<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

રવિરત્‍ન પાર્કમાં ટ્રાફિક વોર્ડન સમીર જુણેજાને ત્રણ શખ્‍સોએ કડા-ધોકાથી ફટકારી ધમકી દીધી

અચાનક કાર સામે આવવા દેતાં યુવાને બાઇકને બ્રેક મારતાં કારમાં બેઠેલા શખ્‍સોએ સામુ શું જોવે છે નજીક આવ કહી ડખ્‍ખો : ભોમેશ્વરમાં રહેતો યુવાન સાઇડમાં પરદા ફિટીંગનું કામ પણ કરે છેઃ શેઠના ઘરે પરદાના કામ માટે જતો હતો ત્‍યારે બનાવઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી ત્રણેયની શોધખોળ હાથ ધરી

રાજકોટ તા. ૧૩: શહેરમાં વાહન સામે આવી જવા બાબતે કે અડી જવા મામલે માથાકુટની ઘટના વારંવાર બને છે. દરમિયાન રવિરત્‍ન પાર્ક પાસે બાઇક હંકારીને પરદા ફીટ કરવાના કામ માટે જઇ રહેલા યુવાને અચાનક એક કાર સામેથી આવી જતાં પોતાના બાઇકને બ્રેક મારી દેતાં કારમાં બેઠેલા ત્રણ શખ્‍સોએ સામુ શું જોવે છે? કહી હાથમાં પહરેલા કડા, ધોકાથી અને ઢીકાપાટુનો માર મારી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ યુવાન ટ્રાફિક બ્રીગેડ તરીકે પણ નોકરી કરે છે.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે ભોમેશ્વર પ્‍લોટ સાધના એપાર્ટમેન્‍ટમાં પહેલા માળે રહેતાં અને બે મહિનાથી ટ્રાફિક બ્રિગેડમાં નોકરી કરવાની સાથે સાથે છુટક પરદા ફિટીંગનું કામ પણ કરતાં સમીર સલિમભાઇ જુણેજા (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી ક્રીમ  કલરનું ટીશર્ર્ટ પહેરેલા શખ્‍સ, કાળા કલરનો શર્ટ પહેરેલા શખ્‍સ અને સફેદ શર્ટવાળા શખ્‍સ સામે ગુનો નોંધ્‍યો છે.

સમીર જુણેજા માતા-પિતા સાથે ભોમેશ્વરમાં બે મહિનાથી ભાડેથી રહે છે.  ફરિયાદમાં જણાવાયા મુજબ રવિવારે ૧૨મી તારીખે સાંજે ચારેક વાગ્‍યે સમીર પોતાના મોટરસાયકલ પર બેસી શેઠ હિતેશભાઈ ચાવડા કે જેઓ પટેલ કન્‍યા છત્રાલય પાસે, નીલકંઠનગર, ગોપાલ ચોક ખાતે રહે છે તેને ત્‍યાં બારીના પડદા ફિટ કરવા માટે જઈ રહ્યો હતો. આ વખતે તે રવિરત્‍ન પાર્ક શેરી નં. ૫ પાસેથી પસાર થતો હતો ત્‍યારે અંદરની શેરીમાંથી એક વાદળી કલરની સુઝુકી કંપનીની ફ્રોન્‍ક્‍સ કાર જીજે૦૩એનકે-૪૦૪૫ પુરપાટ ઝડપે ધસી આવી હતી. અકસ્‍માતથી બચવા સમીરે અચાનક બ્રેક મારવી પડી હતી. આ વખતે કારચાલકે પોતાની ગાડી ઊભી રાખી સમીરને સામુ શું જોવે છે? આ બાજુ કાર પાસે આવ તેમ કહ્યું હતું.

સમીર કાર પાસે પહોંચતા જ આગળની સીટમાંથી બે શખ્‍સો નીચે ઉતર્યા હતા. જેમાંથી ક્રીમ કલરનું ટી-શર્ટ પહેરેલા શખ્‍સે અને સફેદ શખ્‍સે તને કંઈ હવા છે તે તારું મોટરસાયકલ અહીં કેમ ઊભું રાખ્‍યુ઼? કહી પોતાના હાથમાં પહેરેલા લોખંડના કડા વડે સમીરને માથાના ભાગે ત્રણ-ચાર ઘા ઝીંકી દીધા હતા. તે દરમિયાન કારની પાછળની સીટમાંથી કાળું શર્ટ પહેરેલો ત્રીજો શખ્‍સ લાકડાનો ધોકો લઈને બહાર આવ્‍યો હતો. ક્રીમ ટી-શર્ટવાળા શખ્‍સે તેના હાથમાંથી ધોકો આંચકી લઈ સમીરના ડાબા હાથના બાવળા પર, પીઠના ભાગે અને માથામાં ફટકારી દીધો હતો. જ્‍યારે કાળા શર્ટવાળા શખ્‍સે પણ ઢીકાપાટુનો બેફામ માર માર્યો હતો.

માર માર્યા બાદ સફેદ શર્ટ પહેરેલા શખ્‍સે સમીરનો મોબાઈલ નંબર માંગ્‍યો હતો અને ધમકી આપતા જણાવ્‍યું હતું કે-બીજી વાર કયાંય ભેગો ન થતો નહિતર જાનથી મારી નાખીશ અને તને ખોટા કેસમાં ફિટ કરાવી દઈશ. હુમલો કર્યા બાદ ત્રણેય શખ્‍સો પોતાની કારમાં ભાગી ગયા હતાં. બનાવ બાદ લોહીલુહાણ હાલતમાં સમીર થોડે આગળ ઉભેલા તેમના શેઠ હિતેશભાઈ પાસે પહોંચ્‍યા હતા અને સમગ્ર આપવીતી જણાવી મિત્રોને ફોન કર્યો હતો. મિત્રો અને સંબંધીઓ દોડી આવતા તેને સારવાર માટે ખસેડાયો હતો. યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનના એએસઆઇ જે. આઇ. ઝાલાએ ગુનો નોંધી તપાસ હાથ  ધરી છે.

(2:16 PM IST)