<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

સ્વરક્ષણ માટેની તમામ કળાઓનો સમૂહ ઍટલે ‘માર્શલ આર્ટ્સ’ : જીતેન્દ્ર મારૂ

* કરાટે અને માર્શલ આર્ટ્‍સ એક નથી બંને વચ્‍ચે મોટો તફાવત છે. * માર્શલ આર્ટ્‍સ માત્ર ફાઇટ કરવા માટે નથી આનાથી જીવનમાં ઘણા બધા ગુણોનો વિકાસ થાય છે. *૩૫થી વધુ વર્ષોના બહોળા અનુભવ સાથે જીતેન્‍દ્રભાઇએ ‘ઓલ ગુજરાત માર્શલ આર્ટસ એકેડેમી' ની સ્‍થાપના કરી *માર્શલ આર્ટ્‍સનો વિકાસ અને યુવાનોને રોજગારી મુખ્‍ય હેતુ

સામાન્‍ય રીતે માર્શલ આર્ટ્‍સ એટલે કે શારીરિક લડાઈ અને સ્‍વ-બચાવ માટેની પદ્ધતિઓ. આ કળામાં લડાઇની વિવિધ ટેકનિક્‍સ ઉપરાંત હથિયારોનો ઉપયોગ પણ શીખવવામાં આવે છે. તેનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય શારીરિક તંદુરસ્‍તી, માનસિક શિસ્‍ત અને મુશ્‍કેલ પરિસ્‍થિતિમાં પોતાના કે અન્‍યના રક્ષણ કરવાનો છે.

આ માત્ર શારીરિક તાકાત પ્રદર્શિત કરવાની રમત નથી પરંતુ તેમાં શરીર, મન અને આત્‍માનું સંતુલન બહુ મહત્‍વનું છે. હવે માર્શલ આર્ટ્‍સનો ટ્રેન્‍ડ વધતો ચાલ્‍યો છે ત્‍યારે રાજકોટમાં છેલ્‍લા ૩૫ વર્ષથી માર્શલ આર્ટ્‍સની ટ્રેનિગ આપતા શ્રી જીતેન્‍દ્રભાઇ મારૂએ અકિલા ખાતે એક વિશેષ મુલાકાતમાં માર્શલ આર્ટનું મહત્‍વ અને તેઓ જે કાર્ય કરી રહ્યા છે તે વિશે વિગતે માહિતી આપી હતી.

રાજકોટમાં શ્રી જીતેન્‍દ્રભાઇ મારૂએ ઇ.સ. ૧૯૯૨માં ‘ઓલ ગુજરાત માર્શલ આર્ટ્‍સ એકેડેમી' ની શરૂઆત કરી હતી. તેઓએ જણાવ્‍યું કે, ૧૯૮૯-૯૦ માં બ્રુસલી અને અંગ્રેજી ફિલ્‍મોમાં કરાટેનો વધુ ક્રેઝ હતો. એ સમયે હું પણ નાનો હતો એટલે સ્‍વબચાવ શિખવાની એ ફિલ્‍મોમાંથી પ્રેરણા લઇ રાજકોટના નિર્મલા રોડ પર મહેન્‍દ્રભાઇ મે ક્‍લાસ ચલાવતા તેમની પાસે શિખવાની શરૂઆત કરી. એ વખતે રાજકોટમાં કરાટે શિખવાના બે-ત્રણ ઓપ્‍શન જ હતા.

આજ ક્ષેત્રે આગળ વધવાની ઇચ્‍છા સાથે મેં ગોવાના બ્રહ્માનંદ સાવરડેકર પાસેથી કરાટેની તાલીમ મેળવી ત્‍યારબાદ મુંબઈમાં ઓલ ઈન્‍ડિયા જુડો ટેકનિકલ કમિટીના ચેરમેન મનોહર ભંગેરા સર પાસેથી જુડો શિખ્‍યો અને પછી હૈદરાબાદમાં એસ. શ્રીનિવાસન (વર્લ્‍ડ ગ્રાન્‍ડમાસ્‍ટર કાઉન્‍સિલના પ્રથમ ભારતીય સભ્‍ય) પાસેથી કિક બોક્‍સિંગની સઘન તાલિમ લીધી એટલુંજ નહીં ચાઈનીઝ વુશુ કુંગફુ ફેડરેશન ઓફ ઈન્‍ડિયાના ગ્રાન્‍ડમાસ્‍ટર ગજાનન રાજપૂત પાસેથી વુશુ કુંગફુની ઉચ્‍ચ તાલીમ પણ લીધી. ઉલ્‍લેખનીય છે કે, જીતેન્‍દ્રભાઇ કરાટેમાં ‘સિક્‍સ ડાન બ્‍લેક બેલ્‍ટ' (રાજકોટમાં આ લેવલ પર કોઈ નથી) અને કિક બોક્‍સિંગમાં ‘ફોર ડાન બ્‍લેક બેલ્‍ટ' ધરાવે છે. જીતેન્‍દ્રભાઇનું કહેવું છે કે, મેં ફર્સ્‍ટ બ્‍લેક બેલ્‍ટ કરાટેની પરીક્ષા ગોવામાં આપી હતી.

માર્શલ આર્ટ્‍સ એટલે શું? જીતેન્‍દ્રભાઇએ જણાવ્‍યું કે, સામાન્‍ય રીતે લોકો કરાટે અને માર્શલ આર્ટ્‍સને એક જ ગણે છે પરંતુ તે બંને વચ્‍ચે મોટો તફાવત છે. જેમ આપણે કોઈ હોટલમાં જઈને એમ કહીએ કે ‘ખાવાનું લઈ આવો' તો ખાવામાં પંજાબી, ચાઈનીઝ, સાઉથ ઈન્‍ડિયન કે ગુજરાતી બધું જ આવી શકે તેમ સ્‍વરક્ષણ માટેની તમામ કળાઓના સમૂહને ‘માર્શલ આર્ટ્‍સ' કહેવાય છે. કરાટે એ માર્શલ આર્ટ્‍સનો જ એક ભાગ છે. આ સિવાય જુડો, તાઈકવાન્‍ડો, કિક બોક્‍સિંગ અને કુંગફુ વગેરે માર્શલ આર્ટ્‍સના વિવિધ પ્રકારો છે. અત્‍યારે આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ (મિક્‍સ માર્શલ આર્ટ્‍સ) ની સૌથી વધુ માંગ છે જેમાં સ્‍વરક્ષણમાં બધી જ શૈલીઓનું મિશ્રણ શીખવવામાં આવે છે. જ્‍યારે કોઈ દીકરી કે વ્‍યક્‍તિ મુશ્‍કેલીમાં હોય અને તેને કોઈ પકડી લે ત્‍યારે માત્ર કિક કે પંચ કામ નથી આવતા ત્‍યાં જુડોના લોક, ચોક અને થ્રો જેવી ટેકનિક પણ આવડવી જરૂરી છે. આથી જ અમે રાજકોટમાં આવેલી અમારી એકેડમી ‘ઓલ ગુજરાત માર્શલ આર્ટ્‍સ એકેડેમી' ખાતે જુડો, કરાટે, કિક બોક્‍સિંગ, વુશુ કુંગફુ, તાઈકવાન્‍ડો, મિક્‍સ માર્શલ આર્ટ્‍સ, લાઠી દાવ, ચક્‍સ, પાર્કર (ટાઈગર શ્રોફ જેવી સ્‍ટંટ શૈલી, જે માર્શલ આર્ટ્‍સના પ્‍લેયર્સ માટે અત્‍યંત લોકપ્રિય છે), જીમ્‍નાસ્‍ટિક વગેરે બધી જ કળાઓની વ્‍યાપક અને પધ્‍ધતિસરની તાલીમ આપીએ છીએ.

 માર્શલ આર્ટ્‍સ શિખવાવાની પ્રેરણા કઇ રીતે મળી? જ્‍યારે હું કરાટે અને માર્શલ આર્ટ્‍સ શીખ્‍યો એ પછી મને થયું કે આ કલાનો પ્રચાર-પ્રસાર વધુમાં વધુ લોકો સુધી થવો જોઇએ. મેં જ્‍યારે શિખવાનું શરૂ કર્યું ત્‍યારે મનમાં હતું કે મારે સારા કરાટે ફાઇટર બનવું છે પણ બ્‍લેક બેલ્‍ટ મળ્‍યા પછી ખ્‍યાલ આવ્‍યો કે માર્શલ આર્ટ્‍સ માત્ર ફાઇટ કરવા માટે નથી. આનાથી જીવનમાં ઘણા બધા ગુણોનો વિકાસ થાય છે. આજે દરેક વ્‍યક્‍તિને જીવનમાં સ્‍ટેમીના, સ્‍પીડ, પાવર વગેરેની જરૂર પડે જ છે જેનું મેક્‍સીમમ ડેવલપમેન્‍ટ માર્શલ આર્ટ્‍સ શીખવાથી આવે છે. માર્શલ આર્ટ્‍સને શીખવા માટે ઉંમરનો કોઇ બાધ હોતો જ નથી.

 મુંબઇમાં તો સિનિયર સિટિઝન માટે માર્શલ આર્ટ્‍સના સ્‍પેશીયલ ક્‍લાસ ચાલે છે જેમાં ૬૦ વર્ષથી મોટી ઉંમરના લોકોજ હોય છે.! એટલે મેં પણ બાળકોથી લઇ દરેક લોકોમાં હિમત, સાહસ, આત્‍મવિશ્વાસ, ચપળતા, સ્‍પીડ, પાવર, એકાગ્રતા અને સ્‍ટેમિના જેવા ગુણો એકસાથે ખીલે તે આશયે ‘ઓલ ગુજરાત માર્શલ આર્ટ્‍સ એકેડેમી' હેઠળ તાલીમ આપવાની શરૂ કરી અને આજે પણ આપી રહ્યો છું.

માર્શલ આર્ટ્‍સમાં અનેક ટેકનિક્‍સ હોય છે. તમે કોઇ ટેકનિક વિક્‍સાવી છે? જીતેન્‍દ્રભાઇ મારૂ કહે છે, હું એવું માનું છુ કે હજારો લાખો લોકોએ જે માર્શલ આર્ટ્‍સમાં સેલ્‍ફ ડિફેન્‍સની તાલીમ લીધી તેજ અગત્‍યની છે. તેમાં કોઇ અન્‍ય ટેક્રિકની જરૂર નથી જે છે તેજ સંપૂર્ણ છે. જીતેન્‍દ્રભાઇ દરરોજ સવારે પ થી ૭ એમ બે કલાક નિયમીત રીતે પોતે માર્શલ આર્ટ્‍સની પ્રેક્‍ટિસ કરે છે. સ્‍ટેમીના કસરત, વોર્મિગ અપ, ફિટનેસ દરેક રમતોમાં આવે છે પણ માર્શલ આર્ટ્‍સમાં તેની માત્રા સૌથી વધુ હોય છે. જેથી કોઇ માર્શલ આર્ટ્‍સ શીખી અન્‍ય ગેઇમ રમે છે તો તે અન્‍ય પ્રતિસ્‍પર્ધિ કરતા હંમેશા આગળ જ રહે છે.

છેલ્‍લા ૩૫થી વધુ વર્ષોના બહોળા અનુભવ સાથે શ્રી જીતેન્‍દ્રભાઇએ ‘ઓલ ગુજરાત માર્શલ આર્ટસ એકેડેમી' ની સ્‍થાપના કરી. હવે આગામી ૧૫ જૂનથી રાજકોટ શહેરમાં અલગ-અલગ વિસ્‍તારોમાં તેઓ ૧૫ નવી બ્રાન્‍ચ અને ૨૫ નવી બેચ સાથે જુડો, કરાટે અને માર્શલ આર્ટસના કલાસીસ શરૂ કરવામાં જઇ રહ્યા છે.

 કોઈપણ સંસ્‍થાની સફળતાનો આધાર તેના માર્ગદર્શકો પર હોય છે. શ્રી જીતેન્‍દ્રભાઇ મારૂ ઉપરાંત આ એકેડમીમાં મુખ્‍ય ત્રણ કોચ તાલીમ આપશે જેમાં કરાટેમાં ‘ફોર ડાન બ્‍લેક બેલ્‍ટ' અને ૪૫ વર્ષનો બહોળો અનુંભવ ધરાવતા મહેન્‍દ્રભાઈ મે, જ્‍યારે કરાટેમાં ‘સિક્‍સ ડાન બ્‍લેક બેલ્‍ટ', કોરિયાથી સંચાલિત ઓલિમ્‍પિક ગેમ તાઈકવાન્‍ડોમાં ‘ફોર ડાન બ્‍લેક બેલ્‍ટ' અને બ્રુસ લી ની પ્રખ્‍યાત શૈલી ‘જીત કુને ડો' માં પણ ‘ફોર ડાન બ્‍લેક બેલ્‍ટ' ધરાતા ચંદ્રકાંતભાઈ રાઠોડ પણ તાલીમ આપશે. તેમજ લેડીઝ માટે આફ્રિકાના ફિટનેસ કોચ સુનેરા મેડમ પણ તાલીમ આપશે.

‘ઓલ ગુજરાત માર્શલ આર્ટસ એકેડેમી' ના જીતેન્‍દ્રભાઇના વિદ્યાર્થીઓ આજે કરાટેમાં તેમનાથી પણ આગળ વધ્‍યા છે જેનો તેમને ગર્વ છે. સ્‍વરક્ષણ શિખવું, તેની તાલીમ, પ્રેક્‍ટિસ એજ અગત્‍યના છે. જીતેન્‍દ્રભાઇનું કહેવું છે કે, યોગ્‍ય ટ્રેનિગ આપવી એટલુંજ નહીં તાલીમ લીધા પછી વિદ્યાર્થી કદાચ આંતરરાષ્ટ્રીય કક્ષાએ જાય તો તેને ત્‍યાં પણ માન્‍ય રહે તે પ્રકારના સર્ટીફિકેટ પ્રાપ્ત થાય અને રોજગારી મેળવી શકે, સ્‍વનિર્ભર બને તેવું કામ કરવાનો મારો આશય છે.

અન્‍ય રાજ્‍યો કરતા માર્શલ આર્ટ્‍સનું ચલણ ગુજરાતમાં ઓછુ હોવાનું કારણ જણાવતા જીતેન્‍દ્રભાઇ કહે છે, આપણો વર્ગ ખબજ શાંત અને સોફેસ્‍ટીકેટેડ છે. અન્‍ય રાજ્‍યોમાં ઘણી બધી જગ્‍યાએ જંગલ વિસ્‍તારો છે જેના પહાડો ચડવા, મહેનત કરવી, શારીરિક પરિશ્રમ કરવાથી તે લોકોના હાથ-પગ મજબૂત હોય છે. તેઓ નોનવેજ ખોરાક પણ લેતા હોય છે ત્‍યારે જો તે માર્શલ આર્ટ્‍સ શીખે તો સ્‍વાભાવિક રીતે આપણા કરતા વધુ પાવરફુલ થઇ શકે.

હું એમ નથી કહેતો કે આપણે નોનવેજ ખાવું જોઇએ કે પણ આપણે પણ પ્રોટીન યુક્‍ત વેજીટેરિયન ખોરાક જેમકે કઠોળ, ફળ, શાકભાજી વગેરે લઇ મહેનત કરી આગળ વધી શકાય.  

શ્રી જીતેન્‍દ્રભાઇ મારૂએ જણાવ્‍યું હતું કે, અમે વર્ષ ૧૯૯૬ થી અત્‍યાર સુધીમાં ૧૦૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને પોલીસ ભરતી, આરમી ભરતી, ફોરેસ્‍ટ ભરતી વગેરે માટેના ફિઝીકલ ટેસ્‍ટની ટ્રેનિગ તદ્દન ફ્રિ આપી છે. જે લોકો આ રીતે રોજગારી માટે કે દેશ માટે કામ કરવા ઇચ્‍છે છે તેની પાસેથી કોઇ ચાર્જ લેવાતો નથી તેમને કાયમી ખાતે ટ્રેનિગ વિનામુલ્‍યે જ અપાશે. માર્શલ આર્ટ્‍સનો વિકાસ અને યુવાનોને રોજગારી એકેડમીનો મુખ્‍ય હેતુ રહ્યો છે.

જે શાળાઓ, કોલેજો કે સોસાયટીઓ પોતાના પ્રીમિયમ સ્‍પેસ કે જીમમાં ફ્રેન્‍ચાઈઝી મોડેલ પર ક્‍લાસ શરૂ કરવા ઈચ્‍છતા હોય તેઓ પણ સંપર્ક કરી શકે છે, જેમાં મેનેજમેન્‍ટ સિવાયની ટ્રેનિગ અને ઇક્‍વિપમેન્‍ટની તમામ જવાબદારી એકેડમી સંભાળશે. જે કોઇને પણ માર્શલ આર્ટ્‍સ શીખવું હોય, જેને આ ફિલ્‍ડમાં આગળ વધવું હોય તેઓએ આ સંસ્‍થાનો ખાસ સંપર્ક કરવો. આર્મીમાંથી રિટાયર થયા હોય તેઓ સ્‍વમાન સાથે આ કળા શીખે તે માટે સ્‍પેશીયલ ટ્રેનીંગ આપવા ‘ઓલ ગુજરાત માર્શલ આર્ટ્‍સ એકેડેમી' પ્રતિબધ્‍ધ છે એટલુંજ નહીં શાળા, કોલેજ સંસ્‍થાઓમાં રેગ્‍યુરલ માર્શલ આર્ટ્‍સની તાલીમ અને ફ્રિ માં કેમ્‍પ કરવા પણ એકેડેમીનો સંપર્ક કરી શકાય છે.  સંપર્કઃ ઓલ ગુજરાત માર્શલ આર્ટ્‍સ એકેડેમી જીતેન્‍દ્રભાઇ મારૂ મારુતિ આર્કેડ, કિસાનપરા ચોક, આમ્રપાલી અંડરબ્રિજ ઉપર, રેટિના આંખની હોસ્‍પિટલની બાજુમાં, રાજકોટ. સમયઃ સાંજે ૫ થી રાત્રે ૯ સુધી મોબાઈલ નંબરઃ ૮૧૬૦૮ ૯૫૪૩૦ તસ્‍વીરમાં ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે ઓલ ગુજરાત માર્શલ આર્ટસ એકેડેમીના જીતેન્‍દ્ર મારૂ નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) 

માર્શલ આર્ટ્‍સની તાલીમથી લાખો દીકરીઓને સશક્‍ત બનાવી..

‘ઓલ ગુજરાત માર્શલ આર્ટ્‍સ એકેડેમી' સંસ્‍થા માત્ર વ્‍યાવસાયિક ક્‍લાસ ચલાવતી નથી, પરંતુ તેનું સામાજિક યોગદાન અદ્વુત રહ્યું છે. ગુજરાત સરકારના ‘સુરક્ષા સેતુ' પ્રોજેક્‍ટ અંતર્ગત આ સંસ્‍થા દ્વારા ૧ લાખથી વધુ દીકરીઓને સેલ્‍ફ ડિફેન્‍સની તાલીમ બિલકુલ મફત આપવામાં આવી છે. જેનાથી તેઓ સ્‍વરક્ષણ કરી શકે. આજે અનેક દીકરીઓએ માર્શલ આર્ટ્‍સની તાલીમ લઇ સશક્‍ત બની છે. આ સિવાય અન્‍ય ક્‍લાસ અને પ્રોગ્રામ્‍સ દ્વારા અત્‍યાર સુધીમાં લાખો વિદ્યાર્થીઓ અહીંથી પ્રશિક્ષિત થઈ ચૂક્‍યા છે.

ગુજરાતના કોઈપણ તાલુકા કે શહેરના એવા યુવાનો જેઓ માર્શલ આર્ટ્‍સ શીખીને તેમાં જ આગળ વધવા માંગે છે, પ્રચાર કરવા માંગે છે કે પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માંગે છે તેમને બ્‍લેક બેલ્‍ટ સુધીની તમામ તાલીમ અને સર્ટિફિકેટ ફી એકેડેમી દ્વારા બિલકુલ મફત આપવામાં આવે છે. જીતેન્‍દ્રભાઇ મારૂ કહે છે, અત્‍યાર સુધીમાં જે યુવાનો પોલીસ, આર્મી કે ફોરેસ્‍ટ ડિપાર્ટમેન્‍ટની ફિઝિકલ ટેસ્‍ટ પાસ કરવા માંગે છે તેમને સંસ્‍થા તદ્દન મફત ટ્રેનિગ આપે છે. ખાસ કરીને આર્મીમાંથી રિટાયર્ડ થયેલા જવાનોને એડવાન્‍સ ટ્રેનિગ આપીને તેમને માર્શલ આર્ટ્‍સના કોચ તરીકે તૈયાર કરવાનું સંસ્‍થાનું આયોજન છે, જેથી તેઓ નિવૃત્તિ પછી પણ ગૌરવ અને સ્‍વાભિમાનભેર સમાજને ઉપયોગી થઈ શકે. સાથે સાથે નોકરીયાત વર્ગ અને બિઝનેસમેન જેઓ રોજ સમય નથી આપી શકતા, તેમના માટે ખાસ રવિવારે બે કલાકના સ્‍પેશિયલ ક્‍લાસ પણ ચલાવવામાં આવે છે. કિસાનપરા અને જીવરાજ પાર્ક ખાતે ખાસ વજન ઘટાડવા માટેની સ્‍પેશિયલ ચાર બેચ પણ ચલાવવામાં આવે છે. આર્થિક પરિસ્‍થિતિ નબળી હોય કે જીવનમાં આગળ વધવાની તમન્ના હોય, આ એકેડેમી દરેક ઉત્‍સાહી વ્‍યક્‍તિ માટે હંમેશાં મદદરૂપ થવા તત્‍પર છે.

આપણે ત્‍યાં પણ માર્શલ આર્ટ્‍સની જાગૃતિ જરૂરી

‘ઓલ ગુજરાત માર્શલ આર્ટ્‍સ એકેડેમી' દ્વારા હાલમાં રાજકોટના સમગ્ર વિસ્‍તારમાં કુલ ૨૨ જગ્‍યાઓ પર એકેડેમીના ક્‍લાસ ચાલી રહ્યા છે. જેમાં ૧૪ જેટલી નામાંકિત સ્‍કૂલો, વિવિધ જીમ અને ક્‍લબનો સમાવેશ થાય છે જેથી માતા-પિતાને બાળકોને દૂર મોકલવાની ચિતા ન રહે. ભવિષ્‍યમાં ગુજરાતના દરેક જિલ્‍લા અને તાલુકાની શાળાઓ સુધી આ આત્‍મરક્ષણની જાગૃતિ પહોંચાડવાનું સંસ્‍થાનું લક્ષ્ય છે. અહિ માર્શલ આર્ટસની વિવિધ આંતરરાષ્ટ્રીય સ્‍તરની તાલીમ આપવામાં આવે છે. આ કળા માત્ર મારપીટ શીખવા માટે નથી પરંતુ તેનાથી વ્‍યક્‍તિનો સર્વાંગી વિકાસ થાય છે. જીતેન્‍દ્રભાઇનું કહેવું છે કે, આપણા બાળકો માર્શલ આર્ટ્‍સ શીખતા થાય તેના માટે મા-બાપે જાગૃત થવું જરૂરી છે. બાળકોને બહુ લાડ લડાવવા કરતા જીવનનું ઘડતર શિખવવું જરૂરી છે. બાળક આજે નહીં તો ભવિષ્‍યમાં કારકિર્દી ઘડવા પણ અલગ પડશે ત્‍યારે ગમે તે પરિસ્‍થિતિમાં રહેતા શીખશે અને તેને સ્‍વરક્ષણ કરતા આવડતુ હશે તો બાળકોને પાયાથી જ તાલીમ આપવી જરૂરી છે. ઘણા માતા-પિતાને ચિતા હોય છે કે કરાટેથી ભણવાનું બગડશે પરંતુ હકીકતમાં આ ટ્રેનિગથી મગજમાં બ્‍લડ સર્ક્‍યુલેશન વધે છે જેનાથી બાળકની યાદશક્‍તિ અને એકાગ્રતા શક્‍તિશાળી બને છે અને ભણવામાં ફાયદો થાય છે. વિદેશોમાં આ જ કારણે તેને સ્‍કૂલના અભ્‍યાસક્રમમાં ફરજિયાત કરવામાં આવ્‍યું છે. જે આપણે ત્‍યાં કરવાની જરૂર છે. નિયમિત માર્શલ આર્ટ્‍સ કરવાથી ડાયાબિટીસ, બીપી અને જોઈન્‍ટ્‍સના દુખાવા જેવા રોગો શરીરથી આપોઆપ દૂર રહે છે, સ્‍વાસ્‍થ્‍ય સારૂ રહે છે. જીતેન્‍દ્રભાઇ એકેડમીમાં ૫ વર્ષના બાળકથી લઈને ૬૦ વર્ષના વડીલો સુધીના તમામ લોકો તાલીમ આપે છે. વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચે, બીજાને આ કલા શિખવે, રોજગારી મેળવે, સ્‍વરક્ષણ કરે તેજ મુખ્‍ય ધ્‍યેય છે.

 જીતેન્‍દ્ર મારૂએ વુશુ કુંગફુ અને કરાટેમાં ગોલ્‍ડ મેડલ મેળવ્‍યો છે

રાજકોટમાં સેંકડો વિદ્યાર્થિઓને માર્શલ આર્ટ્‍સની સઘન તાલીમ આપી તૈયાર કરનાર શ્રી જીતેન્‍દ્રભાઇ મારૂ પોતે પણ અનેક સ્‍પર્ધાઓમાં એવોર્ડ અને ગોલ્‍ડ મેડલ જીતી ચૂક્‍યા છે. શ્રી જીતેન્‍દ્રભાઇએ જણાવ્‍યું હતું કે, મારા અનેક વિદ્યાર્થીઓને હું નેશનલ લેવલે સ્‍પર્ધાઓમાં ભાગ લેવા લઇ ગયો છુ અને તેમાં તેઓ વિજેતા પણ થયા છે. જ્‍યારે મારી વાત કરૂ તો હું પણ માર્શલ આર્ટ્‍સમાં ઘણીવાર નેશનલ લેવલે રમ્‍યો છું. ૧૯૯૬ થી લઇ ૨૦૦૦ સુધી મેં અનેક નેશનલ લેવલની સ્‍પર્ધાઓમાં ભાગ લીધો છે. નેશનલ સ્‍પર્ધા ચાઇનીસ વુશુ કુંગફુ ફેડરેશન ઓફ ઇન્‍ડિયામાં વર્ષ ૨૦૦૨ માં ચાંદખેડા ગાંધીનગર ખાતે યોજાયેલ ચેમ્‍પીયનશીપમાં પ્રથમ નંબરે વુશુ કુંગફુમાં ગોલ્‍ડ મેડલ સાથે વિજેતા થયા. એજ રીતે કરાટેમાં પણ ગોલ્‍ડ મેડલ મેળવ્‍યો.

ઉલ્‍લેખનીય છે કે, શ્રી જીતેન્‍દ્રભાઇએ ગોલ્‍ડ મેડલ અને અનેક સર્ટિફીકેટ તો મેળવ્‍યા છે પણ તેમના અસંખ્‍ય વિદ્યાર્થીઓએ પણ જીતેન્‍દ્રભાઇ પાસેથી તાલીમ મેળવી ગોલ્‍ડ મેડલ્‍સ મેળવ્‍યા છે. જીતેન્‍દ્રભાઇના વિદ્યાર્થીઓ પાસે શિખેલા વિદ્યાર્થીઓ પણ હાલ બહાર અન્‍યને તાલીમ આપી રહ્યા છે. નેપાળ, દુબઇ સહિત દેશભરમાં તેમના વિદ્યાર્થીઓ તાલીમ પામ્‍યા છે અને અન્‍યને આપી રહ્યા છે જે નોંધનીય છે.

(10:54 AM IST)