તા. ૨૯ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૬ શુક્રવાર
News of Tuesday, 29th September 2026
સીકસ લેન્ડ ગ્રીનફિલ્ડ પ્રોજેકટઃ ખેડૂતોનો ઉગ્ર આક્રોશઃ સરકારી જંત્રી એકર દીઠ માત્ર ૩ થી ૫ લાખઃ બજાર ભાવ ૩ થી ૫ કરોડનો છે!
જૂના જંત્રી મુજબ વળતરએ ખેડૂતોની મિલ્કતના અધિકાર ઉપર તરાપ સમાનઃ તાકીદે વિચારણા કરો

રાજકોટ, તા.૨૯: રાજકોટ બાયપાસ (NH-27) માટે પ્રસ્તાવિત ૬-લેન ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ સામે સડક પીપળીયા, અરડોઇ, નારણકા, ગઢકા સહિતના ૧૫થી વધુ ગામોના અસરગ્રસ્ત ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ખેડૂતોએ જિલ્લા કલેક્ટર, NHAI અને જમીન સંપાદન અધિકારીને આવેદનપત્ર પાઠવીને તંત્રની મનમાની અને છેતરપિંડી સામે સખત વિરોધ નોંધાવ્યો છે.
ખેડૂતોનો આરોપ છે કે અગાઉ તંત્ર દ્વારા આ રોડ નિયમિત બનાવવાની ખાતરી અપાઈ હતી, પરંતુ સરકારી કાગળો પર આજે પણ તેને એક્સેસ કંટ્રોલ જ રાખવામાં આવ્યો છે. બંધિયાર ડિઝાઇનના કારણે જૂના રસ્તાઓ કપાઈ જશે અને સ્થાનિકો માટે આ રોડ નિરુપયોગી સાબિત થશે. વારંવારની માંગ છતાં તંત્ર દ્વારા ડીટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ કે જંક્શન ડિઝાઇન છુપાવવામાં આવી રહી છે. ખેડૂતોએ ફળદ્રુપ જમીનો બચાવવા માટે અલાઈનમેન્ટ નજીકની સરકારી પડતર જમીન તરફ ડાયવર્ટ કરવા અથવા જૂના રસ્તાઓ પહોળા કરવા માંગ કરી છે.
વિસ્તારમાં હાલ સરકારી જંત્રી માત્ર રૂ.૩ થી ૫ લાખ પ્રતિ એકર છે, જ્યારે વાસ્તવિક બજારભાવ રૂ.૩ થી ૫ કરોડ સુધીનો છે. જૂની જંત્રી મુજબ વળતર આપવું એ ખેડૂતોના મિલકતના અધિકાર પર તરાપ સમાન છે. RFCTLARR એક્ટ, ૨૦૧૩ મુજબ પ્રવર્તમાન બજાર કિંમત નક્કી કરી ૨ ગણા ગુણાંક, ૧૦૦% સોલેશિયમ અને વધારાના ૧૨% વળતર સાથે આખરી એવોર્ડ જાહેર કરવા માંગ કરાઈ છે.
(3:47 PM IST)










