<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

રવિવારે પ્રથમ નોરતે કાગવડથી ખોડલધામ મંદિર સુધીની પરંપરાગત પદયાત્રા

સતત ૧૬મા વર્ષે પદયાત્રાનું આયોજન, પદયાત્રા પૂર્ણ થયે શ્રી ખોડલધામ મંદિરે ધ્વજારોહણ કરાશેઃ નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાનારી પદયાત્રામાં હજારો પદયાત્રિકો જોડાશેઃ નવલાં નોરતાં દરમિયાન દરરોજ માતાજીને અવનવા શણગાર, હવન અને ધ્વજારોહણ કરવામાં આવશે

કાગવડ, રાજકોટઃ તા.૧૧ ઓકટોબરથી હિંદુ ધર્મના સૌથી લાંબા તહેવાર ગણાતા નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. દર વર્ષની પરંપરા પ્રમાણે સતત ૧૬મા વર્ષે નવરાત્રિના પ્રથમ દિવસે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા શ્રી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં આ પદયાત્રામાં દર વર્ષની જેમ બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે અને શ્રી ખોડલધામ મંદિરે પહોંચી મા ખોડલના દર્શન કરી, આશીર્વાદ લેશે. કાગવડ ગામથી શ્રી ખોડલધામ મંદિરે પદયાત્રા થકી પહોંચ્યા બાદ મંદિરે ધ્વજારોહણ કરવામાં આવશે. નવરાત્રિના નવે-નવ દિવસ માતાજીને અવનવા શણગાર, હવન અને ધ્વજારોહણ કરી શ્રદ્ધાળુઓ આરાધના કરશે. નવરાત્રિ દરમિયાન શ્રી ખોડલધામ મંદિર પરિસર લાઇટિગથી ઝગમગી ઉઠશે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા દર વર્ષે આસો મહિનાની નવરાત્રિના પ્રથમ નોરતે શ્રી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જે ક્રમ આ વર્ષે પણ ચાલુ રાખી પ્રથમ નોરતે ૧૧ ઓકટોબર ને રવિવારના રોજ સવારે ૯ કલાકે કાગવડ ગામથી શ્રી ખોડલધામ મંદિર સુધીની યોજાનાર પરંપરાગત પદયાત્રામાં શ્રદ્ધાળુઓ જોડાશે અને મા ખોડલના જય જયકાર સાથે શ્રી ખોડલધામ મંદિર પહોંચશે અને મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવી ધ્વજારોહણ કરવામાં આવશે. પ્રથમ નોરતે શ્રી ખોડલધામ મંદિર પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં યજ્ઞ પણ કરવામાં આવશે. આ પદયાત્રામાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટીશ્રીઓ, શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટના ટ્રસ્ટીશ્રીઓ, શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન વેરાવળ-સોમનાથના ટ્રસ્ટીશ્રીઓ, શ્રી ખોડલધામના ઝોન કન્વીનરશ્રીઓ, જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કન્વીનરશ્રીઓ, શ્રી ખોડલધામ મહિલા સમિતિ, શ્રી ખોડલધામ યુવા સમિતિ, શ્રી ખોડલધામ મીડિયા સમિતિ, શ્રી ખોડલધામ શિક્ષણ પાંખ, શ્રી ખોડલધામ લિગલ સમિતિ, અન્ય સમિતિઓ અને તમામ સમાજના ભાઈઓ-બહેનો જોડાશે. નવરાત્રિ દરમિયાન દરરોજ શ્રી ખોડલધામ મંદિરે યજ્ઞશાળામાં હવન કરાશે અને મા ખોડલને રોજ અવનવા શણગાર અને ધ્વજારોહણ કરી શ્રદ્ધાળુઓ દ્વારા મા ખોડલની આરાધના કરવામાં આવશે

(3:47 PM IST)