<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

​રાજકોટ એ-ડીવીઝન પોલીસની સફળ કામગીરી

મોરબીના ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા રીઢા ગુનેગાર મનસુખ ઉર્ફે દીકુને ઝડપી પાડ્યો: પીઆઇ જે.વી. વાઢીયા, પીએસઆઇ એસ.એમ. રાણા, ભરતસિંહ રાણા અને ટીમની કામગીરી: ધર્મેશભાઇ પરમાર, સાગરભાઇ માવદીયા અને કનુભાઇ બસીયાની બાતમી

​રાજકોટ: રાજકોટ શહેરના વિવિધ વિસ્તારો તેમજ અન્ય જિલ્લાઓમાં ચોરી અને ઘરફોડ ચોરીના ગુના આચરતા રીઢા તસ્કરો વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી છે. ત્યારે મોરબીમાં ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા અને લાંબા સમયથી પોલીસને થાપ આપતા એક રીઢા આરોપીને રાજકોટ શહેર એ-ડીવીઝન પોલીસે બાતમીના આધારે દબોચી લીધો છે. પકડાયેલ આરોપી અગાઉ ૧૨ જેટલા ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.

શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંલીક, નાયબ પોલીસ કમિશનર રાકેશ દેસાઈ (ઝોન-૨) અને મદદનીશ પોલીસ કમિશનર બી.જે. ચૌધરી (દક્ષિણ વિભાગ) દ્વારા નાસતા ફરતા આરોપીઓ અને સજા પામેલા ગુનેગારોને શોધી કાઢવા માટે કડક સૂચના આપવામાં આવી છે. આ સૂચનાના અનુસંધાને એ-ડીવીઝન પોલીસ ઇન્સ્પેક્ટર જે.વી. વાઢીયાના માર્ગદર્શન હેઠળ ડી-સ્ટાફના પી.એસ.આઈ. એસ.એમ. રાણા અને તેમની ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સતત પેટ્રોલિંગમાં હતી.

​આ પેટ્રોલિંગ દરમિયાન સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ્ટેબલ ધર્મેશભાઇ પરમાર, સાગરભાઇ માવદીયા અને કનુભાઇ બસીયાને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ગુનામાં (BNS કલમ ૩૩૧(૪), ૩૦૫ મુજબ) સંડોવાયેલો અને પોલીસને થાપ આપી નાસતો ફરતો આરોપી મનસુખ ઉર્ફે દિકુ હરિભાઇ પરમાર હાલ લોહાનગર રમાપીર મંદિર પાસે ઉભો છે. આ બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીને સ્થળ પરથી દબોચી લીધો હતો.

​પકડાયેલ ૨૩ વર્ષીય આરોપી મનસુખ ઉર્ફે દિકુ દેવીપૂજક (રહે. લોહાનગર, રાજકોટ) ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેની સામે અગાઉ રાજકોટના એ-ડીવીઝન, ભક્તિનગર, માલવીયા નગર, ગાંધીગ્રામ, બી-ડીવીઝન તેમજ લીલીયા પોલીસ સ્ટેશનમાં ચોરી, ઘરફોડ ચોરી અને જી.પી. એક્ટ હેઠળ કુલ ૧૨ જેટલા ગુનાઓ નોંધાયેલા છે. હાલ આ આરોપીને વધુ તપાસ અર્થે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનને સોંપવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.

​આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર જે.વી. વાઢીયા, પી.એસ.આઈ. એસ.એમ. રાણા સાથે એ.એસ.આઈ. બી.વી. ગોહિલ, એમ.એસ. મકવાણા, તથા હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ ચાવડા, કલ્પેશભાઈ બોરીચા, સાગરભાઈ માવદીયા, કનુભાઇ બસીયા, કરણભાઇ વિરસોડીયા, ધર્મેશભાઇ પરમાર અને પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશભાઇ ખાંડેખા, તેજસભાઇ ડેર અને ગોપાલભાઇ ગમારાએ કરી છે.

(8:41 PM IST)