News of Sunday, 21st June 2026
અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રાજકોટ સ્ટેશનના રૂખડિયા ફાટકની જગ્યાએ અત્યાધુનિક રોડ અંડર બ્રિજનું નિર્માણ કાર્ય તેજ ગતિએ શરૂ કરાયું
લેવલ ક્રોસિંગ સંખ્યા ૧૨૫ નાબૂદ થતાં શહેરવાસીઓને ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે : સ્ટેશનની સેકન્ડ એન્ટ્રી ખુલવાથી મુસાફરોની કનેક્ટિવિટી વધુ સુગમ બનશે

રાજકોટ:પશ્ચિમ રેલવેના રાજકોટ સ્ટેશનના આધુનિક પુનઃવિકાસ કાર્યો અંતર્ગત કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી 'અમૃત ભારત સ્ટેશન યોજના' હેઠળ સ્ટેશનના દ્વિતીય પ્રવેશદ્વાર એટલે કે સેકન્ડ એન્ટ્રીના વિકાસ કાર્યોને ભારે ગતિ આપવામાં આવી રહી છે. આ જ શ્રેણીબદ્ધ આયોજનના ભાગરૂપે રાજકોટ યાર્ડમાં આવેલા અને રૂખડિયા ફાટક તરીકે ઓળખાતા લેવલ ક્રોસિંગ સંખ્યા ૧૨૫ ને કાયમી ધોરણે નાબૂદ કરવાનું એક મહત્વપૂર્ણ કાર્ય રેલવે તંત્ર દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે. આ વ્યસ્ત લેવલ ક્રોસિંગના સ્થાને સ્થાનિક સડક વાહનવ્યવહારને સંપૂર્ણપણે અવરોધરહિત, સુરક્ષિત અને સુગમ બનાવવા માટે અત્યાધુનિક રોડ અંડર બ્રિજ (ગરનાળા) નું નિર્માણ કાર્ય યુદ્ધના ધોરણે શરૂ કરી દેવાયું છે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં રાજકોટ સ્ટેશન યાર્ડમાં રોડ અંડર બ્રિજનું નિર્માણ કાર્ય ખૂબ જ ઝડપથી પ્રગતિ પર છે. આ પરિયોજના અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત વિકસાવવામાં આવી રહેલા રાજકોટ સ્ટેશનના સેકન્ડ એન્ટ્રી વિસ્તારનો એક અતિ મહત્વપૂર્ણ ભાગ છે. આ અંડરપાસનું કામ પૂર્ણ થવાથી સામાન્ય મુસાફરો માટે રેલવે સ્ટેશન સુધી પહોંચવું વધુ સુવિધાજનક, સુરક્ષિત અને વ્યવસ્થિત બનશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ પરિયોજના અંતર્ગત અત્યાધુનિક "કટ એન્ડ કવર" ટેકનિકના માધ્યમથી પ્રીકાસ્ટ આરસીસી (RCC) બોક્સનું લોન્ચિંગ અને સ્થાપન કરવામાં આવી રહ્યું છે. રેલવે ટ્રેકની નજીક અત્યંત મર્યાદિત કાર્યસ્થળ હોવા છતાં અને દૈનિક રેલ પરિવહનને કોઈ પણ પ્રકારની નકારાત્મક અસર કર્યા વિના આ ભગીરથ કાર્ય પૂર્ણ કરવાના મોટા પડકારને જોતાં, તંત્ર દ્વારા અત્યંત ઉચ્ચ ક્ષમતા ધરાવતી ક્રેનની મદદથી આ ચોક્કસ કામગીરી કરવામાં આવી રહી છે.
આ મહત્વપૂર્ણ પરિયોજના હેઠળ તાજેતરમાં જ આરસીસી બોક્સના લોન્ચિંગ અને પ્લેસમેન્ટ માટે રેલવે પ્રશાસન દ્વારા મેગા ટ્રાફિક અને પાવર બ્લોક સફળતાપૂર્વક લેવામાં આવ્યો હતો. નિર્ધારિત બ્લોક સમયગાળા દરમિયાન કામગીરી સમયસર આટોપી લેવા માટે ભારે મશીનરી અને મોટી સંખ્યામાં માનવબળ તૈનાત કરવામાં આવ્યું હતું. કાર્યસ્થળ પર ૭૫૦ મેટ્રિક ટન, ૬૦૦ મેટ્રિક ટન અને ૩૦૦ મેટ્રિક ટન ક્ષમતા ધરાવતી ત્રણ અત્યાધુનિક હેવી ક્રેન, ચાર હાઇધ્રોલિક એક્સ્કેવેટર, સાત ડમ્પર તેમજ આશરે ૭૫ જેટલા કુશળ અને અકુશળ શ્રમિકો સાથે રેલવે ઇજનેરો અને સુપરવાઇઝરોની વિશેષ ટીમને તૈનાત કરવામાં આવી હતી. તમામ તકનીકી વિભાગોના પરસ્પર સંકલિત પ્રયાસોથી આરસીસી બોક્સના લોન્ચિંગ અને પ્લેસમેન્ટનું આ જટિલ કાર્ય નિર્ધારિત સમયમર્યાદામાં સંપૂર્ણપણે સુરક્ષિત અને સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.
આ સરાહનીય પરિયોજના સંપૂર્ણપણે પૂર્ણ થયા બાદ રાજકોટના શહેરવાસીઓને વર્ષોથી રૂખડિયા રેલવે ફાટક પર થતા કલાકોના ટ્રાફિક જામ અને અવરોધોમાંથી કાયમી મુક્તિ મળશે. આ સાથે જ સ્થાનિક સડક વાહનવ્યવહાર વધુ સુરક્ષિત, સુગમ અને ઝડપી બનશે. આ ઉપરાંત, સ્ટેશનના સેકન્ડ એન્ટ્રી વિસ્તારને શહેરના મુખ્ય માર્ગો સાથે વધુ સારી કનેક્ટિવિટી મળશે, જેથી રેલવે મુસાફરો અને સ્થાનિક નાગરિકો બંનેને લાંબાગાળાનો મોટો ફાયદો થશે.
રાજકોટના ડિવિઝન રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત રાજકોટ સ્ટેશનના પુનઃવિકાસ કાર્યોને તબક્કાવાર રીતે મજબૂતાઈથી આગળ ધપાવવામાં આવી રહ્યા છે. લેવલ ક્રોસિંગ સંખ્યા ૧૨૫ ના સ્થાને નિર્માણ પામનારો આ રોડ અંડર બ્રિજ માત્ર સડક વાહનવ્યવહારને વધુ સુરક્ષિત અને અવિરત નહીં બનાવે, પરંતુ સ્ટેશનના સેકન્ડ એન્ટ્રી વિસ્તાર સુધીની લોકોની પહોંચને પણ અતિ સરળ બનાવશે. આ પરિયોજના દેશના સામાન્ય મુસાફરોની સુવિધા, સુરક્ષા અને આધુનિક રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની દિશામાં પશ્ચિમ રેલવેનું એક સીમાચિહ્નરૂપ પગલું છે.
(3:37 PM IST)










