<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

રેટ કોન્‍ટ્રાક્‍ટની નીતિમાં થશે ધરમૂળથી ફેરફાર, સ્‍ટેન્‍ડિંગ કમિટીએ ભ્રષ્ટાચારના મૂળ પર ચલાવી કાતર

જંગલેશ્‍વર ડિમોલિશન બાદ જાગેલી તંત્રની આંખઃ તમામ RCનું તલસ્‍પર્શી રિવ્‍યૂઃ પૂર્ણ થયેલા કરારોમાં તાત્‍કાલિક નવા ટેન્‍ડર અને બજારભાવથી ઓછા દર સુધી સતત ટેન્‍ડરિંગની સૂચના

રાજકોટ, તા.૧: મહાનગરપાલિકાના જંગલેશ્વર ડિમોલિશન પ્રકરણ બાદ રેટ કોન્‍ટ્રાક્‍ટ (RC) અને ઝોનલ કોન્‍ટ્રાક્‍ટની સમગ્ર વ્‍યવસ્‍થાને લઈને સ્‍ટેન્‍ડિંગ કમિટીએ ઐતિહાસિક નિર્ણય લીધો છે. વર્ષોથી ચાલતી રેટ કોન્‍ટ્રાક્‍ટની પદ્ધતિને ભ્રષ્ટાચારનું મૂળ ગણાવતા સ્‍ટેન્‍ડિંગ કમિટીએ તમામ પ્રવર્તમાન રેટ કોન્‍ટ્રાક્‍ટનું વિગતવાર અને તલસ્‍પર્શી રિવ્‍યૂ કરવા મ્‍યુનિસિપલ કમિશનરને તાકીદ કરતો ઠરાવ પસાર કર્યો છે. સાથે જ જે રેટ કોન્‍ટ્રાક્‍ટની મુદત પૂર્ણ થઈ ગઈ છે તેમાં તાત્‍કાલિક નવા ટેન્‍ડર બહાર પાડવાની પણ સૂચના આપવામાં આવી છે.

જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન થયેલા ખર્ચે સમગ્ર વ્‍યવસ્‍થાની પોલ ખોલી નાખી છે. રેટ કોન્‍ટ્રાક્‍ટના આધારે માત્ર ૨૦૦ એમએલની પાણીની બોટલ માટે રૂ. ૮ ચૂકવવામાં આવ્‍યા હોવાનું સામે આવ્‍યું છે, જ્‍યારે બજારમાં આ જ બોટલ રૂ. ૫માં સરળતાથી ઉપલબ્‍ધ છે. એટલું જ નહીં, વિડિયોગ્રાફી, ફોટોગ્રાફી, કાટમાળ હટાવવાની કામગીરી અને જેસીબીના ભાડામાં પણ લાખો રૂપિયાના સંભવિત ગેરવાજબી ખર્ચ અને ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્‍યા છે.

રેટ કોન્‍ટ્રાક્‍ટ વ્‍યવસ્‍થાની સૌથી મોટી ખામી એ છે કે એક વખત સ્‍ટેન્‍ડિંગ કમિટીમાં કરારને મંજૂરી મળ્‍યા બાદ ત્‍યારબાદ તે કરાર હેઠળ થતાં ખર્ચ અને બિલો માટે ફરીથી સ્‍ટેન્‍ડિંગ કમિટીની મંજૂરી લેવાની જરૂર રહેતી નથી. પરિણામે વર્ષો સુધી એક જ દરે જથ્‍થાબંધ ખરીદી થતી રહે છે અને બજારભાવ કરતાં બમણા-ત્રણ ગણા ભાવે વસ્‍તુઓની ખરીદી થતી હોવાના આક્ષેપો લાંબા સમયથી ઉઠતા રહ્યા છે. રેટ કોન્‍ટ્રાક્‍ટના કારણે ચુકવણીઓ પણ ઝડપી થઈ જતી હોવાથી નાણાકીય નિયંત્રણ પર પ્રશ્‍નો ઉભા થયા છે.

સ્‍ટેન્‍ડિંગ કમિટીની બેઠક પહેલાં મેયર ડૉ. નેહલ શુક્‍લાએ પોતાના એન્‍ટી ચેમ્‍બરમાં સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળિયા અને સભ્‍યો સાથે મહત્‍વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં રેટ કોન્‍ટ્રાક્‍ટની નીતિમાં ધરમૂળથી ફેરફાર કરવાની મૌખિક સૂચના આપવામાં આવી હતી. તેના અનુસંધાને સ્‍ટેન્‍ડિંગ કમિટીમાં અધ્‍યક્ષસ્‍થાનેથી અર્જન્‍ટ બિઝનેસ તરીકે દરખાસ્‍ત રજૂ કરવામાં આવી હતી, જેને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.

ઠરાવ મુજબ હવે તમામ શાખાઓના રેટ કોન્‍ટ્રાક્‍ટનું વિગતવાર રિવ્‍યૂ કરવામાં આવશે. જે કરારોની મુદત પૂર્ણ થઈ ગઈ છે તેમાં તાત્‍કાલિક નવા ટેન્‍ડર બહાર પાડવામાં આવશે. ઉપરાંત બજારભાવ કરતાં ઓછા દર ન મળે ત્‍યાં સુધી સતત ટેન્‍ડર ?ક્રિયા ચાલુ રાખવાની પણ સૂચના આપવામાં આવી છે, જેથી મહાનગરપાલિકાને સૌથી વાજબી દરે સામગ્રી અને સેવાઓ મળી શકે.

જંગલેશ્વર ડિમોલિશન પ્રકરણ બાદ લેવામાં આવેલા આ નિર્ણયો મહાનગરપાલિકાની ખરીદી પ્રક્રિયામાં પારદર્શિતા, સ્‍પર્ધા અને નાણાકીય શિસ્‍ત લાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યા છે. સ્‍ટેન્‍ડિંગ કમિટીએ સ્‍પષ્ટ સંદેશ આપ્‍યો છે કે જાહેર નાણાંના દુરુપયોગ સામે હવે કડક વલણ અપનાવવામાં આવશે અને ભ્રષ્ટાચારના મૂળ સુધી પહોંચી તેને નાબૂદ કરવા જરૂરી તમામ વહીવટી સુધારાઓ અમલમાં મૂકવામાં આવશે.

(4:02 PM IST)