News of Tuesday, 14th April 2026
ભાજપમાં કાર્યાલયમાં ઉદ્ઘાટનમાં પરંપરા તૂટીઃ આયોજનમાં ત્રૂટી જ્ઞાતિના સોસાયટીઓના શ્રેષ્ઠીઓ ભૂલાયા
વોર્ડ નં. ૭,૮,૧૦ વગેરેના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે અણઆવડત અને પાંખી હાજરી દેખાઇ આવી

રાજકોટ, તા.૧૪: આવનારી મનપા ચૂંટણીમાં રાજકીય પક્ષોએ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે, ત્યારે ગઇકાલે ભાજપ દ્વારા શહેરના તમામ ૧૮ વોર્ડમાં સાંજના સમયે કાર્યાલય ઉદ્ઘાટનના કાર્યક્રમો યોજાયા હતા.
જો કે અમુક વોર્ડને બાદ કરતા નેતાઓ અને કાર્યકરોની સંખ્યા લગભગ એકસરખી જોવા મળી હતી. રાજકીય સુત્રો મુજબ સ્ટેજની પરંપરા પણ તુટી હોવાનું જાણવા મળ્યું હતું.
પુર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઇ રૂપાણી ના કાર્યકાળમાં કાર્યાલય ઉદ્ઘાટન દરમિયાન સ્ટેજ ઉપર વિવિધ જ્ઞાતિ-સમાજના આગેવાનો શ્રેષ્ઠીઓ તથા સોસાયટીના પ્રમુખોને સ્થાન આપવામાં આવતુ હતું જોકે ગઇકાલે અહી ફકત ભાજપના નેતાઓ અને ઉમેદવારો જ દેખાયા હતા. ઉપરાંત જેના ઉપર મતદાનનો સોૈથી મોટો આધાર હોય છે. તેવા સોસાયટીના પ્રમુખો, આગેવાનોને પણ યોગ્ય સૂચનાની વ્યવસ્થા ન થઇ હોવાની વાત રાજકીય સુત્રો દ્વારા જાણવા મળેલ છે. જે બુથમાં ભાજપ સીવાય અન્ય પક્ષને પ્રચાર માટે પ્રવેશ નથી અપાતો તેવા વિસ્તારોમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારો માટે દરવાજા ખોલી દેવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.
ભાજપ માટે કાર્યકરોની અછત ઘણા લાંબા સમયથી માથાનો દુઃખાવો બન્યો છે. જુના જોગીઓને જવાબદારી ન આપવી, પક્ષાંતર કરેલને હોદો આપવો સહિતના મુદ્ે ઉકળતો ચરૂ છે. તેવામાં ગઇકાલના કાર્યાલય ઉદ્ઘાટનમાં જ્ઞાતિ-સમાજના શ્રેષ્ઠીઓ ભુલાતા તેની સીધી અસર મતદાન ઉપર પડવાની રાજકીય પંડીતો શકયતા દર્શાવી રહ્યા છે.
(3:57 PM IST)










