News of Friday, 18th September 2026
શિક્ષણ સમિતિની ચૂંટણીના ભાજપના ઉમેદવારો અંગે પણ ‘કમલમ'માં ચર્ચાની શકયતા
૨૧ ઓક્ટોબરે યોજાનારી ચૂંટણી માટે ૧૫૦થી વધુ દાવેદારો હોવાની ચર્ચાઃ પ્રદેશ કક્ષાએ નક્કી કરાયેલા માપદંડોના આધારે નામોની છણાવટ બાદ અંતિમ નામો પર વિચારણા થાય તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચા

રાજકોટઃ મહાનગર ભાજપ કાર્યાલય ‘કમલમ' ખાતે રાજકોટ શહેર ભાજપના પ્રભારી અને પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવેની ઉપસ્થિતિમાં યોજાયેલી સંગઠનાત્મક બેઠકો વચ્ચે આગામી ૨૧ ઓક્ટોબરે યોજાનારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોના નામ અંગે પણ ચર્ચા થઈ શકે તેવી ચર્ચાએ રાજકીય વર્તુળોમાં જોર પકડ્યું છે.
સામાન્ય રીતે રાજકોટના પ્રભારીની ઉપસ્થિતિમાં દર મહિને શહેર સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક યોજાતી હોય છે. જોકે, શિક્ષણ સમિતિની ચૂંટણી નજીક આવી રહી હોવાથી આ વખતે સંગઠનાત્મક કાર્યક્રમોની સમીક્ષા ઉપરાંત ચૂંટણી માટે સંભવિત ઉમેદવારો અંગે પણ વિચારવિમર્શ થવાની શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય બનવા માટે ૧૫૦થી વધુ લોકોએ દાવેદારી દર્શાવી હોવાનું જાણવા મળે છે. આ તમામ નામો અંગે સંગઠન કક્ષાએ ચર્ચા કર્યા બાદ પ્રદેશ મોવડી મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલા જરૂરી માપદંડ અને લાયકાતને ધ્યાનમાં રાખીને નામોની છણાવટ કરવામાં આવે તેવી ચર્ચા છે.
સંગઠનના વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ દાવેદારોની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને પ્રથમ તબક્કે નામોની શોર્ટલિસ્ટિંગ થઈ શકે છે અને ત્યારબાદ અંતિમ નામો અંગે પ્રદેશ કક્ષાએ વિચારણા કરવામાં આવી શકે છે. જોકે, ઉમેદવારો અંગે પક્ષ તરફથી સત્તાવાર જાહેરાત થાય ત્યાં સુધી કયા નામો અંતિમ રહેશે તે સ્પષ્ટ નથી.
આમ, કમલમ ખાતેની સંગઠનાત્મક બેઠકોની સાથે ૨૧ ઓક્ટોબરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી અને ભાજપના સંભવિત ઉમેદવારોનો મુદ્દો પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે
(3:33 PM IST)










