<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd July 2026

કેવડાવાડીના સોની વેપારી તેજસ રાણપરાએ મોરબી, સુરત, મુંબઇના ૮ શખ્‍સોની ધમકીથી જીવ દીધો'તો

પાંચ વર્ષ પહેલા દેવપરામાં બી.એમ. જ્‍વેલર્સ નામે દુકાન ચાલુ કરી હતીઃ ધંધામાં ખોટ જતાં પૈસા ચુકવી શક્‍યા નહોતાં : મોરબીના હાર્દિક ગોસ્‍વામી, તેના પિતા ભરતભાઇ ગોસ્‍વામી, મુંબઇના વિનોદભાઇ, સુરતના અરવિંદભાઇ તેમજ વિપુલભાઇ, રવિભાઇ, યશભાઇ અને ભાયજી ફોનથી અને રૂબરૂ આવી સતત ધમકીઓ આપતાં હોઇ કંટાળીને એસિડ પી લીધાની મૃતકના માતા ગીતાબેન રાણપરાની ફરિયાદ પરથી ભક્‍તિનગર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૨: કેવડાવાડીમાં રહેતાં સોની વેપારી તેજસભાઇ શિરીષભાઇ રાણપરા (ઉ.વ.૩૯)એ દેવપરામાં આવેલી પોતાની દુકાનમાં એસિડ પી આપઘાત કરી લીધાની ઘટનામાં પૈસાની ઉઘરાણી માટેનો ત્રાસ જવાબદાર હોવાનું ખુલતાં મોરબી, સુરત, મુંબઇના પિતા-પુત્ર સહિત ૮ શખ્‍સો સામે આપઘાતની દુષ્‍પ્રેરણાનો ગુનો દાખલ કરાયો છે. વેપારી આ શખ્‍સો સાથે સોનાના દાગીનાની લે-વેંચનો વેપાર કરતાં હતાં. પણ નુકસાની જતાં રકમ ચુકવી ન શકતાં વારંવાર ધમકીઓ અપાતી હતી. તેના કારણે પગલુ ભર્યાનું ખુલ્‍યું છે. પોલીસે એક સ્‍યુસાઇડ નોટ મળી હતી તેના આધારે કાર્યવાહી કરી છે.

આ બનાવમાં ભક્‍તિનગર પોલીસે કેવડાવાડી-૧૫માં માસુમ પ્‍લે ગ્રુપ પાછળની શેરીમાં રહેતાં ગીતાબેન શિરીષભાઇ રાણપરા (ઉ.વ.૫૮)ની ફરિયાદ પરથી મોરબીના હાર્દિક ભરતભાઇ ગોસ્‍વામી, મુંબઇ રહેતાં ભરત ગોસ્‍વામી, સુરતના વિનોદભાઇ, અરવિંદભાઇ ગઢવી તેમજ વિપુલભાઇ, રવિભાઇ, યશભાઇ, ભાઇજી નામના શખ્‍સો વિરૂધ્‍ધ આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધ્‍યો છે.

ગીતાબેન રાણપરાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું પતિ શિરીષભાઇ ચીમનલાલ રાણપરા સાથે રહુ છું. સંતાનમાં બે દિકરા તેજસભાઇ અને રૂપેશભાઇ છે. તેજસભાઇના પત્‍નિનું નામ બીજલબેન છે અને તેને સંતાનમાં એક દિકરો તથા એક દિકરી છે. રૂપેશભાઇના પત્‍નિનું નામ શ્વેતાબેન છે. તેને સંતાનમાં એક દિકરો અને એક કિદરી છે. પાંચ વર્ષ પહેલા મારા બંને દિકરાઓ તેજસભાઇ અને રૂપેશભાઇએ  દેવપરા શક્‍તિ હોટેલવાળી શેરીમાં બી.એમ.જ્‍વેલર્સ નામે સોના-ચાંદીના દાગીનાની દુકાન ચલાવતા હતા. મોટો દીકરો તેજસભાઇ દાગીનાની ખરીદ-વેચાણનું કામ કરતો હતો. વર્ષ ૨૦૨૫ ના ડિસેમ્‍બર મહિનામાં તેણે પરિવારને જણાવ્‍યું હતું કે તેણે મોરબીના હાર્દિકભાઈ ભરતભાઈ ગોસ્‍વામી અને તેમના પિતા ભરતભાઈ ગોસ્‍વામી પાસેથી સોનાના દાગીના ખરીદ્યા હતા, જેમાં ધંધામાં નુકસાન જતા ૨૦ લાખ રૂપિયા ચુકવવાના બાકી નીકળતા હતા. આ પૈસાની ઉઘરાણી કરવા આ બંને દુકાને આવી ધમકી આપે છે. જેથી પરિવારજનોએ તેને કટકે કટકે   પૈસા ચુકવી આપવા કહ્યું હતું.

ત્‍યારબાદ હાર્દિકભાઈએ મુંબઈના સોનાના વેપારી વિનોદભાઈ સાથે ઓળખાણ કરાવી આશરે ૩૦ લાખના દાગીના મંગાવ્‍યા હતા, જેના નાણાં ચુકવવા માટે તેજસભાઇએ સુરતના અરવિંદભાઈ ગઢવી પાસેથી ઉછીના પૈસા લીધા હતા. જો કે, વિનોદભાઈએ પુરતો માલ ન મોકલતા વેપારનું આખું રોટેશન ફરી ગયું હતું. આ સિવાય અન્‍ય શખ્‍સો વિપુલભાઈ, રવિભાઈ, યશભાઈ અને ભાયજી નામના વ્‍યક્‍તિઓ સાથે પણ સોનાના દાગીનાની ખરીદ-વેચાણના કારણે નાણાંકીય લેણદેણ ઊભી થઈ હતી.

 તેજસભાઇએ આ તમામને કટકે-કટકે નફા સાથે રકમ ચુકવી હોવા છતાં તેઓ વધુ નાણાંની માંગણી કરતા હતા. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે ગત દિવસોમાં મોરબીના ભરતભાઈ ગોસ્‍વામી અને કાંતિભાઈ નામના શખ્‍સો રાજકોટ ખાતે તેજસભાઇની દુકાને આવ્‍યા હતા અને ઉઘરાણી બાબતે બોલાચાલી કરીને-જો પૈસા નહીં આપે તો તને જીવવા નહીં દઉં તેવી ગર્ભિત ધાક-ધમકીઓ આપી હતી. આ ઉપરાંત મુંબઈના વિનોદભાઈ, સુરતના અરવિંદભાઈ ગઢવી સહિતના અન્‍ય આરોપીઓ પણ અવારનવાર ફોન કરીને માનસિક ત્રાસ આપતા હતા અને પરિવારને નુકસાન પહોંચાડવાની ધમકીઓ આપતા હતા.

આ બધાના  સતત આવતા ફોન, ગર્ભિત ધમકીઓ અને અસહ્ય માનસિક ત્રાસથી કટાળી જઈને ગત તારીખ ૧૯/૦૬ના રોજ તેજસભાઇએ પોતાની જ દુકાનમાં નાઈટ્રિક એસિડ પી લીધું હતું. તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા હતાં. પરંતુ અહિ ઓપરેશન બાદ સારવાર દરમિયાન ૨૨/૬ના રોજ મૃત્‍યુ થયું હતું. મળત્‍યુ બાદ તેજસભાઇના પેન્‍ટના ખિસ્‍સામાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી, જેમાં આરોપીઓના ત્રાસનો ઉલ્લેખ કરાયો હતો. આ ચિઠ્ઠી ગીતાબેને પોલીસ સમક્ષ રજૂ કરતાં તેના આધારે તમામ સામે તેજસભાઇને ઉઘરાણી માટે ફોન કરી ધમકી દઇ મરી જવા મજબૂર કર્યાનો ગુનો નોંધ્‍યો છે. પીઆઇ જે. ડી. પરમારની રાહબરીમાં પીએસઆઇ એસ. એચ. ગોહિલે વધુ તપાસ હાથ ધરી છે.

(3:00 PM IST)