News of Tuesday, 14th April 2026
રાજકોટમાં સૂર્યનારાયણ લાલઘૂમઃ બપોરે પારો ૪૧.૪ ડિગ્રીએ પહોંચતા શહેર ભઠ્ઠીની જેમ શેકાયું
૧૮ કિમીની ઝડપે ફૂંકાયેલા ગરમ પવનોએ લોકોની હાડમારી વધારી; બપોરના સમયે રાજમાર્ગો પર સંચારબંધી જેવો માહોલ

રાજકોટ, તા.૧૪: સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં આજે ગરમીનો પ્રચંડ પ્રકોપ જોવા મળ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી સતત વધી રહેલા તાપમાન વચ્ચે આજે બપોરે ૨:૩૦ વાગ્યે મહત્તમ તાપમાન ૪૧.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાતા શહેર આખું અગનભઠ્ઠીમાં ફેરવાયું હતું. આભમાંથી વરસતી આગ અને સાથે ફૂંકાતા ગરમ પવનોને કારણે જનજીવન પ્રભાવિત થયું છે.
આજે ગરમીની સાથે પવનની ગતિ પણ નોંધપાત્ર રહી હતી. સરેરાશ ૧૮ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનોને કારણે લોકોએ લૂનો અહેસાસ કર્યો હતો. ગરમ પવનોના સુસવાટાને લીધે ટુ-વ્હીલર ચાલકો અને રાહદારીઓની હાલત કફોડી બની હતી. આંખમાં બળતરા અને ત્વચા પર દઝાડતી ગરમીને કારણે લોકોએ મોઢે રૂમાલ અને ચશ્મા પહેરીને જ બહાર નીકળવાનું પસંદ કર્યું હતું.
તાપમાનનો પારો ૪૧ ડિગ્રીને પાર કરી જતાં બપોરે ૧ થી ૪ વાગ્યા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો જેવા કે યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ અને ધર્મેન્દ્ર રોડ પર ટ્રાફિક નહિવત જોવા મળ્યો હતો. બપોરના સમયે બજારોમાં ગ્રાહકોની અવરજવર ઓછી થતા વેપારીઓએ પણ આરામ કરવાનું મુનાસિબ માન્યું હતું.
(3:00 PM IST)










