<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

સોની દંપતીનો કુવાડવા નજીક સજોડે આપઘાતનો પ્રયાસ

ઔરંગાબાદના વેપારી સામે ગંભીર આક્ષેપોઃ સંભાજીનગરના જ્‍વેલર્સે અપહરણ કરી ૨-કિલો સોના માટે દબાણ કર્યાનો સ્‍યુસાઇડ નોટમાં ઉલ્લેખ

રાજકોટ, તા. ૧પઃ શહેરના મોરબી રોડ પર રહેતા અને સોની કામના વ્‍યવસાય સાથે સંકળાયેલા દંપતીએ ઔરંગાબાદના વેપારીના ત્રાસથી કંટાળી કુવાડવા પાસે ફિનાઇલ પી લીધું હતું આપઘાતનો પ્રયાસ કરતા પૂર્વે સોની વેપારીએ સોશિયલ મીડિયા પર સ્‍યુસાઇડ નોટ વાયરલ કરી હતી, જેમાં અપહરણ અને બળજબરીથી સોનું પડાવવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્‍યા છે. હાલ દંપતી રાજકોટ સિવિલ હોસ્‍પિટલના બિછાને સારવાર હેઠળ છે. બનાવની વિગતો મુજબ, જે.કે. એપાર્ટમેન્‍ટમાં રહેતા વિશાલભાઈ હરકિશનભાઈ ઝીંઝુવાડિયા (ઉ.વ. ૪૧) અને તેમના પત્‍ની પૂજાબેન (ઉ.વ. ૩૯) એ રાત્રીના સાડા દશેક વાગ્‍યે કુવાડવા નજીક રામધામ મંદિર પાસે આ અંતિમ પગલું ભર્યું હતું. પગલું ભરતા પહેલા વિશાલભાઈએ પોતાના બનેવીને વ્‍હોટ્‍સએપ પર લાંબી સ્‍યુસાઇડ નોટ મોકલી હતી. જે વાંચતા જ પરિવારજનો તાત્‍કાલિક સ્‍થળ પર પહોંચ્‍યા હતા અને દંપતીને સારવાર માટે ખસેડ્‍યા હતા.

સ્‍યુસાઇડ નોટમાં જણાવ્‍યા મૂજબ, ઔરંગાબાદના સંભાજીનગરમાં ‘અંકિત જ્‍વેલર્સ' ધરાવતા આતીશભાઈ સવાઈવાલા અને મચ્‍છુભાઈ સાથે તેઓ છેલ્લા ૧૦ વર્ષથી વ્‍યવહાર કરતા હતા, પરંતુ છેલ્લા એક મહિનાથી તેમને ખોટી રીતે હેરાન કરવામાં આવતા હતા. આતીશભાઈ અને તેમના માણસોએ વિશાલભાઈનું રાજકોટથી અપહરણ કરી બગોદરા સુધી લઈ ગયા હતા અને બળજબરીપૂર્વક લખાણ કરાવી લીધું હતું. વેપારીઓ દ્વારા ૧૨૦૦ ગ્રામથી લઈને ૨ કિલો સોનાની પરાણે માંગણી કરવામાં આવી રહી હતી. વિશાલભાઈના જણાવ્‍યા મુજબ, સોનું બંગાળી કારીગર હારુન શેખ લઈને ભાગી ગયો છે જેની પોલીસ ફરિયાદ પણ નોંધાયેલી છે, તેમ છતાં તેમને ટોર્ચર કરવામાં આવતું હતું. આતીશભાઈએ ધમકી આપી હતી કે ‘તમને અહીંથી કોઈ છોડાવી શકશે નહીં', જેના ડરથી દંપતીએ આ પગલું ભર્યું છે.

વિશાલભાઈ ઘરે બેસીને મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમને સંતાનમાં ત્રણ દીકરીઓ અને એક દીકરો છે. છેલ્લા ત્રણ દિવસથી તેઓ માનસિક તણાવમાં હોવાથી અમદાવાદ જોગણી માતાના મંદિરે ગયા હતા અને ત્‍યાંથી પરત ફરતી વખતે આ આઘાતજનક પગલું ભર્યું હતું. હાલ કુવાડવા પોલીસે સ્‍યુસાઇડ નોટ કબજે કરી જવાબદારો સામે કાયદેસરની તપાસ શરૂ કરી છે.

(1:24 PM IST)