<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

વેરામાં વ્‍યાજ માફી યોજનાની મુદત બે મહિના લંબાવાશે

કાલે મનપાની સ્‍ટેન્‍ડીંગ કમિટી બેઠક : વિવિધ વિકાસ કામોની ૩ર દરખાસ્‍ત મિલ્‍કત તથા પાણી વેરામાં પ હજાર સુધીનો વેરો માફ કરવાની યોજના ૩૦ નવેમ્‍બર સુધી લંબાવાશે : નાનામવા વિસ્‍તારમાં આધુનિક ફૂડ લેબોરેટરી બનશેઃ મુંજકામાં જેટકો માટે જમીન વેચાણ આપવી તથા ડ્રેનેજ, દબાણ વિભાગ માટે વાહન ખરીદવા લેવાશે નિર્ણય

રાજકોટ, તા.૧૫: શહેરના મિલ્‍કત-પાણી વેરા બાકીદારો માટે વ્‍યાજ માફીની મુદત બે મહિના લંબાવવા મનપા શાસકો કાલની સ્‍ટેન્‍ડીંગમાં નિર્ણય લઇ લોકોને રાહત આપે તેવી શકયતા છે. જયારે ફૂડ શાખા દ્વારા ખાદ્ય પદાર્થોનું વડોદરા ખાતે લેબ ટેસ્‍ટીંગ કરવામાં આવે છ તેને બદલે વોર્ડ નં. ૧૦ના નાના મૌવા વિસ્‍તારમાં અદ્યતન ફૂડ લેબોરેટરી તથા આરોગ્‍ય કેન્‍દ્ર બનાવવાની દરખાસ્‍ત અંગે પણ નિર્ણય લેવાશે. જયારે શહેરને પાણી પુરૂ પાડતા ન્‍યારી-૧ ડેમની કન્‍ડીશન રીવ્‍યું કરાવવા પણ શાસકો મંજુરીની મહોર મારી શકે છે. સાથે જ ડ્રેનેજ શાખા, ગાર્ડન, શાખા, દબાણ શાખા તથા સોલીડ વેસ્‍ટ શાખા માટે જરૂરીયાત મુજબ વાહનો ખરીદવા  સહિતની કુલ ૩ર દરખાસ્‍તો અંગે સતાધીશો કાલે નિર્ણય લઇ નગરજનોને વિકાસની ભેટ આપનાર છે.

મહાનગરપાલિકાની સ્‍ટેન્‍ડિંગ કમિટીની બેઠક કાલે શુક્રવાર, તા. ૧૬ ના બપોરે ૧૨:૩૦ કલાકે સ્‍ટે. ચેરમેન પરેશ પીપળીયાનાં અધ્‍યક્ષ સ્‍થાને  મળનાર છે.  મહાનગરપાલિકાની સેન્‍ટ્રલ ઝોન કચેરીના પ્રથમ માળે આવેલા સ્‍ટેન્‍ડિંગ કમિટી કોન્‍ફરન્‍સ રૂમમાં યોજાનારી આ બેઠકમાં વિવિધ વિભાગોને લગતી કુલ ૩૨ દરખાસ્‍તો પર ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે. તેની વિગત આ મુજબ છે.

વ્‍યાજમાફીની મુદત લંબાવવાઇ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બાકી મિલકતવેરો તથા પાણીના ચાર્જની વસૂલાત માટે વ્‍યાજમાફીની યોજના અમલમાં મૂકવામાં આવી છે. હવે આ યોજનાની મુદત વધારીને તા. ૧ ઑક્‍ટોબરથી તા. ૩૦ નવેમ્‍બર, ૨૦૨૬ સુધી રાખવાની દરખાસ્‍ત સ્‍ટેન્‍ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવી છે.

આ વ્‍યાજ માફી યોજનાને તા. ૩૦ સપ્‍ટેમ્‍બર સુધી મંજુરી મળેલ, જે યોજનાઓમાં ૭૪પ૧ કરદાતાઓ દ્વારા ૧૬ કરોડનો વેરો ભરપાઇ કરી અંદાજીત ર કરોડ સુધી વ્‍યાજમાફીનો લાભ લીધેલ છે.

ચાલુ વષર્ેે વસુલાત ટાર્ગેટ મોટો હોય અને વધુમાં વધુ કરતાઓને યોજનાનો લાભ મળી રહે તે હેતુથી મિલ્‍કત-વેરા અને પાણીચાર્જીસમાં આ વ્‍યાજ માફી યોજનાની તા. ૦૧ ઓકટોબરથી ૩૦ નવેમ્‍બર સુધી મુદત વધારવામાં આવે તો અંદાજીત ર૦ હજાર કરદાતાઓ દ્વારા ૪૦ કરોડ સુધીની રકમ ભરપાઇ થવાની શકયતા છે.

આ દરખાસ્‍તને કાલની બેઠકમાં મંજૂરી આપવામાં આવે તો બાકી મિલકતવેરો અને વોટર ચાર્જ ધરાવતા કરદાતાઓને વ્‍યાજમાફીનો લાભ મેળવવા માટે વધુ સમય મળશે. મનપાના અનેક કરદાતાઓએ હજુ સુધી બાકી રકમ ભરપાઈ કરી ન હોવાથી વ્‍યાજમાફીની મુદત લંબાવવામાં આવે તેવી અપેક્ષા વ્‍યક્‍ત થઈ રહી હતી. હવે આ મુદ્દે કાલે સ્‍ટેન્‍ડિંગ કમિટી અંતિમ નિર્ણય લેશે.

ન્‍યારી-૧ ડેમની સુરક્ષાનું નિરીક્ષણ

બેઠકમાં રાજકોટ મહાનગરપાલિકાના હસ્‍તકના ન્‍યારી-૧ ડેમની સ્‍થિતિનું નિરીક્ષણ કરાવવા અને કેન્‍દ્ર સરકાર માન્‍ય ‘કોમ્‍પ્રિહેન્‍સિવ ડેમ સેફ્‌ટી રિવ્‍યૂ પેનલ' મારફતે ડેમની ચકાસણી કરાવવાની દરખાસ્‍ત પણ રજૂ કરવામાં આવી છે. ડેમ સેફ્‌ટી એક્‍ટની જોગવાઈઓ મુજબ ડેમની નિયમિત ચકાસણી, સલામતીનું મૂલ્‍યાંકન, માટી તથા કોંક્રિટના બાંધકામની સ્‍થિતિ, મિકેનિકલ અને ઇલેક્‍ટ્રિકલ સાધનોની કામગીરી તેમજ આપત્તિ વ્‍યવસ્‍થાપન યોજનાની સમીક્ષા કરવી જરૂરી છે. પેનલ દ્વારા ચકાસણી પૂર્ણ થયા બાદ ન્‍યારી-૧ ડેમનો વિસ્‍તળત ‘હેલ્‍થ રિપોર્ટ' તૈયાર કરવામાં આવશે. ન્‍યારી-૧ ડેમ રાજકોટ શહેરના મોટા વિસ્‍તાર માટે પાણીનો મહત્‍વપૂર્ણ સ્રોત હોવાથી તેની સુરક્ષા અને મજબૂતીનો મુદ્દો પણ મહત્ત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે.

વોર્ડ નંબર ૧૦માં ફૂડ લેબોરેટરી અને આરોગ્‍ય કેન્‍દ્ર

શહેરના વોર્ડ નંબર ૧૦માં આધુનિક ફૂડ લેબોરેટરી, આરોગ્‍ય કેન્‍દ્ર અને મેલેરિયા ઓફિસ બનાવવાની દરખાસ્‍ત પણ સ્‍ટેન્‍ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવી છે. આ કામનો અંદાજિત ખર્ચ રૂ. ૩.૫૨ કરોડથી વધુ દર્શાવવામાં આવ્‍યો છે. હાલ રાજકોટ મહાનગરપાલિકા પાસે પૂરતી અને આધુનિક સુવિધાઓ ધરાવતી ફૂડ લેબોરેટરી ન હોવાથી શહેરમાંથી લેવામાં આવતા વિવિધ ખાદ્યપદાર્થોના નમૂનાઓ ચકાસણી માટે બહાર મોકલવા પડે છે. પરિણામે તપાસના અહેવાલ મેળવવામાં વધુ સમય લાગતો હોવાની રજૂઆત કરવામાં આવી છે.

નવી ફૂડ લેબોરેટરી બનવાથી ખાદ્યપદાર્થોના નમૂનાઓની સ્‍થાનિક સ્‍તરે ઝડપી તપાસ થઈ શકશે. આ ઉપરાંત આરોગ્‍ય કેન્‍દ્ર તથા મેલેરિયા ઓફિસના નિર્માણથી દીપવન પાર્ક, મેઇન રોડ, સયાજી હોટલ પાછળ અને આસપાસના વિસ્‍તારના લોકોને આરોગ્‍યલક્ષી સુવિધાઓ નજીકમાં ઉપલબ્‍ધ થશે.

GETCOને સબ-સ્‍ટેશન માટે જમીન આપવાની દરખાસ્‍ત

મહાનગરપાલિકાની હદમાં આવેલા મુંજકા વિસ્‍તારમાં ગુજરાત એનર્જી ટ્રાન્‍સમિશન કોર્પોરેશન લિમિટેડ-GETCOને નવા સબ-સ્‍ટેશન માટે જમીન વેચાણથી આપવાની દરખાસ્‍ત પણ બેઠકમાં નિર્ણયાર્થે મૂકવામાં આવશે.

મુંજકા વિસ્‍તારની બે અલગ-અલગ નગર રચના યોજનાઓમાં આવેલા કુલ બે પ્‍લોટ, જેનું કુલ ક્ષેત્રફળ અંદાજે ૮,૦૯૧ ચોરસ મીટર છે, તે GETCOને આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ જમીનની કુલ કિંમત અંદાજે રૂ. ૨૫.૪૯ કરોડ નક્કી કરવામાં આવી હોવાનું દરખાસ્‍તમાં જણાવાયું છે.  નવું સબ-સ્‍ટેશન ઉભું થતાં રાજકોટના વિસ્‍તરતા શહેરી વિસ્‍તારમાં વીજળીની વધતી માગને પહોંચી વળવામાં મદદ મળશે. જોકે, જમીન વેચાણની શરતો અને નિયત કિંમત અંગે સ્‍ટેન્‍ડિંગ કમિટીની મંજૂરી મેળવવી જરૂરી હોવાથી આ દરખાસ્‍ત બેઠકમાં રજૂ કરાઈ છે.

રાત્રિ સફાઈ માટે ત્રણ વર્ષનો કોન્‍ટ્રાક્‍ટ

શહેરના મુખ્‍ય માર્ગોની રાત્રિ દરમિયાન સફાઈ કરવા માટે ટ્રક માઉન્‍ટેડ મિકેનિકલ પાવર રોડ વેકયુમ સ્‍વીપિંગ મશીનનો ત્રણ વર્ષનો રેટ કોન્‍ટ્રાક્‍ટ કરવાની દરખાસ્‍ત પણ એજન્‍ડામાં સામેલ છે. આ કામગીરીનો કુલ અંદાજિત ખર્ચ રૂ. ૧૧ કરોડ જેટલો દર્શાવવામાં આવ્‍યો છે. રાત્રિ દરમિયાન મશીનથી મુખ્‍ય રસ્‍તાઓની સફાઈ કરવામાં આવે તો દિવસ દરમિયાન વાહનવ્‍યવહારને ઓછો અવરોધ પડે અને શહેરની સ્‍વચ્‍છતા વધુ સારી રીતે જાળવી શકાય તેવા હેતુથી આ દરખાસ્‍ત તૈયાર કરવામાં આવી છે.

ં શહેરના વિવિધ વિસ્‍તારોમાં ગટરલાઇન, પાણીની પાઇપલાઇન, રસ્‍તા તથા પેવિંગ બ્‍લોકનાં કામોને લગતી અનેક દરખાસ્‍તો રજૂ કરવામાં આવશે. વોર્ડ નંબર ૧૨માં પ્રાઇવેટાઇઝેશનથી ભૂગર્ભ ગટરની ફરિયાદોનો નિકાલ કરવા માટે અંદાજે રૂ. ૧૫ લાખનો કોન્‍ટ્રાક્‍ટ આપવા દરખાસ્‍ત છે. વોર્ડ નંબર ૧૬માં કોઠારિયા રોડ ફાયર સ્‍ટેશનનું નવીનીકરણ કરવાનું કામ પણ બેઠકના એજન્‍ડામાં સામેલ છે.

વોર્ડ નંબર ૮માં સાધુ વાસવાણી રોડથી ગંગોત્રી રોડ સુધી તેમજ આસપાસના વિસ્‍તારમાં રસ્‍તાની સાઇડ સોલ્‍ડરમાં પેવિંગ બ્‍લોક નાખવાના કામ માટે પણ ખર્ચ મંજૂર કરવાની દરખાસ્‍ત મૂકવામાં આવી છે. અલગ-અલગ વિસ્‍તારોમાં પાઇપલાઇન, પેવિંગ બ્‍લોક, સિવિલ કામ તથા અન્‍ય મરામત કામગીરી માટેના કોન્‍ટ્રાક્‍ટ અંગે નિર્ણય લેવામાં આવશે.

વાહનો અને મશીનરી ખરીદાશે

ડ્રેનેજ શાખા માટે ત્રણ જેટિંગ મશીનવાળા વાહનો અને ગાર્ડન શાખા માટે ત્રણ નવા હાઇડ્રોલિક પ્‍લેટફોર્મ વાહનો ખરીદવાની દરખાસ્‍ત રજૂ કરવામાં આવી છે. દબાણ હટાવ વિભાગ માટે બે નવા ટ્રક અને સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખા માટે બે ડીઝલ ડિસ્‍પેન્‍સર યુનિટ વાહનો ખરીદવાનો પ્રસ્‍તાવ પણ સામેલ છે. સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખાના ઉપયોગ માટે પાંચ ટ્રક માઉન્‍ટેડ મિકેનિકલ પાવર રોડ વેકયુમ સ્‍વીપિંગ મશીન ખરીદવા તથા તેના પાંચ વર્ષના ઓપરેશન અને મેઇન્‍ટેનન્‍સ માટે પણ મોટી રકમની દરખાસ્‍ત નિર્ણયાર્થે મૂકવામાં આવી છે.

આ ઉપરાંત સ્‍ટેન્‍ડીંગ કમિટીમાં શહેર બસ સેવા, બીઆરટીએસ તથા અન્‍ય વાહનો પર જાહેરાત માટેના દર નક્કી કરવા અને સંબંધિત કામગીરીનો રેટ કોન્‍ટ્રાક્‍ટ કરવા તથા  વોર્ડ નં. ૩ માં માધાપર અને મનહરપુર વિસ્‍તારમાં જુદી જુદી શેરીઓમાં અને ટીપી રોડ પર મેટલીંગ કરવાના કામનો કોન્‍ટ્રાક્‍ટ આપવા એક્‍સ આર્મીમેનની તદન હંગામીધોરણે ૧૧ માસ માટે નિમણુંક કરવા, વય મર્યાદા ૪૫ થી વધારી ૫૨ વર્ષ કરવા અને માસીક પગાર રૂા. ૨૫ હજારથી વધારી ૩૫ હજાર કરવા, સુએજ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ પરથી અપાતા ટ્રીટેડ વેસ્‍ટ વોટરનો પુનઃ વપરાશ કરવાનો દર અને નિયમો નક્કી કરવા, રાત્રી સફાઈ માટે ત્રણ વેકયુમ સ્‍વીપીંગ મશીનની ખરીદી કરવા, વોર્ડ નં. ૧૨ માં પ્રઈવેટાઈઝેશનથી ભુગર્ભ ગટરની ફરિયાદનો નિકાલનો કોન્‍ટ્રાક્‍ટ આપવા, વોર્ડ નં. ૧૬માં કોઠારિયા રોડ ફાયર સ્‍ટેશનના રિનોવેશન માટે રૂા. ૪૫.૫૫ લાખનો ખર્ચ મંજુર કરવા, ડ્રેનેજ શાખાના ઉપયોગ માટે ત્રણ જેટીંગ મશીન ખરીદવા, ગાર્ડન શાખાના ઉપયોગ માટે ત્રણ નવા હાઈડ્રોલીક પ્‍લેટફોર્મ ખરીદવા, દબાણ હવાટ શાખાના ઉપયોગ માટે બે નવા વાહન ખરીદવા, સોલીડ વેસ્‍ટ શાખાના ઉપયોગ માટે ડિઝલ ડિસ્‍પેન્‍શન યુનિટ વાહનની ખરીદી કરવા સહિતની ૩૨ દરખાસ્‍તો અંગે નિર્ણયો લેવામાં આવશે.

(3:30 PM IST)