News of Tuesday, 17th November 2026
સ્પેનનાં શહેરોમાં કચરાના વૈજ્ઞાનિક વ્યવસ્થાપનની છ રંગીન ડસ્ટબિન પદ્ધતિ
પાંચ રંગીન કન્ટેનરઃ લીલો, વાદળી, ભુરો અને રાખડી સ્વચ્છ શહેરો, રિસાયક્લિંગ અને પરિપત્ર અર્થતંત્રનું સફળ યુરોપિયન મોડેલ

સ્પેનનાં માર્બેલા, માલાગા, સેવિલ, મેડ્રિડ અને બાર્સેલોના જેવાં શહેરોની મુલાકાત દરમિયાન એક બાબત વિશેષ ધ્યાન ખેંચે છે. શહેરના રસ્તાઓ, રહેણાક વિસ્તારો અને જાહેર સ્થળોએ અલગ-અલગ રંગનાં ડસ્ટબિન વ્યવસ્થિત રીતે મૂકવામાં આવ્યા છે. નાગરિકો પોતાના ઘરમાંથી નીકળતા કચરાને એક જ ડબ્બામાં નાખવાને બદલે તેના પ્રકાર પ્રમાણે અલગ-અલગ કન્ટેનરમાં નાખે છે.
આ વ્યવસ્થા માત્ર રસ્તાઓની સફાઈ પૂરતી મર્યાદિત નથી. તે કચરાના વૈજ્ઞાનિક વર્ગીકરણ, પુનઃઉપયોગ, રિસાયક્લિંગ, કમ્પોસ્ટિંગ અને ઊર્જા ઉત્પાદન સાથે જોડાયેલી સંપૂર્ણ પર્યાવરણ વ્યવસ્થાપન પદ્ધતિ છે. સ્પેનમાં પાંચ મુખ્ય રંગીન કન્ટેનર ઉપરાંત સ્થાનિક નગરપાલિકાઓ દ્વારા છઠ્ઠા વિશેષ કન્ટેનર તરીકે જૂનાં કપડાં, જૂતાં અથવા વપરાયેલું રસોઈનું તેલ એકત્ર કરવામાં આવે છે.
(૧) પીળો ડસ્ટબિન પ્લાસ્ટિક અને પેકેજિગઃ પીળા રંગના કન્ટેનરમાં પ્લાસ્ટિકની બોટલો, દૂધ અને જ્યુસનાં ટેટ્રાપેક, એલ્યુમિનિયમનાં કેન, ખાદ્યપદાર્થોના પ્લાસ્ટિક પેકેટ તથા અન્ય પેકેજિગ સામગ્રી એકત્ર કરવામાં આવે છે. આ સામગ્રીને છટણી કર્યા પછી રિસાયક્લિંગ પ્લાન્ટમાં મોકલવામાં આવે છે. પ્લાસ્ટિકમાંથી નવી બોટલો, પાઇપ અને અન્ય ઔદ્યોગિક ઉત્પાદનો બનાવી શકાય છે.
(૨) વાદળી ડસ્ટબિન કાગળ અને પૂંઠું: વાદળી કન્ટેનરમાં અખબારો, સામયિકો, નોટબુક, પુસ્તકોનાં કાગળ, કાર્ડબોર્ડનાં બોક્સ અને સ્વચ્છ પૂંઠાં નાખવામાં આવે છે. આ કાગળને રિસાયકલ કરીને ફરી નવો કાગળ અને પૂંઠું બનાવવામાં આવે છે. તેનાથી વૃક્ષોનું સંરક્ષણ થાય છે અને પાણી તથા ઊર્જાની બચત થાય છે.
(૩) લીલો ડસ્ટબિન કાચની બોટલો અને બરણીઓઃ લીલા રંગના મોટા ગુંબજ આકારના કન્ટેનરમાં કાચની બોટલો, અથાણાંની બરણીઓ અને જામનાં કાચનાં જાર એકત્ર કરવામાં આવે છે. કાચને યોગ્ય રીતે છટણી કરીને ઓગાળવામાં આવે છે અને નવી બોટલો તથા બરણીઓ બનાવવામાં આવે છે. બારીનો કાચ, અરીસા, સિરામિક અને બલ્બ આ કન્ટેનરમાં નાખવાના નથી.
(૪) ભૂરા રંગનો ડસ્ટબિન જૈવિક અને રસોડાનો કચરોઃ ભૂરો કન્ટેનર સ્પેનની આધુનિક કચરા વ્યવસ્થાનો અત્યંત મહત્ત્વનો ભાગ છે. તેમાં શાકભાજી અને ફળોની છાલ, વધેલો ખોરાક, ચા-કોફીના અવશેષ, ઈંડાંનાં છોતરાં અને રસોડામાંથી નીકળતો જૈવિક કચરો નાખવામાં આવે છે. આ કચરાને કમ્પોસ્ટિંગ પ્લાન્ટમાં મોકલીને ઓર્ગેનિક ખાતર બનાવવામાં આવે છે. કેટલીક સુવિધાઓમાં બાયો ગેસ અને ઊર્જા પણ ઉત્પન્ન થાય છે.
(૫) રાખોડી અથવા કાળો ડસ્ટબિન બાકી રહેલો સામાન્ય કચરોઃ આ કન્ટેનરમાં એવો કચરો નાખવામાં આવે છે જે અન્ય અલગ સંગ્રહ વ્યવસ્થામાં સામેલ થઈ શકતો નથી. તેમાં વપરાયેલાં ડાયપર, સેનિટરી કચરો, ધૂળ, ગંદાં ટિશ્યૂ અને કેટલીક બિન-રિસાયકલ કરી શકાય તેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. આ કન્ટેનરમાં કચરો ઓછામાં ઓછો આવે તે સમગ્ર વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ છે.
(૬) કપડાં, જૂતાં અને વપરાયેલું રસોઈનું તેલઃ કેટલાક વિસ્તારોમાં જૂનાં કપડાં, જૂતાં, ચાદર અને ટુવાલ એકત્ર કરવા માટે વિશેષ ટેક્સટાઇલ કન્ટેનર મૂકવામાં આવે છે. ઉપયોગ કરી શકાય તેવાં કપડાંનું પુનઃવિતરણ થાય છે અને બાકીનાં કપડાંનું યોગ્ય રિસાયક્લિંગ કરવામાં આવે છે. અન્ય વિસ્તારોમાં વપરાયેલું રસોઈનું તેલ એકત્ર કરવા માટે અલગ કન્ટેનર હોય છે. ઘરમાં વપરાયેલું તેલ ઠંડું કરીને બંધ બોટલમાં ભરી તેમાં નાખવામાં આવે છે. આ તેલમાંથી બાયોડીઝલ અને અન્ય ઉપયોગી ઉત્પાદનો બનાવી શકાય છે.
સ્પેનનાં શહેરોમાં અમલીકરણઃ સ્પેનમાં કચરાનું વ્યવસ્થાપન માત્ર ડસ્ટબિન મૂકવા પૂરતું નથી. નગરપાલિકાઓ કચરાના અલગ સંગ્રહ, પરિવહન, છટણી અને રિસાયક્લિંગ માટે સંકલિત વ્યવસ્થા ચલાવે છે. માર્બેલા અને માલાગામાં રહેણાક વિસ્તારો તથા પર્યટન સ્થળોએ અલગ-અલગ કન્ટેનર જોવા મળે છે. સેવિલમાં LIPASAM નામની જાહેર સફાઈ અને કચરા વ્યવસ્થાપન સંસ્થા નાગરિકોને કચરાના વર્ગીકરણ અંગે માર્ગદર્શન આપે છે. મેડ્રિડમાં જાહેર કન્ટેનર ઉપરાંત વિશેષ રિસાયક્લિંગ કેન્દ્રો અને કપડાં તથા વપરાયેલા રસોઈના તેલના સંગ્રહની વ્યવસ્થા છે. ઝારાગોઝા શહેરમાં ભૂરા રંગના ઓર્ગેનિક કચરાના કન્ટેનરનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. એકત્ર થયેલો જૈવિક કચરો ટ્રીટમેન્ટ સેન્ટરમાં મોકલવામાં આવે છે, જ્યાંથી કમ્પોસ્ટ અને ઊર્જા મેળવવાની પ્રક્રિયા થાય છે.
આંકડાઓ શું દર્શાવે છે?: સ્પેનની National Statistics Institute (INE) દ્વારા પ્રકાશિત વર્ષ ૨૦૨૨ના આંકડા મુજબ, અલગ સંગ્રહ દ્વારા આશરે ૫૨ લાખ ટન કચરો એકત્ર કરવામાં આવ્યો હતો. તેમાં કાગળ અને પૂંઠાનો હિસ્સો ૨૮.૯ ટકા, જૈવિક કચરાનો ૨૮.૪ ટકા, કાચનો ૧૮.૧ ટકા અને મિશ્ર પેકેજિગનો ૧૭.૯ ટકા હતો. બાકીના ૬.૭ ટકામાં અન્ય પ્રકારનો કચરો સામેલ હતો. આ આંકડા દર્શાવે છે કે કચરાનું વર્ગીકરણ મોટા પ્રમાણમાં ઉપયોગી સામગ્રીને ફરી અર્થતંત્રમાં લાવવાની તક પૂરી પાડે છે. સ્પેનમાં Waste Law 7/2022 દ્વારા અલગ કચરા સંગ્રહ અને પરિપત્ર અર્થતંત્રને કાયદાકીય આધાર આપવામાં આવ્યો છે.
ભારત અને ગુજરાત માટે શીખવા જેવી બાબતોઃ ભારતમાં સ્વચ્છ ભારત મિશન હેઠળ ઘરેથી કચરો એકત્ર કરવાની અને ભીના-સૂકા કચરાનું વર્ગીકરણ કરવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. તેમ છતાં ઘણા શહેરોમાં કચરો એક જ જગ્યાએ ભેગો થવાની સમસ્યા જોવા મળે છે.
રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા અને ગાંધીનગર જેવા શહેરોમાં સ્પેનની પદ્ધતિને સ્થાનિક પરિસ્થિતિ અનુસાર અપનાવી શકાય છે.
તે માટે નીચેના પગલાં ઉપયોગી બની શકેઃ ૧. દરેક રહેણાક સોસાયટી, જાહેર બગીચા, બજાર અને શૈક્ષણિક સંસ્થામાં રંગીન કન્ટેનરનું સુવ્યવસ્થિત કેન્દ્ર ઊભું કરવું.
૨.દરેક કન્ટેનર પર ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં ચિત્રો સાથે માર્ગદર્શન આપવું.
૩.શાકભાજી બજાર, હોટેલ અને રહેણાક સોસાયટીના જૈવિક કચરામાંથી ખાતર બનાવવું.
૪.વપરાયેલું તેલ, જૂનાં કપડાં, બેટરી અને ઈ-વેસ્ટ માટે વિશેષ સંગ્રહ કેન્દ્રો ઊભાં કરવાં.
૫.શાળા-કોલેજના વિદ્યાર્થીઓને કચરાના વર્ગીકરણ અંગે તાલીમ આપવી.
૬.દરેક વોર્ડમાં કચરાના સંગ્રહ અને રિસાયક્લિંગનું માસિક મૂલ્યાંકન જાહેર કરવું.
રાજકોટ જેવા શહેરમાં નગરપાલિકા, શૈક્ષણિક સંસ્થાઓ, વિજ્ઞાન કેન્દ્રો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને રહેણાક સોસાયટીઓના સહયોગથી આ મોડેલનું પ્રાયોગિક અમલીકરણ કરી શકાય છે.(૪૧.૪)
પ્રો. અનામિક શાહ
ડાયરેકટર, એન્વાયરમેન્ટલ રિસર્ચ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા રાજકોટ. ઇમેલઃ [email protected], મો. ૯૮૨૫૨ ૧૫૬૫૬.
(3:33 PM IST)










