News of Monday, 13th July 2026
નાના લારી-ગલ્લા ધારકોની રોજગારી સાથે અન્યાય ન થાયઃ પ્રથમ વૈકલ્પિક સ્થળ ફાળવી પછી જ કાર્યવાહી કરોઃ કોંગ્રેસ
શહેર પ્રમુખ ડો.રાજદિપસિંહ જાડેજાની આગેવાનીમાં મ્યુ.કમિશનરને રજુઆત

રાજકોટ, તા.૧૩: શહેર કોંગ્રેસ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી શહેરમાં નાના લારી-ગલ્લા ધારક વેપારીઓ સામે ચાલી રહેલી કાર્યવાહી તાત્કાલિક સ્થગિત કરવાની માંગ કરી છે.
ડો. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે હાલ વધતી જતી મોંઘવારી અને આર્થિક મુશ્કેલીઓ વચ્ચે રોજ કમાઈને રોજ ગુજરાન ચલાવતા હજારો નાના વેપારીઓ અને તેમના પરિવારો માટે જીવન નિર્વાહ કરવો મુશ્કેલ બન્યો છે. આવા સમયમાં કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર લારી-ગલ્લા હટાવવાની કાર્યવાહી કરવાથી અનેક પરિવારોની રોજીરોટી છીનવાઈ જવાની સ્થિતિ સર્જાઈ રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો ટ્રાફિક વ્યવસ્થા, જાહેર સુવિધા અથવા અન્ય વહીવટી કારણોસર સ્થળાંતર જરૂરી હોય તો મહાનગરપાલિકાએ સૌપ્રથમ વેપારીઓના ધંધાની પ્રકળતિ અને ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને યોગ્ય વૈકલ્પિક સ્થળ ફાળવવું જોઈએ. વેપારીઓની રોજગારી સુરક્ષિત કર્યા બાદ જ કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવી જોઈએ.
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિએ સ્પષ્ટ જણાવ્યું છે કે કોંગ્રેસ પક્ષ હંમેશા નાના વેપારીઓ, શ્રમિકો અને ગરીબ વર્ગના હિતમાં મજબૂતીથી અવાજ ઉઠાવતો આવ્યો છે અને ભવિષ્યમાં પણ તેમની રોજગારી તથા અધિકારોના રક્ષણ માટે સતત લડત આપતો રહેશે.
અંતમાં ડો. રાજદીપસિંહ જાડેજાએ રાજકોટ મહાનગરપાલિકાને માનવતાભર્યો અભિગમ અપનાવી નાના વેપારીઓની રોજગારી સુરક્ષિત રહે તે માટે તાત્કાલિક કાર્યવાહી અટકાવી યોગ્ય વૈકલ્પિક સ્થળ ફાળવવાનો નિર્ણય લેવા અપીલ કરી છે.
(3:26 PM IST)










