તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Monday, 20th April 2026
હીરાસર એરપોર્ટ પર રાત્રે વાહનો ઉપર પથ્થરમારોઃ માણાવદરના યાત્રાળુને ઇજા
ટેમ્પો ભાડે કરી નાથદ્વારા જઇ રહેલા કિશોરભાઇ સુરેજાને રાજકોટ ખાતે સારવાર લેવી પડીઃ અજાણ્યો શખ્સ અંધારામાં ભાગી ગયો

રાજકોટ તા. ૨૦: રાજકોટ-અમદાવાદ હાઇવે પર હીરાસર એરપોર્ટ નજીક રાતે એક અજાણ્યા શખ્સે રોડ પરથી પસાર થતાં કેટલાક વાહનો પર પથ્થરમારો કર્યો હતો. જેમાં એક ટેમ્પો ટ્રાવેલ્સમાં બેસીને નાથદ્વારા જઇ રહેલા પરિવારના એક સદસ્યને ઇજા થતાં સારવાર માટે દાખલ કરવામાં આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. અજાણ્યા શખ્સે ત્રણ ચાર વાહનો પર આ રીતે પથ્થરમારો કર્યોનું કહેવાય છે.
જાણવા મળ્યા મુજબ માણાવદર રહેતાં કિશોરભાઇ મોહનભાઇ સુરેજા (ઉ.વ.૫૬) પોતાના પરિવારજનો સાથે ટેમ્પો ટ્રાવેલ્સ (મીની બસ) ભાડે કરી નાથદ્વારા દર્શનાર્થે જઇ રહ્યા હોઇ આ પરિવારનો ટેમ્પો રાતે સાડા અગીયાર આસપાસ રાજકોટના હીરાસર એરપોર્ટ પાસે પહોંચ્યો ત્યારે અચાનક ટેમ્પો ઉપર પથ્થરના ઘા આવ્યા હતાં. જેના કારણે કાચ ફુટી જતાં તેના ટૂકડા ઉડીને ટેમ્પોમાં બેઠેલા કિશોરભાઇને લાગી જતાં લોહી નીકળવા માંડયા હતાં. તેમને તાકીદે સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે એરપોર્ટ પોલીસને જાણ કરી હતી.
કિશોરભાઇના સગાએ જણાવ્યું હતું કે અમારી ગાડીની આગળ પણ બે ત્રણ ગાડી ઉપર આ રીતે પથ્થરના ઘા આવ્યા હતાં. એક સ્વીફટ ગાડી પણ નિશાન બની હતી. એક શકમંદની પાછળ લોકો દોડયા હતાં પરંતુ તે ભાગી ગયો હતો. અંધારામાં તે ખેતરના રસ્તે થઇ ભાગી ગયો હતો. કોઇ ટીખળીનું આ કૃત્ય છે કે પછી વિકૃત આનંદ માણવા નશાખોરે આવુ કર્યુ? તે બાબતે ચર્ચા જાગી છે. એરપોર્ટ પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
(2:06 PM IST)










