયત્રીબા વાઘેલા, અતુલ રાજાણી, જસવંતસિંહ ભટ્ટી, અશોકસિંહ વાઘેલા અને ડી.પી. મકવાણાએ સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડન્ટને વિસ્તૃત લેખીત રજુઆત કરી ગંભીર ક્ષતીઓ દૂર કરવા માંગણી કરી છે. નીચેના વિવિધ મુદે તંત્રનો કાન આમળવામાં આવ્યો હતો.
સામાન્ય અને જીવન જરૂરી દવાઓનો અભાવ
સિવિલ હોસ્પિટલમાં વિવિધ રોગોના દર્દીઓ માટે જરૂરી સામાન્ય તેમજ જીવન જરૂરી દવાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહેતી નથી તેવી ફરિયાદો દર્દીઓ તરફથી મળી રહી છે. સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવતા ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને બહારથી દવા ખરીદવાની ફરજ ન પડે તે માટે જરૂરી દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવો જરૂરી છે.
થેલેસેમિયા દર્દીઓ માટે લોહીની અછત
રાજકોટમાં વિવિધ સંસ્થાઓ દ્વારા નિયમિતપણે મેડિકલ કેમ્પ તથા રક્તદાન કેમ્પ યોજવામાં આવે છે અને રક્ત સિવિલ હોસ્પિટલના બ્લડ બેન્કમાં જમા કરાવવામાં આવે છે. તેમ છતાં થેલેસેમિયા દર્દીઓ માટે જરૂરી સમયે લોહીની અછત રહેતી હોવાની ફરિયાદ ગંભીર બાબત છે. રક્તસંગ્રહ અને વિતરણની વ્યવસ્થાની તાત્કાલિક સમીક્ષા કરી થેલેસેમિયા સહિતના જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે.
જામનગર રોડ ગેઇટથી ઈમરજન્સી વિભાગ સુધીના સ્પીડ બ્રેકર
હોસ્પિટલના જામનગર રોડ તરફના ગેટથી ઈમરજન્સી વિભાગ સુધી મોટી સંખ્યામાં સ્પીડ બેકર બનાવવામાં આવ્યા છે. ૧૦૮ જેવી ઇમરજન્સી એમ્બ્યુલન્સમાં ગંભીર સ્થિતિમાં દર્દીને હોસ્પિટલ સુધી લાવવામાં આવે ત્યારે વારંવારના સ્પીડ બ્રેકરના કારણે દર્દીને વધુ આંચકો લાગી શકે છે. ખાસ કરીને હૃદય રોગ સહિતની ગંભીર તબીબી પરિસ્થિતિમાં આ બાબત જોખમી બની શકે છે. તેથી આ માર્ગનું તાત્કાલિક ટેકનિકલ નિરીક્ષણ કરાવી, જરૂરી ન હોય તેવા સ્પીડ બ્રેકર દૂર કરવા અથવા યોગ્ય ધોરણે સુધારવા વિનંતી છે.
હોસ્પિટલ કેમ્પસમાં મોટા ખાડાઓ
સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં અનેક સ્થળોએ મોટા ખાડાઓ જોવા મળે છે. દર્દીઓને ટ્રોલી, સ્ટ્રેચર કે વ્હીલચેર દ્વારા લઈ જતી વખતે અકસ્માત થવાની શકયતા રહે છે. આ ખાડાઓના કારણે દર્દી તેમજ હોસ્પિટલના સ્ટાફને પણ મુશ્કેલી પડે છે. તેથી તાત્કાલિક ધોરણે તમામ ખાડાઓનું સમારકામ કરાવવામાં આવે.
દર્દીઓના ભોજનમાં જીવજંતુ મળવાની ગંભીર ઘટના અને સ્વચ્છતાનો પ્રશ્ન
હાલમાં જ રાજકોટ પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને આપવામાં આવતા ભોજનમાં જીવજંતુ મળી આવ્યાની ઘટના સામે આવી હતી, જે અત્યંત ગંભીર, ચિંતાજનક અને નિંદનીય બાબત છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને સ્વાસ્થ્યપ્રદ અને ગુણવત્તાયુક્ત ભોજન મળવું એ તેમની મૂળભૂત જરૂરિયાત છે. આવા ભોજનમાં જીવજંતુ મળી આવવાની ઘટના માત્ર ભોજનની ગુણવત્તા અંગે જ નહીં, પરંતુ સમગ્ર સ્વચ્છતા અને હાઇજિન વ્યવસ્થા અંગે પણ ગંભીર સવાલો ઊભા કરે છે.
ખાસ કરીને હોસ્પિટલમાં પહેલેથી જ બીમારી સામે લડી રહેલા દર્દીઓને અસ્વચ્છ અથવા દૂષિત ભોજન આપવામાં આવે તો તેમના સ્વાસ્થ્ય પર વધુ ગંભીર અસર થવાની શકયતા રહે છે. તેથી દર્દીઓ માટે તૈયાર કરવામાં આવતા ભોજનની ગુણવત્તા, રસોડાની સ્વચ્છતા, પાણીની શુદ્ધતા, કાચા માલની ગુણવત્તા, રસોઈ બનાવવાની પ્રક્રિયા તેમજ ભોજન પીરસતા પહેલાંની તપાસ માટે કડક અને નિયમિત વ્યવસ્થા કરવામાં આવે તેવી અમારી માંગ છે.
સ્વચ્છતા અને કચરાની ગંભીર સમસ્યા
હોસ્પિટલના વિવિધ વિસ્તારોમાં કચરો, ગંદકી અને અસ્વચ્છતા અંગે પણ ફરિયાદો મળી રહી છે. હોસ્પિટલ જેવી આરોગ્ય સંસ્થામાં સ્વચ્છતા સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ. હોસ્પિટલમાં આવતો દર્દી સ્વસ્થ થવા આવે છે, ત્યારે અસ્વચ્છ વાતાવરણના કારણે ચેપ તથા અન્ય આરોગ્ય સમસ્યાઓનું જોખમ ઊભું થાય તે અત્યંત ગંભીર બાબત છે.
સાથે સાથે હોસ્પિટલના રહેવાસી, આવાસીય તથા આસપાસના વિસ્તારોની સાફ-સફાઈ બાબતે પણ પૂરતું ધ્યાન આપવામાં રજુઆત કરવામાં આવી હતી. સ્વચ્છતા બાબતે ‘‘સુપ્રિન્ટેન્ડન્ટ'' ખુદ પણ સ્થળ પર જઈને સફાઈ કામગીરીમાં જોડાયા હતા, જે બાબત ચોક્કસપણે નોંધપાત્ર છે અને હોસ્પિટલની સ્વચ્છતા પ્રત્યે આપશ્રીની ગંભીરતા દર્શાવે છે. જો કે, માત્ર એક દિવસની કામગીરી પૂરતી ન રહે અને હોસ્પિટલના દરેક વિભાગમાં રોજિંદી, સતત અને દેખરેખ હેઠળની સફાઈ વ્યવસ્થા જળવાઈ રહે તે વધુ જરૂરી છે. તેમ રજુઆતમાં જણાવાયુ છે.
દર્દી હોસ્પિટલમાં સ્વસ્થ થવા આવે છે. હોસ્પિટલનું અસ્વચ્છ વાતાવરણ કે અયોગ્ય ભોજન તેની બીમારીમાં વધારો કરે તે કોઈપણ સંજોગોમાં ચલાવી ન લેવાય. આ મુદ્દે કાયમી અસરકારક વ્યવસ્થા ઊભી કરવામાં આવે તે જરૂરી છે. આ તમામ મુદે તાત્કાલીક કાર્યવાહી કરવા કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે.
આ રજુઆત ડો. હેમાંગ વસાવડા ઉપપ્રમુખશ્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ શ્રીમતિ ગાયત્રીબા એ. વાઘેલા ઉપપ્રમુખશ્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને પૂર્વ પ્રમુખશ્રી, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ, પૂર્વ વિરોધ પક્ષના નેતા - રાજકોટ મહાનગરપાલિકા, જસવંતસિંહ ભટ્ટી મહામંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ, ડી.પી.મકવાણા મહામંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અતુલ રાજાણી પૂર્વ પ્રમુખ, રાજકોટ શહેર કોંગ્રેસ, પૂર્વ કોર્પોરેટર વોર્ડ-૩, અશોકસિંહ વાઘેલા એડવોકેટ, લીગલ એન્ડ હ્યુમન રાઈટસ સેલ, ગુજરાત કોંગ્રેસ, દિલીપભાઈ આસવાણી, પૂર્વ કોર્પોરેટર, ગૌરવભાઈ પુજારા, કોંગ્રેસ અગ્રણી જગુભા જાડેજા, પ્રમુખ, વોર્ડ નં. ૩, કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી.
(3:47 PM IST)










