News of Sunday, 10th May 2026
રાજકોટમાં ચોરની દિલેરી : માલીકનો ઓછો પગાર સાંભળી હ્ર્દય પીગળ્યું: 500 રૂપિયા લઈને મોબાઈલ પરત આપવાની ઓફર કરી
રાજકોટમાં એક મોબાઈલ ચોર અને માલિક વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ: ઓડિયો ક્લિપ કયા વિસ્તારની છે અને કયા વ્યક્તિની છે તે અંગે હજુ કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી

રાજકોટમાં એક મોબાઈલ ચોર અને માલિક વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં માલિકની આર્થિક તંગી અને ઓછા પગારની જાણ થતા ચોરનું દિલ પીગળ્યું હતું. ચોરે માત્ર 500 રૂપિયા લઈને મોબાઈલ પરત આપવાની અનોખી ડીલ કરી હતી. જોકે, આ વાયરલ ક્લિપની સત્યતાની પુષ્ટિ થઈ નથી. .
સામાન્ય રીતે મોબાઈલ ચોરાઈ ગયા પછી તે પાછો મળવાની આશા નહિવત હોય છે, પરંતુ રંગીલા રાજકોટમાં એક અત્યંત ચોંકાવનારો અને રમુજી કિસ્સો સામે આવ્યો છે. શહેરના એક મોબાઈલ ચોરનો ઓડિયો સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. આ ઓડિયોમાં ચોર પોતે જ મોબાઈલ માલિકને ફોન કરીને તેને પરત આપવાની ઓફર કરી રહ્યો છે.
વાયરલ ઓડિયો મુજબ, જ્યારે મોબાઈલ ચોરાયો ત્યારે માલિકે પોતાના જ નંબર પર ફોન કર્યો હતો. ચોરે ફોન ઉપાડ્યો અને બંને વચ્ચે વાતચીત શરૂ થઈ. વાતચીત દરમિયાન જ્યારે મોબાઈલ માલિકે પોતાની આર્થિક સ્થિતિ અને અત્યંત ઓછા પગાર વિશે ચોરને જણાવ્યું, ત્યારે ચોરનું હૃદય પરિવર્તન થયું હોય તેમ જણાયું હતું. માલિકની લાચારી જોઈને ચોરે મોબાઈલ વેચવાને બદલે તેને પરત આપવાનો નિર્ણય કર્યો.
ચોરે મોબાઈલ માલિક સામે એક અનોખી શરત મૂકી હતી. તેણે કહ્યું કે જો માલિક તેને 500 રૂપિયા આપે તો તે મોબાઈલ સુરક્ષિત રીતે પરત કરી દેશે. આ 500 રૂપિયાની ડીલ પાછળનું કારણ કદાચ ચોરનો પોતાનો ખર્ચ કે અન્ય લાલચ હોઈ શકે, પરંતુ માલિક માટે હજારોનો ફોન માત્ર 500 રૂપિયામાં પાછો મળવો એ કોઈ ચમત્કારથી ઓછું નથી. આ વિચિત્ર વાતચીતનો ઓડિયો હવે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે.
જોકે, આ ઓડિયો ક્લિપ કયા વિસ્તારની છે અને ખરેખર કયા વ્યક્તિની છે તે અંગે હજુ કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. 'અમો પણ આ વાયરલ ઓડિયો ક્લિપની સત્યતાની પુષ્ટિ કરતું નથી. પરંતુ સોશિયલ મીડિયામાં લોકો આ 'ભલા ચોર' વિશે જાતજાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકો તેને 'માનવતા' કહી રહ્યા છે, તો કેટલાક તેને પોલીસથી બચવાનો નુસખો ગણાવી રહ્યા છે.
(6:28 PM IST)










