News of Monday, 5th October 2026
૧.૩૯ લાખના વ્હીસ્કીના ‘ચપલા' કારમાં ભરી નીકળેલા સુનિલ અને સાગર ઝડપાયા
ચુનારાવાડ, શિવાજીનગરના શખ્સો ક્યાંથી દારૂ ભરી લાવ્યા તેની તપાસઃ બેડી ચોકડીથી માલિયાસણના રસ્તે પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ પી. બી. ત્રાજીયા અને પીએઅસાઇ આર. કે. જાડેજાની ટીમની કામગીરીે મહિપાલસિંહ ઝાલા, અનિલભાઇ સોનારા, હરદેવસિંહ રાણા, હરપાલસિંહ ઝાલાની બાતમી

રાજકોટ તા. ૫: શહેરમાં દારૂની હેરાફેરી ડામવા અને બૂટલેગરોને દબોચી લેવાની કામગીરી દરમિયાન પીસીબીની ટીમે વધુ એક વખત દારૂનો જથ્થા સાથે બે શખ્સને પકડી લીધા છે. બેડી ચોકડીથી માલીયાસણ તરફ જતાં રસ્તા પર સ્વીફટ કારમાં દારૂનો જથ્થો ભરીને નીકળેલા ચુનારાવાડ, શીવાજીનગરના બે શખ્સોને પકડી લઇ ૧.૩૯ લાખનો દારૂ અને કાર કબ્જે કરી બંને શખસની વધુ પુછતાછ હાથ ધરવામાં આવી છે.
જાણવા મળ્યા મુજબ પીસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ મહિપતસિંહ ઝાલા, અનિલભાઇ સોનારા, હેડકોન્સ. હરદેવસિંહ રાણા, કોન્સ. હરપાલસિંહ ઝાલાને મળેલી બાતમી પરથી બેડી ચોકડીથી માલીયાસણ ચોકડી તરફના રોડ પર વોચ રાખી જીજે૦૩એનએફ-૪૯૧૫ નંબરની સ્વીફટ કાર આંતરી લીધી હતી. જેમાં દારૂનો જથ્થો હતો. પોલીસે કારમાંથી એઇટી પીએમના રૂા. ૧,૧૪,૦૪૮ના ૧૮૦ એમએલના ૨૬૪ ચપલા તથા ગ્રીન લેબલ વ્હીસ્કીના રૂા. ૨૫૩૪૪ના ૧૮૦ એમએલના ૯૬ ચપલા કબ્જે કરી પાંચ લાખની કાર પણ જપ્ત કરી કુલ રૂા. ૬,૩૯,૩૯૨નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. કારમા બેઠેલા બે શખસોએ પોતાના નામ સુનિલ કિશનભાઇ સોલંકી (ઉ.વ.૨૯-રહે. ચુનારાવાડ-૧, આજી નદી કાંઠે) અને સાગર ભરતભાઇ મકવાણા (ઉ.વ.૨૫-રહે. શિવાજીનગર-૧૦, દૂધ સાગર રોડ) જણાવ્યા હતાં. બંનેની ધરપકડ કરી દારૂ ક્યાંથી લાવ્યા તેની તપાસ શરૂ કરવામાં આવી છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, પીએસઆઇ આર. કે. જાડેજા, એએસઆઇ મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, અનિલભાઇ સોનારા, હેડકોન્સ. કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, સંજયભાઇ રૂપાપરા, કોન્સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, હિરેન્દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવે અને હરપાલસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.
(3:42 PM IST)










