News of Wednesday, 6th May 2026
દરણું દળાવવા જઇ રહેલી પરિણીતાને થોરાળાના ત્રણ શખ્સે ગાળો ભાંડીઃ એકે સાડી ખેંચી છેડતી કરી
પાંચેક દિવસ પહેલા મયુર ખીમસુરીયા વિરૂધ્ધ કરેલી અરજીનો ખાર રાખી મયુર તથા સાથેના જયુ, જયદિપે માથાકુટ કરીઃ થોરાળા પોલીસે ત્રણેય વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૬: થોરાળા વિસ્તારમાં એક પરિણીતાએ થોડા દિવસ પહેલા કરેલી પોલીસ અરજીનો ખાર રાખી તેણી ટુવ્હીલર પર દરણુ દળાવવા જતી હતી ત્યારે જેના વિરૂધ્ધ અરજી કરી હતી એ શખ્સ સહિત ત્રણ જણાએ તેણીને આંતરી ગાળો દઇ તું મારુ કાંઇ બગાડી નહિ શકે તેમ કહી સરાજાહેર સાડી ખેંચી છેડતી કરતાં પરિણીતાએ બૂમાબૂમ કરી મુકતાં નજીકમાંથી સગા દોડી આવતાં આ ત્રણેય ભાગી ગયા હતા. આ બનાવમાં થોરાળા પોલીસે ૨૪ વર્ષિય પરિણીતાની ફરિયાદ પરથી થોરાળા વિસ્તારના મયુર ખીમસુરીયા, જયદીપ ખીમસુરીયા અને જયુ ચાવડા વિરૂધ્ધ છેડતીનો ગુનો નોંધી ત્રણેયને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને એક સંતાન છે તેમજ હું આંગણવાડીમાં નોકરી કરુ છું. મંગળવારે સાંજે હું પતિનું એક્ટીવા લઇ એકલી મારા ઘરેથી વિજયનગરમાં ફલોર મીલ ખાતે દરણુ દળાવવા જતી હતી ત્યારે રસ્તામાં મેં ખુણા પર મારા વાહનનું હોર્ન વગાડતાં આગળ મયુર, જયદિપ અને જયુ ઉભા હોઇ ત્રણેયમાંથી મયુરે ‘તે કેમ પાંચ દિવસ પહેલા મારા વિરૂધ્ધ થોરાળા પોલીસમાં અરજી આપી છે? તું મારુ કાંઇ બગાડી શકે તેમ નથી' તેવું કહી મને ગાળો દેવા માંડયો હતો. તેની સાથેના જયદીપ અને જયુ પણ મને ગાળો દેવા માંડયા હતાં.
બાદમાં મયુર ખીમસુરીયાએ મારી સાડી ખેંચતાં મેં મોટા અવાજે રાડારાડી કરી મુકતાં તેણે સાડી મુકી દીધી હતી. આ દરમિયાન નજીકમાં જ રહેતાં મારા સગા આવી જતાં આ ત્રણેય ભાગી ગયા હતાં. બાદમાં અમે ૧૧૨માં ફોન કરી પોલીસ બોલાવી હતી અને ફરિયાદ કરી હતી. અગાઉ મેં કરેલી અરજીનો ખાર રાખી મને ત્રણેયએ ગાળો દીધી હતી અને મયુરે સાડી ખેંચી છેડતી કરી હતી. તેમ વધુમાં તેણીએ જણાવતાં થોરાળા પીઆઇ એસ. પી. સોઢાની રાહબરીમાં હેડકોન્સ. ડી. એચ. વાળાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(3:58 PM IST)










