<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

સરકારી ક્‍વાર્ટર કોલોનીમાં બે બંધ મકાનમાંથી તસ્‍કરો રૂા. ૨.૮૫ લાખની માલમત્તા ચોરી ગયા

યુનિવર્સિટી રોડ પર કિડની હોસ્‍પિટલ પાસે બનાવઃ યોગેશભાઇ કંધારકર વતન મહારાષ્‍ટ્ર ગયા ને રેઢા ઘરમાં ચોરી થઇઃ યુનિવર્સિટી પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૧૭: શહેરમાં તસ્‍કરોએ વધુ એક વખત બંધ મકાનને નિશાન બનાવી હાથફેરો કર્યો છે. યુનિવર્સિટી રોડ પર કિડની હોસ્‍પિટલ પાસે આવેલા બે સરકારી ક્‍વાર્ટરમાં ત્રાટકી તસ્‍કરો પણા ત્રણ લાખથી વધુની માલમત્તા ચોરી જતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે બી. ટી. સવાણી કિડની હોસ્‍પિટલ પાસે સરકારી ક્‍વાર્ટર કોલોની નં. ૪૪ બ્‍લોક નં. ૫માં રહેતાં સરકારી નોકરીયાત યોગેશભાઇ બાબુરાવ કંધારકર (ઉ.વ.૩૭)ની ફરિયાદ પરથી ચોરીનો ગુનો નોંધ્‍યો છે. તેમનું મકાન બંધ હોઇ તસ્‍કરો તાળા તોડી ત્રાટક્‍યા હતાં અને રોકડ-દાગીના મળી રૂા. ૨,૮૫,૦૦૦ની માલમત્તા ચોરી ગયા હતા.

યોગેશભાઇએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે તેઓ તા. ૧૩/૦૬ના રોજ રાત્રે  અગીયારેક વાગ્‍યે પરિવાર સાથે વતન સાવરગામ (જી. વાશીમ, મહારાષ્‍ટ્ર) જવા માટે ટ્રેન મારફતે નીકળ્‍યા હતા. દરમિયાન તા. ૧૫/૦૬ના રોજ સવારે સાડા દસેક વાગ્‍યે તેમની ઓફિસના સિનિયર નીલકંઠ જોશીએ ફોન કરીને જાણ કરી હતી કે, તમારા સરકારી ક્‍વાર્ટરના મેઈન દરવાજાનું તાળું તુટેલું છે અને ચોરી થઈ છે. આથી યોગેશભાઈ ગઇકાલે ૧૬મીએ  સવારે વતનથી પરત આવ્‍યા ત્‍યારે ઘરનો સામાન અસ્‍તવ્‍યસ્‍ત હતો અને બેડરૂમની તિજોરી ખુલ્લી જણાઈ હતી. તસ્‍કરોએ યોગેશભાઈના ક્‍વાર્ટર ઉપરાંત પડોશમાં આવેલા અન્‍ય એક સરકારી ક્‍વાર્ટરને પણ નિશાન બનાવ્‍યું હતું. યોગેશભાઇના બ્‍લોકમાં તિજોરીના ખાનામાંથી સોનાનું મંગળસૂત્ર, કાનની બુટ્ટી તથા સોનાની વીંટી મળી કુલ ૨૦ ગ્રામ સોનું કમત આશરે રૂ. ૧,૨૦,૦૦૦ અને ૨૫ ગ્રામ ચાંદીની પાયલ કિંમત આશરે રૂ. ૫,૦૦ની ચોરી થઈ હતી.

જ્‍યારે પાડોશી અભીલેન્‍દ્રસિંહ જયસિંહનું ક્‍વાર્ટર બ્‍લોક નં. ૦૩, ક્‍વાર્ટર નં. ૨૦માં પણ ચોરી થઇ હતી. અહિથી તસ્‍કરો તાળા તોડી બેડ  રૂમની લોખંડતી તિજોરીમાંથી  સોનાની રીંગ ૩ ગ્રામ કિંમત આશરે રૂ. ૧૩,૦૦૦, ચાંદીની પાયલ ૧૫ ગ્રામ કિંમત આશરે રૂ. ૨,૦૦૦ તથા રોકડા રૂ. ૨૫,૦૦૦ની ચોરી કરી ગયા હતાં. આમ બંને ક્‍વાર્ટરમાંથી તસ્‍કરો ૨૩ ગ્રામ સોનું કિંમત રૂ. ૧,૩૩,૦૦૦, ૪૦ ગ્રામ ચાંદી કિંમત રૂ. ૭,૦૦૦ અને રોકડા રૂ. ૨૫,૦૦૦/મળી કુલ રૂ. ૨,૮૫,૦૦૦નો મુદ્દામાલ ચોરી ગયા હતાં. આ અંગે એએસઆઇ જે. આઇ. ઝાલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(2:23 PM IST)